કેજરીવાલે જેલમાંથી બહાર આવતાં જ ભવિષ્યવાણી કરી દીધી કે હવે વડાપ્રધાન મોદી નહી પણ અમિત શાહ બનશે ! એટલું જ નહીં, રાજનાથ સિંહ, યોગીજી અને ગડકરીને સાવ સાઇડલાઇન કરી દેવાશે !
કેજરીવાલની આ ભવિષ્યવાણી સાંભળ્યા પછી જ્યોતિષ વિદ્યામાં રસ ધરાવતા લોકોને હવે સવાલો થવા માંડ્યા છે…
***
કેજરીવાલે જ્યારે પોતાની જ પાર્ટીમાંથી શાંતિ ભૂષણ, પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર યાદવ, કિરણ બેદી, આશુતોષ અને શાઝિયા ઇલ્મી જેવા તેર નેતાઓને સાઇડલાઇન કરીને પાર્ટી છોડવા મજબૂર કર્યા હતા...
- ત્યારે એમણે આવી કોઈ ભવિષ્યવાણી કેમ નહોતી કરી ?
***
પણ હા, એક વિડીયો ફરે છે, જેમાં કેજરીવાલજી કહે છે કે ‘અગર સિસોદીયા ભ્રષ્ટાચાર કરેગા તો વો જેલ જાયેગા, અગર સંજય સિંહ ભ્રષ્ટાચાર કરેલા તો વો ભી જેલ જાયેગા !’
- આ ભવિષ્યવાણી તો સાચી પડી ! પણ... પોતાના જેલ જવા વિશેની વાણી એમણે કેમ ગુપ્ત રાખી હશે ?
***
કેનેડામાં બેઠેલો પેલો ખાલિસ્તાની આતંકવાદી એક દિવસ વિડીયો જાહેર કરીને કહેશે કે ‘મેં મારા સાથીઓને જેલમાંથી છોડાવવા માટે કેજરીવાલને કુલ ૧૧૩ કરોડ રૂપિયા આપ્યા છે...’
- એવું ભવિષ્ય જ્યોતિષાચાર્ય શ્રી કેજરીવાલજીને દેખાયું નહોતું ?
***
જોકે જ્યોતિષી કેજરીવાલજીને એ જરૂર ખબર હતી કે જ્યારે ઈડી એમના બંગલે રેઇડ મારવા આવશે ત્યારે માત્ર ૫૦,૦૦૦ રૂપિયા જ કેશ મળશે ! પણ તોંતેર કરોડના ખર્ચે કરાવેલું ઇન્ટિરીયર જપ્ત કરી શકશે નહીં !
***
આ બાજુ ભાજપનાં અસંતુષ્ટ જુથના નેતાઓ ખાનગીમાં કેજરીવાલનો સંપર્ક કરીને કહી રહ્યા છે કે ‘યાર ભેગાં ભેગાં અમારાં નામો પણ બોલેને ? કેમકે અમારાથી તો બોલી શકાતું નથી !’
***
અને હવે એ અફવા કોણ ફેલાવી રહ્યું છે કે રાહુલ ગાંધીએ ખાનગીમાં પોતાની કુંડળી મોકલાવીને પૂછાવ્યું છે કે, ‘પ્લીઝ જરા જોઈને કહોને, હું ક્યારેય વડાપ્રધાન બની શકીશ ખરો ?’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment