કેજરીવાલ સાહેબની વાત જ અનોખી છે ! ભ્રષ્ટાચારના આરોપમાં જેલ થઈ હોવા છતાં ચૂંટણીના પ્રચાર માટે એમને પંદર દિવસના જામીન મળે છે !
(બીજા ભ્રષ્ટાચારી નેતાઓ માટે તો એમણે આદર્શ દાખલો બેસાડી દીધો !)
એ સિવાય પણ કેજરીવાલજી બીજાઓ કરતાં અનોખા છે…
***
નેતાઓ ત્રણ પ્રકારના હોય છે.
(૧) જેના માટે પૈસા ખર્ચીને ભીડ ભેગી કરવી પડે છે.
(૨) જેના માટે પૈસા ખરચતાં ય ભીડ ભેગી થતી નથી.
(૩) જે ઘરે ઘેર પ્રચાર કરવા નીકળે તો ભીડ એમને મારવા દોડે છે !
પણ કેજરીવાલજીએ નથી પૈસા ખરચવા પડતા, કે નથી ઘેર ઘેર જવું પડતું ! જેલમાં બેઠા બેઠા જ પોતાના ઘરે ભીડ ભેગી કરી શકે છે !
***
ચીફ મિનિસ્ટર ત્રણ પ્રકારના હોય છે.
(૧) ઈડીની રેડ પડતાં પહેલાં ભૂગર્ભમાં છૂપાઈ જાય તેવા.
(૨) ઈડીની રેડ પડ્યા પછી પત્નીને સીએમ બનાવી દે તેવા.
(૩) ઈડીની રેડ પછી સત્તા ગુમાવી દેવાનો ડર હોય તેવા.
પણ કેજરીવાલજી મહાન છે ! ઈડીના સમન્સને સાત વાર કાને જ ના લીધાં ! જેલમાં ગયા પછી યે સીએમ રહ્યા ! ઉલ્ટું, બીજા સીએમનાં પત્ની એમનાં પત્ની સાથે વિરોધમાં જોડાયાં ! અને ઈડીની રેડને કારણે જ હવે હીરો બની ગયા !
***
જેલમાં નેતાઓ ત્રણ રીતે વર્તે છે…
(૧) એમને છાતીમાં દુઃખાવો થવા લાગે છે.
(૨) એમને વીઆઈપી સુવિધાઓ જોઈએ છે.
(૩) કેમેરાથી સતત દૂર રહે છે.
પણ કેજરીવાલજી મહાન છે ! એમનું તો શ્યુગર વધી જાય છે ! (અને બહાર આવ્યા પછી એ ડોક્ટર પાસે નથી જતા ! એ તો વાજતે ગાજતે રેલી કાઢે છે.) એમને સુવિધા ખરાબ જ જોઈએ છે ! જેથી કેમેરામાં સૌને દેખાડી શકાય !
***
વિપક્ષી નેતાઓ ત્રણ પ્રકારના હોય છે.
(૧) મોદીનો સતત વિરોધ કરે છે.
(૨) ભાજપનો સતત વિરોધ કરે છે.
(૩) હિન્દુ ધર્મનો વિરોધ કરે છે.
પણ કેજરીવાલ મહાન છે ! એ કહે છે નવા વડાપ્રધાન તો અમિત શાહ થવાના છે ! અર્થાત્ ભાજપ જીતે છે ! અને જેલમાંથી છૂટીને એ સીધા હનુમાન મંદિરે જાય છે !
- અઘરી નોટ છે, ભૈશાબ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment