જુવાનિયાઓ માટે તો વેલેન્ટાઇન-ડે પહેલાંનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ! રોઝ ડે… ગિફ્ટ ડે… ટેડી ડે… કિસ ડે… પ્રપોઝ ડે… વગેરે પણ મારા-તમારા જેવા મામુલી લોકોનું શું ? તો એમના માટે પણ ‘ડે’ છે…
***
સેલેરી ડે
મનરેગાના મજુરથી લઈને મલ્ટિનેશનલના મેનેજરનો પગાર જે દિવસે એના ખાતામાં જમા થાય છે એ જ એમનો ‘જનધન ડે’ હોય છે !
***
ઇન્સ્ટોલમેન્ટ ડે
સેલેરી ડે પછી તરત જ આવતા ડરામણા ડે... જેમાં ઘરના, વાહનના, લોનના અને (પત્નીને) ઘરખર્ચના હપ્તા વિધાઉટ ગુન્ડાગિરી આપી જ દેવા પડે છે !
***
બિલ ડે
લાઇટ બિલ, ફોન બિલ, ગેસ બિલ, કરિયાણા બિલ, ક્રેડિટ બિલ... આવાં તમામ બિલ વિધાનસભા કે લોકસભા જેવા ગૃહમાં નહીં પણ ‘ઘર’ કહેવાતા ગૃહમાંથી વિના ચર્ચાએ પાસ કરી દેવાનાં હોય છે !
***
બજેટ ડે
વરસે એક વખત આવતો આ ડે, ઉપરના ત્રણે ત્રણ ડે જે દર મહિને આવે છે, તેનું સંતુલન હચમચાવી શકે છે !
***
ઇલેક્શન ડે
2024ના ઇલેક્શનની જેમ એનાં વરસ પહેલાં એવાં નગારાં વાગે છે, મહિનાઓ પહેલાં એવી ખેંચમતાણી ચાલે છે, દિવસો પહેલાં એવાં અનુમાનો ચાલે છે, મતદાન પહેલાં એવાં વચનો ચાલે છે અને પરિણામો સુધી એનાં એવાં વિશ્ર્લેષણો ચાલે છે... કે જાણે આ એક દિવસને કારણે દેશની આખી કિસ્મત પલટાઈ જવાની છે !
***
રિઝલ્ટ ડે
નીરસ ટેસ્ટમેચની જેમ સવારે શરૂ થાય છે, ધીમી વન-ડે માફક આગળ વધે છે અને વન સાઇડેડ 20-20ની માફક બપોર સુધીમાં તો આખો ‘ડે’ પતી જાય છે ! (પણ દેશની કિસ્મતનું શું ? એવું નહીં પૂછવાનું.)
***
હોલી-ડે
રજાનો કોઈપણ દિવસ !
ડ્રાય-ડે
ગુજરાતીઓને નહીં સમજાતો દિવસ !
બર્થ ડે
ઉંમરના સરવાળા બાદબાકીનો દિવસ !
... અને મન-ડે
મન ના હોય છતાં સન-ડે પછી મન મારીને નોકરીએ જવાનો દિવસ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment