સ્માર્ટ વૉચના સ્માર્ટ પ્રોબ્લેમો !

મારા એક ભત્રીજાએ તેના કાંડા ઉપર કાળા બેલ્ટવાળું કાળા રંગના લંબચોરસ માદળિયા જેવું કશુંક પહેરેલું હતું. એ જોઈને મેં પૂછ્યું ‘આ કંઈ નવી જાતનું રિસ્ટ-બેન્ડ નીકળ્યું છે?’ 

તો મને કહે ‘ના, અંકલ, આ તો સ્માર્ટ વૉચ છે.’ મેં કીધું ‘એમાં ટાઇમ તો દેખાતો નથી !’ એણે કહ્યું ‘ટાઇમ જોવા માટે એની ઉપર ફીંગર ટચ કરવી પડે.’ 

મને સિમ્પલ વિચાર આવ્યો કે રાત્રે તમને સખત પેશાબ લાગી હોય ત્યારે પથારીમાંથી ઉઠવું કે ના ઉઠવું એ નક્કી કરવા માટે તમે ટાઇમ જોવા માગતા હો, તો બેડની બાજુમાં તમે જે આ સ્માર્ટ-વૉચ મુકી છે એ તો સાલી, કાળી ધબ્બ છે ! પહેલાં તો એને અડવા માટે શોધવી પડે, અને શોધવા માટે લાઇટ કરવી પડે !

ભત્રીજો મને કહે ‘આમાં ચાર રીતે ટાઇમ બતાડે છે. એક કાંટાવાળું ડાયલ છે, બીજું ડિજીટલ આંકડાવાળું છે, ત્રીજું સ્પોર્ટ્સ સ્ટાઈલનું છે અને ચોથું ડિઝાઇનર ડાયલ છે એમાં ફક્ત કાંટા જ હોય, આંકડા ના હોય !’ 

હું જરા ગુંચવાયો, ‘ટાઇમ તો એક જ બતાડે ને ? કે એ પણ અલગ અલગ ?’ તો કહે ‘ના, આ તો ડિપેન્ડ્સ કે આપણો મૂડ કેવો છે, એ હિસાબે ડાયલ સેટ કરવાનું !’ 

'વાઉ, આ સ્માર્ટ-વૉચ આપણો મૂડ કેવો છે, એ પણ આપણને બતાડે ?’ 
ભત્રીજો કહે ‘એક્ઝેક્ટલી એવું નહીં, પણ આપણું બોડી ટેમ્પરેચર આપણને બતાડે !’ 

મને થયું, આ સારું કહેવાય કે ખરાબ ? દાખલા તરીકે આ શિયાળાના ટાઇમમાં કોઈ હૉટ છોકરીને જોઈને તમે હૉટ થઈ જાવ… અને તમારી સ્માર્ટ-વૉચ જોતાંની સાથે જ એ હૉટ છોકરીને ખબર પડી જાય, તો એ મારી બેટી ‘હૉટ’ રહેવાને બદલી તમારી ઉપર ‘ગરમ’ થઈ જાય તો ?

મારા ભત્રીજાએ મને કહ્યું કે આમાં તમે કેટલાં ડગલાં ચાલ્યા એ પણ બતાડે છે ! સાલું, આ કેવું ? મતલબ કે તમે તમારી વાઇફ સાથે નાછૂટકે મોલમાં શોપિંગ માટે ગયા છો અને આખરે તમને ખબર પડે છે કે વાઇફનો એક ડ્રેસ અને બે સેન્ડલ ખરીદવાના ચક્કરમાં તમે બે હજાર છસ્સો ને બાર ડગલાં ચાલી ગયા ! 

એ તો ઠીક, એક દિવસ તમને ભાન થાય છે કે તમે વાઇફને જ્યારે પિયર જવા માટે સ્ટેશને મુકવા જાવ છો ત્યારે પાર્કિંગથી ટ્રેનના ડબ્બા સુધીમાં માત્ર નવસો ને પિસ્તાળીસ જ ડગલાં ચાલવું પડે છે ! આમાંથી સસ્તું કયું પડે ? 

અને હજી તમે એ તો ગણ્યું જ નથી કે જ્યારે તમારી વાઇફ અરીસા સામે બેસીને તૈયાર થઈ રહી હોય છે અને તમે ‘જલ્દી કર… હજી કેટલી વાર…’ એમ કરીને ઘડિયાળમાં જોતાં જોતાં જે આંટા માર્યા છે એમાં જ ચારસો ને નવ ડગલાં થઈ જાય છે ! (દિમાગનું ‘ટેમ્પરેચર’ વધે છે એ તો અલગ.)

જેમ જેમ આ સ્માર્ટ-વૉચનાં ફિચર્સ જાણવા મળે છે તેમ તેમ મારું કન્ફ્યુઝન વધતું જાય છે. કહે છે કે આમાં તમારા હાર્ટ-બિટ્સ પણ બતાડે છે. એટલું જ નહીં, જો હાર્ટ-બિટ્સ ખુબ વધી જાય તો ‘રેડ એલર્ટ’ પણ બતાડે છે ! 

હવે જસ્ટ વિચાર કરો કે તમે ઓલરેડી ઓફિસ માટે લેટ છો… પાર્કિંગ ફૂલ હોવાથી તમે ઓફિસ બિલ્ડીંગથી દૂર બાઈક પાર્ક કરીને, ત્રણસો ચાલીસ ડગલાં ઝડપથી ચાલીને આવો છો, અને જુઓ છો કે બન્ને લિફ્ટ બંધ છે ! એટલે તમે ઝડપથી બાર-બાર પગથિયાં ચડીને ચોથે માળે પહોંચવા માટે ધસી રહ્યા છો… ત્યાં જ તમારું સ્માર્ટ-વૉચ તમારા હાર્ટ-બિટ્સના હિસાબે ‘રેડ-એલર્ટ’ બતાડવા માંડે છે ! હવે તમે ટેન્શનમાં છો કે યાર, નોકરી બચાવવી કે હાર્ટ ?

બધું જોયાનું ઝેર છે ! કહે છે કે આમાં શેરબજારના ભાવની ચડ-ઉતર પણ બતાડે છે ! (જેથી તમે તમારા હાર્ટ-બિટ્સની ચડ-ઉતર પણ સાથે સાથે જોઈ શકો.) 

આમાં તમારા ક્રેડિટ કાર્ડને પણ લિન્ક કરી શકો છો ! (જેથી તમારી વાઇફ ધડાધડ શોપિંગ કરતી હોય ત્યારે પણ તમે હાર્ટ-બિટ્સને કંટ્રોલ કરવાની કસરત કરી શકો છો.) 

તમે જોગિંગ કે રનિંગ કરી રહ્યા હો ત્યારે તમારી સ્પીડ પણ બતાડે છે. (આ બે જગ્યાએ કામમાં આવશે : એક, જ્યારે મોર્નિંગ વોકમાં કૂતરું પાછળ પડી જાય ! અને બે, જ્યારે લેણદારો ઉઘરાણી માટે પાછળ પડી જાય !) 

મહિલાઓ જો આ સ્માર્ટ-વૉચ પહેરવા માંડશે તો એ ફિટનેસ સેન્ટરોમાં જવાનું બંધ કરી દેશે, કેમકે વોકિંગ, જોગિંગ અને રનિંગનો એમનો આખા વરસનો ક્વોટા તો નવરાત્રિની નવ રાતોમાં જ પુરો થઈ જશે !

સ્માર્ટ-વૉચની સગવડો બાબતે મને તો વિચિત્ર સવાલો થવા લાગ્યા છે. જેમકે, તમારી સ્માર્ટ-વૉચ તમારો ફોન કે તમારી કારની ચાવી ક્યાંક મુકાઈ ગઈ હોય તો તે શોધી આપશે !

સવાલ એ છે કે શું ખોવાઈ જવાના ચાન્સ વધારે છે ? હથેળી જેવડો ફોન, મુઠ્ઠી જેવડી કી-ચેન કે દાબડી જેવડી સ્માર્ટ-વૉચ ?

કહે છે કે સ્માર્ટ-વૉચમાં ‘કંપાસ નેવિગેશન’ હોય છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ વગેરે ! સવાલ એ છે કે યાર, આ તમારું શહેર કંઈ જંગલ છે ? રણ છે ? તમે રોજ ટ્રેકિંગ પર નીકળો છો ? અને બોસ, ફોનમાં પેલો ગુગલ-મેપ ઝખ મારવા માટે રાખ્યો છે ?

હજી આગળ સાંભળો… કહે છે કે સ્માર્ટ-વૉચ તમારા ‘વૉઈસ-કમાન્ડ’ લે છે ! ઓ ભાઈ, તમે હજી કયા ભ્રમમાં છો ? તમે પોતે જ તમારી પત્નીના ‘વૉઇસ-કમાન્ડ’ લઈ રહ્યા છો, એનું શું ? 

કહે છે કે સ્માર્ટ-વૉચ તમરાા ‘જેશ્ચર કંટ્રોલ’ માટે પણ કમાન્ડ આપે છે. આ ‘જેશ્ચર કંટ્રોલ’ એટલે શું ? તમે શી રીતે બેસો છો, શી રીતે ઊભા રહો છો, વગેરે, રાઈટ ? મતલબ કે, તમે મસ્ત છોકરી સાથે બેઠાં છો, અને એ જ વખતે તમારી સ્માર્ટ-વૉચ બોલી ઊઠે છે : ‘એય, સખણો બેસ !’

અને હા, આ સ્માર્ટ-વૉચ તમારા મોબાઈલનાં એપ્સનાં નોટિફીકેશન્સ અને ઇમેલ પણ બતાડે છે ! 

વાઉ, મતલબ કે તમે હજી ઓફિસે પહોંચ્યા પણ નથી, હજી પેલા ‘કંપાસ’ની મદદથી શોર્ટેસ્ટ-રૂટ શોધી રહ્યા છો, ટ્રાફિકમાં જામમાં ફસાયા છો, ઓલરેડી બાર મિનિટ અને સાડત્રીસ સેકન્ડ લેટ છો, તમારા હાર્ટ-બિટ્સ રેડ એલર્ટને ટચ કરવાની તૈયારીમાં છે અને તમારું ટેમ્પરેચર વધી રહ્યું છે… એ જ વખતે બોસની ઇમેલ આવે છે કે ‘પેન્ડિંગ કામ પુરાં ક્યારે કરશો ? આ શનિવારની રજા કેન્સલ છે…’ 

આવા વખતે તમારી સ્માર્ટ-વૉચને શું કંકોડાં વોઇસ-કમાન્ડ આપશો ? કે સાલી, ચૂપ મર !!

***

- મન્નુ શેખચલ્લી


E-mail : mannu41955@gmail.com

Comments