ગાંધી નિર્વાણ દિન કે વિસ્મૃતિ દિન ?

આજે એટલે કે 30 જાન્યુઆરી 1948ના દિવસે ગાંધીજીની હત્યા થઈ હતી. ત્યારથી આજ સુધી આપણે આ દિવસને ગાંધી નિર્વાણ દિન તરીકે ઉજવતા આવ્યા છીએ. પણ હવે ધીમે ધીમે થોડું બદલાતું જાય છે !

*** 

અગાઉ આપણે એમને રાષ્ટ્રપિતા કહેતા હતા. હવે પિતાની સાથે સાથે ‘ચાચા’ને પણ અડફેટમાં લેવાઈ રહ્યા છે !

*** 

અગાઉ એમની મૂર્તિ ઉપર સૂતરની આંટી ચડાવતા હતા. હવે એમના અનુયાયીઓને અમુક લોકો પગની આંટી ભિડાવી રહ્યા છે !

*** 

‘કોઈ તુમ્હારે ગાલ પે એક ચાટા મારે તો ઉસે બોલો કિ દૂસરે ગાલ પર ભી ચાટા મારે…’ આવું કીધા પછી દેશમાં નવા આવેલા મુન્નાભાઈઓએ ‘ઉસ કે બાદ ક્યા કરને કા વો બાપુને નહીં બોલા થા’ એમ કહીને ગાંધીજીની વિચારધારાને જાતે જ આગળ વધારી લીધી છે !

*** 

ગાંધીજી માટે ગાંધીનગરમાં મહાત્મા મંદિર તો બાંધી દીધું પણ એના પૂજારીઓ બદલાઈ ગયા ! અને પ્રસાદ તો ગાયબ જ થઈ ગયો !

*** 

અગાઉ દેશની તમામ યુનિવર્સિટીમાં એવું ભણાવતા હતા કે ભારતને આઝાદી ગાંધીજીએ અપાવડાવી… પણ વોટ્સ-એપ યુનિવર્સિટી આવી પછી આખો અભ્યાસક્રમ જ બદલાઈ ગયો !

*** 

ગાંધીજીના છેલ્લા શબ્દો ‘હે રામ’ હતા, પણ એમાંથી ‘હે’ નીકળી ગયું અને ‘રામ’ આગળ આવી ગયું ! ૨૨ જાન્યુઆરી હવે ૩૦ જાન્યુઆરીથી આગળ નીકળી ગઈ !

*** 

એમ તો, ગાંધીજીનો પરિવાર સાવ ગુમનામ થઈ ગયો, પણ ‘ગાંધી પરિવાર’ હજી જોરમાં છે !

*** 

રાજઘાટનું પણ એવું જ કંઈક થયું… ‘રાજ’ જુદા જ લોકોના હાથમાં આવી ગયું અને ગાંધી-વિચારનો સાવ ‘ઘાટ’ ઘડાઈ ગયો !

*** 

છતાં, ગાંધીજીની યાદગિરીને સાચવી રાખનારા વીરલાઓ આજે પણ મોજુદ છે ! ખાસ કરીને જ્યારે EDની રેઈડ પડે છે ત્યારે લાખોની સંખ્યામાં એમની યાદગીરીઓ મળી આવે છે !

*** 

આપણે પણ ગાંધીજીને ત્યાં સુધી નહીં ભૂલી શકીએ જ્યાં લગી એમની તસવીર કરન્સી નોટો ઉપર છે ! લોચો એક જ છે કે ડિજીટલ પેમેન્ટમાં તો ગાંધીજી વચ્ચે ક્યાંય આવતા જ નથી !

***

- મન્નુ શેખચલ્લી

Comments