આજકાલ મેરેજ રિસેપ્શનોમાં વાતોના ટોપિક્સ સેઇમ થઈ ગયા છે. એટલે તમારે જવાબમાં ફક્ત એટલું જ કહેવાનું બચે છે કે…
***
કોઈ આન્ટી :
‘બધા રિલેટિવ્સને ટાઇમ જ ક્યાં છે ? સૌ આ રીતે મેરેજોમાં જ મળે છે...’
તમે : (સ્ટાર્ટર ખાતાં ખાતાં)
‘અચ્છા... એવું છે !’
***
તમારાં પત્ની :
‘આપણે ગઈકાલે જે રિસ્પેશનમાં ગયા હતા ને, ત્યાં ત્રણ જણીએ સેઈમ સાડી પહેરી હતી. બોલો.’
તમે : (મેઈન કોર્સની લાઈનમાં)
‘અચ્છા... એવું છે !’
***
તમારી સાથે ઊભા ઊભા જમનારા :
‘આ વખતે લગનનાં મૂરતો બહું ઓછાં છે...’
તમે : (ખાતાં ખાતાં)
‘અચ્છા... એવું છે !’
***
બીજી વાર ડીશ ભરીને લાવનારા :
‘બાવીસમીએ તો અમારી સોસાયટીમાં મોટી આતશબાજી કરેલી... કોમન પ્લોટમાં બધા માટે જમવાનું રાખેલું... બાજુના રોડ ઉપરથી બહુ બધી શોભાયાત્રાઓ નીકળેલી... બીજેપીને આ વખતે બહુ ફાયદો થવાનો... જોજો તમે...’
તમે : (રાઇસ ખાતાં ખાતાં)
‘હં...અચ્છા... એવું છે !’
***
તમારા પત્ની (ફરી મળી જતાં)
‘આ પંજાબી સબ્જી સરસ છે હોં ! ત્યાં પેલી બાજુ લાઈવ ઢોંસાના કાઉન્ટર પાસે પિત્ઝા પણ છે હોં !’
તમે : (એ બાજુ જોઈને)
‘અચ્છા... એવું છે !’
***
કવર આપીને ફોટા પડાવવાની લાઈનમાં
‘આજકાલ લગ્નોમાં ખોટા ખર્ચા બહુ વધી ગયા છે. હવે તો ડેસ્ટિનેશન વેડિંગોનો ટ્રેન્ડ ચાલ્યો છે... બધા બિચ રિસોર્ટમાં, હિલ સ્ટેશનોમાં, ટાપુઓ પર વેડિંગ રાખે છે....’
તમે : (લાઇન ક્યારે આગળ વધશે એ વિચારતાં)
‘ઓહો... અચ્છા... એવું છે !’
***
પત્ની : (પાછા વળતાં)
‘તમે માર્ક કર્યું ? આજે ત્રણ જણીના પર્સ બિલકુલ સેમ ટુ સેમ હતાં !’
તમે : (ઓડકાર ખાતાં)
‘અચ્છા... એવું છે !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment