અચ્છા, સૌથી પહેલાં તો એ જાણી લો કે ડેવિડ ધવન કંઈ ખ્રિસ્તી નથી ! વાત એમ હતી કે આસામમાં અગરતલા શહેરમાં જ્યાં એમનું બાળપણ વીત્યું ત્યાં એમના પાડોશીઓ ખ્રિસ્તી હતા. એમનાં બાળકો સાથે એટલા હળીમળી ગયેલા કે એ લોકો એમને 'ડેવિડ' કહીને જ બોલાવતા હતા. બાકી સાચું નામ તો રાજિન્દર છે !
તો સવાલ એ થાય કે ફિલ્મો માટે આ 'ડેવિડ' નામ શી રીતે ધારણ કર્યું ? તો બીજી જાણવા જેવી વાત જાણી લો કે રાજિન્દરના મોટાભાઈ એ જમાનાના જાણીતા ફિલ્મસ્ટાર અનિલ ધવન હતા ! અનિલભાઈ ભલે નબળા એક્ટર રહ્યા, પણ નસીબ જોર કરતું હતું એટલે ફિલ્મી દુનિયાના 'ભા.ભૂ.ન્યાય' મુજબ એમની નૈયા ચાલી રહી હતી. (ભા.ભૂ.ન્યાય એટલે ભારત ભૂષણ જેવો સપાટ ચહેરો હોવા છતાં નસીબના જોરે હિરોના રોલ મળ્યા જ કરે !)
ખેર, આપણા રાજિન્દરભાઈને તો ફિલ્મમાં એડિટર કે ડિરેક્ટર બનવાનાં સપનાં પણ નહોતાં આવતાં. ભણવામાં પણ ખાસ ભલીવાર નહોતો. એટલું જ નહીં, લાઇફમાં કોઈ ફોકસ પણ નહોતું !
કોલેજમાં ઇન્ટર પાસ કર્યા પછી રખડવા માટે મુંબઈ ગયા તો થયું ચાલોને, મોટાભાઈની જેમ FTIIમાં જઈએ ! ( અનિલ ધવનને FTIIમાં કોઈ પ્રોફેસરોએ એક્ટિંગ શીખવવાની નિષ્ફળ કોશિશ કરી જ હશે. પણ પોતે નાપાસ કહેવાય એના ડરથી અનિલ ધવનને પાસ કરી દેતા હશે !) અહીં રાજિન્દરે ફોર્મ પણ ભર્યું... પરંતુ ઇન્ટરવ્યુ વખતે સતીષ શાહ, સુરેશ ઓબેરોય, રાકેશ બેદી જેવા બીજા કેન્ડીડેટ્સને જોઈને રાજિન્દરજી ગભરાઈ ગયા !
એમણે પ્રિન્સિપાલ સાહેબની ઓફિસમાં જઈને કહ્યું 'મારાથી આ નહીં થાય. ' તો એમણે કહ્યું એક્ટિંગ સિવાયનો કોઈ બીજો ઓપ્શન લખી દે !' તો એમણે 'એડિટીંગ' લખી દીધું. અને બસ એડમિશન મળી પણ ગયું !
આ વાતની જ્યારે અગરતલામાં પિતાજીને ખબર પડી તો એમણે ફોન કરીને કહ્યું કે 'બેટા, હવે જ્યારે તું ફિલ્મી દુનિયામાં કદમ રાખવાનો જ છે તો તારું બાળપણનું લાડકું નામ 'ડેવિડ' રાખી લે ને ? ...તો વાત આમ બની !
રાજિન્દરમાંથી 'ડેવિડ' નામ કરવા માટે કાનૂની એફિડેવીટ, છાપામાં જાહેરખબર, બાકાયદે જે જરૂરી હતું તે બધું જ કર્યું ! કોના કહેવાથી ? પિતાજીની એક લાગણીના કારણે !
જોકે એ પછીની લાઇફ કંઈ સહેલી નહોતી. FTIIમાંથી ભણી રહ્યા પછી ડેવિડ ધવને મુંબઈ દુરદર્શનમાં હંગામી એડિટર તરીકે પહેલી નોકરી લીધી, જેમાં, દર મહિને હંગામી કર્મચારી તરીકે એમની નિમણૂંક થતી હતી !
પછી હિન્દી ફિલ્મો પણ એડિટ કરવા મળી... જેમાં મહેશ ભટ્ટની 'સારાંશ' અને 'નામ' પણ ખરી, પરંતુ ડેવિડ ધવન કહે છે કે હું ડિરેકટર બન્યો કે જે કંઈ મને આવડે છે એનો પાયો 'એડિટીંગ' જ છે ! ડેવિડ ધવને ડિરેક્ટર બનતાં પહેલાં 55 જેટલી ફિલ્મો એડિટ કરી છે !
ડેવિડ ધવનની એડિટીંગની મેથડ પણ અનોખી છે. રૂમી જાફરી, જેમણે ડેવિડની 10 જેટલી ફિલ્મો લખી છે, તે કહે છે કે 'ડેવિડ સા'બનું એડિટીંગ શૂટિંગ વખતે જ શરૂ થઈ જાય ! હજી ડાયલોગનાં રિહર્સલ ચાલતાં હોય ત્યાંથી જ એ કહેશે, 'અરે, આ સંવાદો બહુ લાંબા છે, અહીંથી કાપો, આટલું આની સાથે જોડો... ઝોલ નહીં હોના ચાહિયે...'' શૂટિંગ થઈ ગયા પછી પણ દ્રશ્યો ઉપર એમની કાતર ફરે... સ્ટોરીમાં ક્યાંના સાંધા ક્યાં જોડાય...'
શરૂઆતની બે ચાર 'બી' ગ્રેડની ફિલ્મો એમને ડીરેક્ટર તરીકે મળી જ એટલા માટે કે એમને ખબર હતી કે એક્ઝેક્ટલી કેટલુ અને કેવું શૂટિંગ કરવાનું છે ! આના કારણે ફિલ્મનું બજેટ લગભગ 40 ટકા ઘટી જતું હતું !
ડેવિડ ધવનને પહેલી ફિલ્મ મળી સંજય દત્તને કારણે. સંજય દત્ત પોતાની ફિલ્મોનું એડિટીંગ થતું, ત્યારે આવીને સાથે બેસતો. ડેવિડ સાથે દોસ્તી પણ થઈ ગઈ. એક દિવસ સંજય દત્ત કહે છે 'બોલ, ડિરેક્ટર બનેગા ?'
ડેવિડે ક્હ્યું ' મુજે કૌન ડિરેકટર બનાયેગા ?' સંજય દત્તે કહ્યું ' માન લે, તૂ બન ગયા !' બીજા જ દિવસે ફિલ્મ 'તાકતવર'નો કોન્ટ્રાક્ટ સાઇન થયો ! જોકે એ ફિલ્મ પુરી થતાં અઢી વરસ લાગી ગયાં.
'તાકતવર' કંઈ એવી સુપરહિટ પણ નહોતી. ( બહુ સારી પણ નહોતી.) પરંતુ છેક 1976માં એડિટીંગની કરિયર શરૂ કર્યા પછી છેક 1989માં, એટલે કે 13 વરસ પછી પહેલી ફિલ્મ, ડિરેક્ટર તરીકે રિલીઝ થઈ છતાં ડેવિડ ધવનની ડિરેક્શનની દુકાન કેમ ચાલતી રહી ? એડિટીંગના કરકસરીયા કસબ વડે !
વળી, એવું પણ નહોતું કે FTIIમાં ભણવાને કારણે ડેવિડ ધવન ઉપર વર્લ્ડની મહાન ફિલ્મોની અસર થઈ હોય ! બલ્કે એ પોતે આજે પણ કહે છે કે 'મારે હંમેશાં મનોરંજક ફિલ્મો જ બનાવવી હતી. મનમોહન દેસાઈને હું ગુરુ માનતો હતો અને આજે પણ માનું છું !'
એક દિવસ ડેવિડ ધવનના સેટ ઉપર મનમોહન દેસાઈ જાતે પધાર્યા અને પોતાના MKD પ્રોડક્શન માટે ફિલ્મ ડિરેક્ટ કરવાની ઓફર આપી ! એ ફિલ્મ હતી 'દિવાના મસ્તાના'. (ગોવિંદા, અનિલકપૂર, જુહી ચાવલા) જોકે એ ફિલ્મ જોવા માટે મનજી હયાત ન રહ્યા પરંતુ ડેવિડ ધવને પોતાના ગુરુને અંજલિ આપતી એક ડોક્યુમેન્ટ્રી બનાવી છે.
અને હા, ડેવિડ ધવન કોમેડી ફિલ્મોના રવાડે શી રીતે ચડ્યા ? એ કિસ્સાઓ આવતા સોમવારે.
***
- મન્નુ શેખચલ્લી
E-mail :mannu41955@gmail.com
Comments
Post a Comment