નવરા બેઠા વિચારો... !

એમ તો અમને પણ આજકાલ નવરા બેઠાં બેઠાં વિચરો આવે છે, હોં ! જુઓ…

*** 

આ ‘ઇન્ડિયા’નું ‘ભારત’ કરવાનો આઇડિયા ખોટો નથી પણ… છેક ચંદ્રયાન ઉપર INDIA લખીને બેઠા છીએ ત્યાં સુધારવા કોણ જશે ?

- આ તો નવરા બેઠાં વિચાર આવ્યો.

*** 

અને ચંદ્રયાન ત્યાં ચંદ્ર ઉપર કંઈક શોધખોળ કરશે એ પણ બરોબર… પણ છેક 1969માં અમેરિકાવાળા ચંદ્ર ઉપર યાન ઉતારીને બેઠા હતા… એમણે અત્યાર લગી શું મોટી શોધખોળો કરી ?

- ના ના, આ તો નવરા બેઠાં વિચાર…

*** 

આપણે ઉનાળામાં કુલરો વાપરીએ છીએ…
શિયાળામાં હીટરો વાપરીએ છીએ..
તો ચોમાસામાં ડ્રાયરો કેમ નથી વાપરતા ?

- આ તો નવરા બેઠાં વિચાર આવ્યો.

*** 

ડ્રાઇવિંગ કરે એને ડ્રાઈવર કહેવાય…
ટિચીંગ કરે એને ટિચર કહેવાય…
બોલિંગ કરે એને બોલર કહેવાય…
સ્વિમિંગ કરે એને સ્વિમર કહેવાય…
તો મમ્મીને ‘કુકર’ ના કહેવાય ?

- આ તો નવરા બેઠાં વિચાર આવ્યો.

*** 

‘સંતૂર’ સાબુની એડમાં હંમેશાં મમ્મીઓને જ દેખાડે છે. તો શું પપ્પાઓ ‘નિરમા વોશિંગ પાવડર’થી નહાય છે ?

- આ તો નવરા બેઠાં…

*** 

જે લોકો મેડિકલમાં એડમિશન અપાવવા માટે આટલું બધું કોચિંગ આપે છે, એ લોકો પોતે કેમ ડોક્ટર ના બન્યા ?

- આ તો….

*** 

અને બોસ, નવરા બેઠાં અમને આવા વિચારો આવે છે તો રાહુલબાબાને નવરા બેઠાં કેવા-કેવા વિચારો આવતા હશે… નહીં !

***

- મન્નુ શેખચલ્લી

Comments