અમિતાભ + મનમોહન દેસાઈ = કોમેડીનું કાતિલ કોમ્બિનેશન !

મનમોહન દેસાઇની ફિલ્મ કંપનીનું નામ MKD ફિલ્મ્સ હતું, જેમાં K એમના પિતા કીકુભાઈ માટે છે. પરંતુ મનજીની ફિલ્મો જોતાં તો એમ લાગે કે કંપનીનું નામ MAD ફિલ્મ્સ હોવું જોઈતું હતું !

આજે એમની ફિલ્મો જોઈએ તો સિરિયસ દ્રશ્યો પણ ગજબનાં ફની લાગે છે, એ ખરું, પણ બોસ, એમની ફિલ્મોના કોમેડી સીન્સ તો આજે પણ એટલા જ ક્રેઝી અને ફની લાગે છે ! 'બ્લફ-માસ્ટર' કે 'બદતમીઝ'ના કોમેડી સીન તો હજી માપમાં હતા. પણ જો તમે 'કિસ્મત' જોઈ હોય તો એમાં એક જિનિયસ ધૂની સાયન્ટિસ્ટની લેબ બતાડી છે એમાં વિલનોની જે 'વૈજ્ઞાનિક' રીતે કોમિક ધૂલાઈ થાય છે તે ચાર્લી ચેપ્લીનના જમાનાની યાદ અપાવે તેવી છે.

જોકે મનમોહન દેસાઈ કોમેડી દ્રશ્યોમાં પુરેપૂરા ખિલ્યા 'અમર અકબર એન્થની' પછી ! 

એમાં અમિતાભ બચ્ચન માર ખાધા પછી નશામાં ધૂત થઈને અરીસામાં જોઈને જે મલમપટ્ટી કરે છે એ સીન તો આજે પણ યુ-ટ્યુબમાં વારંવાર જોવાની મઝા પડી જાય એવો છે ! એનાથી પણ મજેદાર અથવા ઐતિહાસિક ઘટના એ છે કે હિન્દી ફિલ્મોમાં કદાચ પહેલીવાર એવું બન્યું કે હિરો સતત માર ખાય છે છતાં ઓડિયન્સને હસવું આવે છે. (આ જ તો એમની માસ્ટરી હતી કેમકે મારનાર એનો 'ભાઈ' છે !)

એવો જ મજેદાર સીન 'મર્દ'માં છે જેમાં અમિતાભ દારૂ પીને લોર્ડ કર્ઝનના પૂતળામાં જે ઘોડી છે તેની સાથે પોતાની ઘોડાગાડીના ઘોડાનાં લગ્નની વાત ચલાવે છે ! (કહેવાય છે કે ફિલ્મોમાં અમિતાભે દારૂ પીધા પછીના જે કોમેડી સીનો ભજવ્યા છે તેમાં સ્ક્રીપ્ટમાં લખેલા નહીં પણ પોતે જ ઉપજાવી કાઢેલા સંવાદો છે.) 'મર્દ'ના એ લગ્નની પ્રપોઝલવાળા સીનની આગળ જતાં પરાકાષ્ટા એવી આવે છે કે લોર્ડ કર્ઝનની ઘોડી અમિતાભના ઘોડા સાથે ભાગી જાય છે ! અને કર્ઝન સાહેબ પહોળા પગ સાથે હવામાં લટકતા રહી જાય છે !

'કુલી'માં વધુ એક સીન છે જે મનજી અને બચ્ચનના કોમ્બિનેશનનો જોરદાર નમૂનો છે. આમાં કોઈ ગડબડથી રેડિયો સ્ટેશનો બદલાતાં રહે છે જેનાથી અમિતાભ ઓમલેટ બનાવવાની રીત શીખતાં શીખતાં ઉટપટાંગ યોગાસનો પણ કરવા લાગે છે ! હદ તો ત્યારે થાય છે જ્યારે અમિતાભ ઈંડા ઉપર બેસી જાય છે અને નીચેથી મરઘીનું બચ્ચું દોડતું નીકળીને ભાગે છે ! અને હા, લીલું મરચું ચાવી જવાથી બચ્ચનના બન્ને કાનમાંથી ધૂમાડા છૂટે છે ! 

અહીં એ પણ માનવું પડે કે આ જ સીન જો ધર્મેન્દ્ર કે રાજેશ ખન્નાને ભજવવાનો વારો આવે તો કદાચ ઓડિયન્સને હસવાને બદલે રડવું પણ આવી શકે ! (વિશ્વજીત હોત તો તો ચોક્કસ ટ્રેજેડી બની જાત !)

મનમોહન દેસાઈ બહુ સારી રીતે જાણતા હતા કે કયા એકટર પાસે કેટલી અને કેવી કોમેડી કરાવી શકાય. તમે ચાર્લી ચેપ્લીનથી લઈને ગોવિંદા, ડેવિડ ધવન કે સ્વ. સતીષ કૌશિક જેવા લોકોને એવું કહેતાં સાંભળ્યા હશે કે 'કોમેડી ઇઝ અ સિરિયસ બિઝનેસ..'તો મનજી એ બિઝનેસમાં માસ્ટર હતા.

એટલે જ તમે જુઓ કે 'કુલી'માં રિશિ કપૂર પાસે સાવ જુદી જ રીતે કોમેડી કરાવી. અહીં એમણે ગાયનનો ઉપયોગ કર્યો : 'લંબૂજી લંબૂજી. ટિંગુજી ટિંગુજી...' આમાં ટિપિકલ સાઉથ ઇન્ડિયન ફિલ્મ સ્ટારો જેવો વધારે પડતો મેકપ, બનાવટી જ લાગે એવી વિગ વગેરેના ઉપયોગથી આખું ગાયન રિશી કપૂર અને બચ્ચનની સામસામી નટખટ ટક્કર વડે આપણને આજે પણ જલસો કરાવી જાય છે.

મનમોહન દેસાઇએ એમની ફિલ્મોમાં ખાસ કોમેડી ગાયનોની સિચ્યુએશનો ઊભી કરીને તેને ફીટ થાય એવાં ઘણાં ગાયનો પણ લખાવડાવ્યાં છે. 'લંબૂજી લંબૂજી' તો ખરું જ પણ 'પરવરિશ'માં નીતુ સિંહ અને શબાના આઝમી આપઘાતનાં નાટકો કરે તો સામે બચ્ચન અને વિનોદ ખન્ના એમને સ્હેજ પણ ભાવ ના આપે એવી સિચ્યુએશોનું એક ગાયન છે : 'જાતે હો જાને જાનાં, આખરી સલામ લેતે જાના..'

અરે, નવીન નિશ્ચલ, જે કોઈ જનમમાં ભારત ભૂષણનો સગો બાપ થતો હોય એટલો એક્સ્પ્રેશન-લેસ હોવા છતાં એની પાસે કોમેડી ગાયન કરાવ્યું ! 'જા જલ્દી ભાગ જા, નંઈ બાબા નંઈ..' (દેશપ્રેમી) એ જ ફિલ્મમાં એક ગાયન વખતે અમિતાભના શરીરમાં 'ગુમનામ' ફિલ્મના મહેમૂદનો જાણે આત્મા ઘૂસી જાય છે ! એમાં અમિતાભ પાસે ધરાર મહેમૂદ જેવી જ વેશભૂષા અને હાથ-પગની અદાઓ કરાવડાવી હતી ! (ખાતૂન કી ખિદમતમેં...) 

અને હા, 'મર્દ'નો એક કોમેડી સીન દિલીપકુમારની 'કોહિનૂર'ના એક સીનની બેઠ્ઠી નકલ હતી. (અરીસાવાળો સીન) પણ એ તો મનજી એટલે મનજી ! એમની સામે અમિતાભનું પણ ના ચાલે... શું સમજ્યા !

***

- મન્નુ શેખચલ્લી

E-mail :mannu41955@gmail.com

Comments