સિક્સ્ટી પ્લસને સાચી સલાહો !

શું તમે સિનિયર સિટીઝન છો ? અથવા સિનિયર સિટીઝન થવાની તૈયારીમાં છો ? કે પછી અત્યારથી રીટાયરમેન્ટના પ્લાનિંગમાં છો ?

તો તમને ખબર જ હશે કે મોબાઈલમાં રોજ સવાર પડે ને 'સત્તર સલાહો' આવીને પડી જ હોય છે !
પણ આમાંની 'સાચી' સલાહ કેટલી ? અમને પૂછો...

*** 

મોબાઇલની સલાહ
લાઇફ બિગીન્સ એટ સિક્સ્ટી ! કંઈક નવું શીખો !

સાચી સલાહ
બીજું બધું છોડો, કમ સે કમ મોબાઈલ વડે રેલ્વેની કે બસની ટિકીટો તો બુક કરતાં શીખો ? બેન્કમાં જઈ જઈને પાસબુક ભરાવવા માટે આંટા મારો છો, એના કરતાં ઘેરબેઠાં ઓનલાઇન બેન્કિંગ શીખી લો ને ?

*** 

મોબાઇલની સલાહ
નેવર ટુ લેટ ટુ લર્ન એનીથિંગ ! કંઈક નવી હોબી શીખો !

સાચી સલાહ
જુઓ વડીલ, ગાવાનું શીખવું હોય તો સંગીતના ક્લાસિસમાં જઈને શીખો. ઘરમાં મોટા અવાજે સ્પીકર ઉપર કેરીઓકેમાં જુનાં ફિલ્મી ગાયનોના રાગડા તાણવાનું બંધ કરો ! અને હાર્મોનિયમ કે તબલાં શીખવાનું શૂર ચડે તો પ્લીઝ, બારણા બંધ રાખીને પ્રેક્ટિસ કરો ! સમજ્યા ?

*** 

મોબાઈલની સલાહ
એડવેન્ચર કરો ! પહાડો ચડો ! દરિયામાં ડૂબકી મારો ! દૂર દેશાવરના પ્રવાસે નીકળો !

સાચી સલાહ
એ બધું કરતાં પહેલાં તમારા બિલ્ડીંગમાં લિફ્ટ વિના દસ માળ ચડ-ઉતર કરીને બીપી ચેક કરી લો ! અને વિદેશ પ્રવાસ કરતાં પહેલાં જાતે એકલા જઈને પાસપોર્ટ-વિઝા તો કઢાવી જુઓ ?

*** 

મોબાઈલની સલાહ
નવા મિત્રો બનાવો !

સાચી સલાહ
આ સૌથી સહેલું છે... તમે રોજ જે મંદિરે જઈને બેસતા હો, અથવા રોજ જે બગીચાના બાંકડે ટાઇમપાસ કરતા હો એ મંદિર અથવા બગીચો બદલતા રહો ! ત્યાં તમને તમારા જ જેવા નવરા છતાં 'નવા' ડોસાઓ મળી રહેશે ! (એમની આગળ તમે તમારી જુવાનીનાં 'નવાં ગપ્પાં' પણ મારી શકશો !)
ઓલ ધ બેસ્ટ.

***

- મન્નુ શેખચલ્લી

Comments