વાનગીઓનાં આવાં કેવાં નામો ?

સાચું કહેજો… ‘ફાફડા’ તે કંઈ નામ છે ? યાર, સરસ મજાની ઓફ વ્હાઈટ કલરની વાનગી છે, સાથે મફત યલો કલરની ચટણી હોય છે, હાથમાં લો તો સુંવાળું ટેક્સચર છે અને મોંમાં મુકતાંની સાથે એ જીભ અને દાંતને એટલી સરસ રીતે શરણે થઈ જાય છે કે જાણે ઘરમાં નવી નવી આવેલી સંસ્કારી પૂત્રવધૂ ! પણ એનું નામ ?... ‘ફાફડા ’!

અમને કંઈ કેટલી યે વાર વિચાર આવે છે કે ભૈશાબ, આપણી આટઆટલી મસ્ત વાનગીઓનાં આવાં ભંગાર નામો કોણે પાડ્યાં હશે ? અને શું જોઈને ? આમ જોવા જાવ તો ‘ગાંઠીયા’ એ ફાફડાની નાની બહેન જ કહેવાય કે નહીં ? એ જ રંગ, એ જ સુંદર રૂપ, એ જ લહેજત… છતાં નામ ? ‘ગાંઠીયા!’ જાણે ખાતાંની સાથે પેટમાં ગાંઠો પડી જવાની હોય !

આવાં નામો કોણે પાડ્યાં એ સવાલ અહીં એટલા માટે મહત્વનો છે કેમકે તમે ‘ચોળાફળી’ જુઓ… જાણે કોઈની ‘બાધા-ફળી’ હોય એવું સરસ નામ છે ને ? પણ સાચું કહેજો, એ ચોળાફળી ખરેખર તો ફાફડા અને ગાંઠીયાની ઘરમાંથી કાઢી મૂકાયેલી કોઈ ચીડીયા સ્વભાવની નોકરાણી હોય એવી નથી દેખાતી ? 

આખા શરીરે મોટા મોટા ફોલ્લા ફૂટી નીકળ્યા છે, દરેક વાતે વાંકુ પડતું હોય એમ સાવ વાંકીચૂકી થઈને પડી હોય છે અને સ્વભાવે એટલી વિચિત્ર છે કે હજી અડકો ત્યાં તો તૂટીને ભૂક્કો થવા માંડે છે ! છતાં નામ કેવું ? ચૌલા વંશની રાજકુમારી કોઈ રાજકુમારને ‘ફળી’ હોય એવું… ચોળા-ફળી !

અચ્છા, એનું કારણ શું, ખબર છે ? તો બોસ, તમે ચોળાફળીની લારીઓનાં પાટિયાં ઉપર એક જ નજર કરશો તો રહસ્ય ખૂલી જશે ! કેમ કે ત્યાં લખેલું  હોય છે : ‘નાગરની ચોળાફળી !’ 

તમે માનો યા ના માનો, આ નાગર જ્ઞાતિના પતિઓ એમની પત્નીની ભલભલી અવળચંડી વાનગીને પણ એવાં સુંદર નામો આપે છે કે ‘તમને તો મારી રસોઈ કદી ભાવતી જ નથી’ એવાં કારણોસર એમના ઘરમાં કદી ઝગડા થતા જ નથી ! તમે પૂછી જોજો, નાગરો સીધીસાદી રોટલીને શું કહે છે ? ‘ચાંદ-ચકોરી…!’ આહાહા !

આ હિસાબે તો અમને લાગે છે કે ‘જલેબી’ નામની વાનગી પણ કોઈ નાગર ગૃહિણીની જ શોધ હશે ! કેમકે યાર, તમે જલેબીનો આકાર તો જુઓ ? નકરી વેઠ જ ઉતારી છે ને ? નથી એ દડા જેવી, નથી બંગડી જેવી, નથી ભમરડા જેવી કે નથી ગોકળગાયની સુંવાળી પીઠ જેવી ! બસ, ગુંચળું કરીને મુકી દીધું છે ! પણ નામ કેવું સુંદર છે ? ‘જલ્લેબી !’

એવું જ ‘પુરણપોળી’નું છે. બિચારી નોન-નાગર ગૃહિણીઓને નામ પાડતાં ના આવડ્યું એટલે એને શું કહે છે ? ‘વેઢમી !’ નવી શીખાઉ વહુની શીખાઉ વઢકણી સાસુ બિચારીને ‘વઢતી’ હોય એવું નથી લાગતું ? અમારું તો માનવું છે કે હજી મોડું નથી થયું, આપણી તમામ વાનગીઓનાં નવાં નામો પાડવાનો આખો પ્રોજેક્ટ નાગરોને સોંપી દેવા જેવો છે !

ના ના, તમે જ કહો, ‘ચકરી’ તે કંઈ નામ છે ? બિચારી ગૃહિણી ઘઉં ચોખાનો લોટ બાંધે, એમાં કંઈ માખણ ઉમેરે, એને વળી પેલા બાવડાં દુઃખાડી દે તેવા સંચામાં નાંખીને અણીયાળાં સ્વરૂપોમાં ઢાળે અને કેટકેટલી ચીવટથી સાતડાના આંકડાને સરસ રીતે ગોળગોળ ફેરવતી હોય એ રીતે એને પહેલાં તો થાળીમાં ઢાળે અને પછી કેટલી કાળજી રાખીને ગરમાગરમ તેલમાં તળે… છતાં એનું નામ શું ? તો કહે ‘ચકરી !’ સાચું કહેજો, પેલા કોમેડિયન ‘મુકરી’ જેવું નથી લાગતું ?

હવે જરા વિચારો, આ જ વાનગીનું નામ જો નાગરોએ પાડ્યું હોત તો ? મારા ખ્યાલથી જરૂર ‘ચક્રપાણિ’ જેવું સુંદર નામ પાડ્યું હોત ! તમે જ કહો, આ નામથી આપણી સામે જાણે કૃષ્ણ ભગવાન પોતાની આંગળીમાં સુદર્શન ચક્ર સમાન ચકરી ઘુમાવતાં, મંદ મંદ સ્મિત કરતાં ઊભા હોય એવી ઈમેજ ઊભી થાય છે કે નહીં ?

જોકે નાગરો જો આ ચેલેન્જને ઉપાડી લે તો એમનું કામ કંઈ સહેલું નથી. કેમકે આપણે કેવાં કેવાં નામો પાડીને બેઠા છીએ ? ઢેબરાં… થેપલાં.. ખાખરા… પત્તરવેલિયાં… મૂઠીયાં… દાબેલી… (આમાં છેલ્લાં બે નામો તાત્કાલિક બદલવાં જોઈએ એવી ભલામણ તો સેન્સર બોર્ડ પણ કરે એવી શક્યતા છે.)

અમને તો પાકી શંકા છે કે વાનગીઓનાં નામો પાડવામાં જુના જમાનાની જ્ઞાતિપ્રથાનો જ વાંક છે. નહિતર તમે જુઓ, એક જ ઘરની બે સગી બહેનો હોય એવી બે વાનગીઓનાં નામોમાં કેમ આભ-જમીનનો ફરક છે ? એક વાનગીને સાવ ‘ઢોકળાં’ કહીને તુચ્છકારથી બોલાવે છે અને એની સગી બહેનને વ્હાલથી ‘ખમ્મા ઘણી’ કહેતી હોય તેમ કહે છે ‘ખમણ!’ એટલું જ નહીં, એની નાની બહેનને કહે છે… ‘સેવ-ખમણી !’ 

આ જ વાનગીઓના સાવ નજીકના સગામાં થાય એવી સુરતની એક વર્લ્ડ-ફેમસ વાનગી છે… પણ એનું નામ શું છે ? તો કહે ‘લોચો!’

સૂરતનો લોચો ભલે સ્વાદિષ્ટ હોય, પણ મિત્રો આપણી વાનગીઓનાં નામોમાં ‘મોટા લોચા’ છે. યાર, તમે જ મને કહો, આપણે કોઈ ફોરેનરને કહીએ કે...

‘વુડ યુ લાઈક ટુ ઇટ ઢેબરા?’

તો એ હા પાડશે ખરો ?

***

- મન્નુ શેખચલ્લી

E-mail. : mannu41955@gmail.com

Comments

  1. ચક્રપાણી ને બદલે ચક્રવતી કે યક્રવર્તી ચાલે??

    ReplyDelete

Post a Comment