સોશિયલ મીડિયાવાળા શું સમજે છે ?

આજે સૌ જાણે છે કે સોશિયલ મિડીયાની તાકાત કંઈ જેવી તેવી નથી ! જોવાની વાત એ પણ છે કે લોકો પોતાના ઘરમાં જ બેઠા હોવા છતાં 'જાહેર-જીવન' જીવી શકે છે !

હવે, જુઓ, આજકાલ સોશિયલ મિડીયાવાળા પોતાને શું સમજે છે ?...

*** 

ટ્વિટર (X) વાળા...
આ ટ્વિટરવાળા એમ સમજે છે કે 500 શબ્દોમાં અને અઢી મિનિટના વિડીયો વડે એ લોકો આખા દેશના તમામ આડા લોકોને સીધા કરી નાંખશે !

*** 

વોટ્સએપવાળા...
આ લોકો પાસે પોતાનું કંઈ જ નથી, ના જોક્સ, ના રીલ્સ, ના પોલિટીક્સ, ના માહિતી, ના ફેક-ન્યુઝ, ના સેક્યુલારીઝમ કે ના દેશભક્તિ... બધું જ 'આગે સે ચલતી આતી હૂઈ' પરંપરાની જેમ ફોરવર્ડેડ હોય છે ! જેને આગળ ફોરવર્ડ કરીને આ લોકો એમ સમજે છે કે તેઓ બીજાઓને 'જ્ઞાન' પીરસી રહ્યા છે !

*** 

યુ-ટ્યુબ ચેનલવાળા
આ લોકો સમજે છે કે પોતે દેશના વિશાળ ઓટલા ઉપર બેઠા છે અને દેશના 145 કરોડ લોકો એમની 'ઓટલા-પંચાત' સાંભળવા માટે નવરા જ બેઠા છે ! આ લોકો એમ પણ સમજે છે કે ચૂંટણીનાં રિઝલ્ટો પણ એમના કારણે જ બદલાય છે ! અને દેશમાં થનારાં રમખાણોના ગુનેગારોને પણ એ લોકો જ જેલભેગા કરી દેશે !

*** 

ફેસબુકવાળા
આ લોકો ખરેખર ભોળા છે ! એ લોકો એમ સમજે છે કે એમનાં કપડાં, ખાવાનું, ગાવાનું, નાચવાનું, રાંધવાનું અને હરવા-ફરવાનું વગેરે જોવા માટે જ દેશના હજારો અજાણ્યા લોકો એમના 'ફ્રેન્ડ' બની ગયા છે !

*** 

રીલ્સવાળા
આ બધા બિચારા 'ટેલન્ટ' નામના રોગનો શિકાર છે ! એમને એમ પણ લાગે છે કે જો પોતે અઠવાડીયાનાં બે ત્રણ રીલ નહીં બનાવે તો બિચારી દેશની પ્રજા મનોરંજનના અભાવે શોકમાં ડૂબીને સામૂહિક આપઘાત કરી નાંખશે ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments