આંખો આવવાનાં ગાયનો !

આખા ગુજરાતમાં ‘આંખો આવવાનો’ રોગ યાને કે આઇ ઇન્ફેક્શનનો વાવર ચાલી રહ્યો છે. આવા સમયે અમુક ગાયનો બિલકુલ ફીટ બેસે છે…

*** 

આ રોગ આઇ-કોન્ટેક્ટ યાને કે નજરોને મિલાવવાથી થાય છે. તો બજારની ભીડમાં, બસમાં કે ટ્રેનમાં, સૌએ મનમાં ગાવાનું છે :

અખિયાં મિલા કે 
જીયા ભરમાકે 
ચલે નહીં જાના… હોઓઓ..’

*** 
પ્રેમી-પ્રેમિકાઓએ તો ખાસ ચેતવા જેવું છે. સરકારી એડવાઇઝરી સ્પષ્ટ છે :

નૈન કો નૈન સે નાહીં મિલાઓ, 
દેખત સુરત આવત લાજ !’

(કેમકે સુજી ગયેલી આંખોવાળી સુરત લઇને ફરવું શરમની વાત થઈ ને !)

*** 

પ્રેમીઓ, તમારી આંખો આવી હોય અને તમે ડોક્ટર પાસે જશો તો ડોક્ટર તરત જ મનમાં સમજી જશે :

નૈન મિલાકર ચૈન ચૂરાના 
કિસ કા હૈ યે કામ ? 
હમ સે પૂછો હમ કો પતા હૈ 
ઉસ જાલિમ કા નામ !’

*** 

એટલે જ વડીલો અને નિષ્ણાતો જાહેર ચેતવણી આપતા હોય એમ કહે છે :

‘નૈનોં કી મત સુણિયો રે
નૈના ઠગ લેંગે !
જગતે જાદૂ ફૂકેંગે,
નીંદે બંજર કર દેંગે !’

*** 

છતાં જેઓ માનતા નથી, કાળજી લેતા નથી, એમની આંખો સતત દદડે છે, લાલ થઈ જાય છે, સુજેલી રહે છે… મનમાં ટેન્શન રહે છે, રાતોની ઊંઘ હરામ થઈ જાય છે ! એમણે છેવટે ગુજરાતીમાં ગાવું પડે છે :

નૈન ચકચૂર છે, 
મન આતૂર છે, 
હવે શું રહી ગયું બાકી ? 
કહો મંજુર છે !’

*** 

ચેપ લાગી ગયા પછી ડાચું એટલું ખરાબ દેખાય છે કે ઝખ મારીને ગોગલ્સ પહેરી રાખવા પડે છે ! ત્યારે પાડોશીઓ અને ફ્રેન્ડ્ઝ મજાકમાં ગાતા હોય છે :

તૈનું કાળા ચશ્મા જચતા હૈ, 
જચતા હૈ ગોરે મુખડે પે !’

***

- મન્નુ શેખચલ્લી

Comments