અમિતાભના ખભે ફોડાયેલી રજનીકાંતની બંદૂકો !

આજકાલ બોલીવૂડના માથે છાણાં થપાય છે કે એની પાસે કોઈ ઓરીજીનલ સ્ટોરીઓ બચી નથી એટલે ભિખારીઓની જેમ સાઉથની ફિલ્મોના રિ-મેક કરવા પડે છે. પરંતુ શું તમને ખબર છે, '70 અને '80ના દાયકામાં અમિતાભ બચ્ચનની દસ જેટલી ફિલ્મોના રિ-મેક સાઉથમાં થયા છે ! અને બોસ, બધા રિ-મેકમાં સાઉથના 'થલૈવા' સુપ્પરસ્ટાર ગણાતા રજનીકાંત હીરો તરીકે હતા !

'ઓ ઉન્મૈયલ !' યાને કે 'ઓહો ખરેખર ?' તો હા, ખરેખર !! જુઓ આપડી કને આખું લિસ્ટ છે...

(1) દિવાર બન્યું 'થી' (THEE)

'આજ... ખુશ તો બહોત હોંગે તુમ ! ' એ ડાયલોગ રજનીકાંત શી રીતે બોલે છે એ તો અહીં લખવું અઘરું છે પણ બોસ, એ જ સીન, એ જ રીતે તામિલ ફિલ્મમાં છે ! પેલો 786નો બિલ્લો પણ છે અને મંદિરમાં પેલા બે ડઝન ઘંટ પણ છે ! ત્યાં સુધી કે મંદિરમાં જવા માટે રજનીકાંત પણ કારમાંથી ઉતરે છે ત્યારે પગ વડે જ પોતાના બૂટ કાઢી નાંખે છે ! શશીકપૂરના રોલમાં કોઈ સુમન નામનો એકટર હતો.

(2) ડોન બન્યો 'બિલ્લા'

સલીમ-જાવેદની લખેલી આ બીજી ફિલ્મ, જેની સાઉથમાં રિ-મેક બની ! રજનીકાન્તે ફરી એકવાર બચ્ચન સાહેબના ખભે પોતાની બંદૂક ફોડી લીધી. હદ તો ત્યાં છે કે 'ખઈ કે પાન બનારસવાલા' ગાયનમાં અમિતાભે જે પોલકા ડોટવાળું કાળું જાકીટ પહેર્યું હતું અને માથે યુપીવાળો લાલ ગમછો બાંધ્યો હતો એ પણ સેઈમ છે ! 

હા, ફરક એટલો કે સાઉથમાં પાન ખાવાનો એવો ક્રેઝ નથી એટલે રજનીકાંતને તાડી પીવાથી 'ચડી' જાય છે ! ટાઈટલ સોંગ 'મૈં હું ડોન...' છે, તેના બદલે 'માય નેમ ઇઝ બિલ્લા...' એવું ગાય છે ! જેમાં વચ્ચે વચ્ચે RD બર્મનની સ્ટાઇલમાં કર્કશ અવાજો કાઢવામાં આવ્યા છે ! બોલો.

(3) ખુદ્દાર બને છે 'પડિકા દવન'

રવિ ટંડન (રવિના ટંડનના પપ્પા) એ બનાવેલી આ ફિલ્મની ડીટ્ટો કોપી સાઉથમાં રજનીકાંતને લઈને બની ગઈ ! એ વખતે તો કોપીરાઈટના રૂપિયા ચૂકવવાનો જમાનો જ ક્યાં હતો ? છતાં કાદર ખાનને સ્ટોરીની ક્રેડિટ (અને રૂપિયા) આપવામાં આવ્યા હતા ! જોકે 'અંગ્રેજી મેં કહતે હૈ કિ આઇ લવ યુ' જેવું ગાયન સાઉથના સુપર સંગીતકાર ઇલ્લિયા રાજાએ બનાવ્યું નહોતું. પણ હા, વિનોદ મહેરાને બદલે શિવાજી ગણેશન હતા, જે નાનાભાઈને બદલે મોટાભાઈનો રોલ કરે છે. બોલો.

(4) કસમેં વાદે એટલે 'ધર્માથિન થલેવાન'

પ્રોફેસર અમિતાભ બચ્ચન મરી જાય અને પછી કોઈ ગુનાખોર, જે બચ્ચન જેવો જ દેખાતો હોય, તેને પોતાની ભાભી સાથે પરણાવવા માટે રણધીર કપૂર અને નીતુ સિંઘ કોશિશ કરે છે એવી ધીમી સામાજિક સ્ટોરી પણ સાઉથમાં રજનીકાંતના ખભે હિટ થઈ ગઈ ! જેમાં રાખીને સ્થાને સુહાસિની અને રણધીર-નીતુના સ્થાને પ્રભુ-ખુશ્બુ હતાં ! અને બોસ, સમય જતાં ખુશ્બુ એટલી પ્રચંડ લોકપ્રિય થઈ હતી કે સાઉથમાં એનાં મંદિરો બનતાં હતાં ! બોલો.

(5) નમકહલાલ એટલે 'વેલાઇક્કરન'

'દ...દ્‌દૂ.. મ્હને તૂ સપણે મેં આવે હૈ' એનું તામિલ શી ખબર શું થતું હશે, પણ 'ઇંગ્લીસ ઇજ અ ફન્ની લેંગ્વેજ'વાળો જે સીન છે (કહેવાય છે કે એ સંવાદો અમિતાભના પોતાના જ હતા) એની પણ રજનીકાન્તે ડીટ્ટો કોપી મારી છે ! કેમકે આમાં તો ઇંગ્લીશનું તામિલ કરવાની જરૂર જ નહોતી ને ? પણ 'નમકહલાલ' ટાઈટલનો અનુવાદ ના કર્યો. 'વેલાઇક્કરન' એટલે મજદૂર, નોકર, સેવક... મતલબ કે હિન્દી ઓરીજીનલ કા જો 'નમક' ખાયા થા, વો ભૂલ ગયે ના?

(6) મર્દ યાને 'માવિરન'

મનમોહન દેસાઈએ અંગ્રેજોની ઠેકડી ઉડાડવા માટે અને ભારતની આઝાદી માટે એક ટાંગાવાળા ( એક ટાંગાવાળોએટલે લંગડો નહીં, ઘોડાગાડીવાળો ! ) શી રીતે લડ્યો હતા એનાં નકરાં ગપ્પાં બનાવીને જે ફિલ્મ બનાવી હતી એ પણ રજનીકાંતે ઉઠાવી લીધી ! અને બોસ, અહીં લેખક તરીકે કાદરખાનને બદલે કોઈ રાજશેખર ક્રેડીટ લઈ લીઘી હતી.! (આમાં પણ મર્દાનગી જોઈએ ને ?) બટ અગેઈન, પેલા વાઈસરોયના પૂતળાની ઘોડી ટાંગાવાળાના ઘોડા સાથે પ્રેમમાં પડીને ભાગી ગઈ એ સીન તો ડીટ્ટો ઉઠાવ્યો જ છે !

(7) મજબૂર બન્યું 'નાન વૈઝાવૈપન'

ફરી એકવાર સલીમ જાવેદની સ્ક્રીપ્ટની ઉંઠાતરી ! અને વધુ એક વાર રવિના ટંડનના પપ્પાને પૂછ્યા વિના કરી લીધી ચોરી ! બસ, ચોરીમાં ઇમાનદારી માત્ર એટલી જ કે 'મજબૂર'માં 'કોલ્ડ સ્વેટ' નામની આખેઆખી કાર-ચેઝની પટ્ટીઓ જ કાપીને ચોંટાડી દીધી હતી, એવી તકલીફ તામિલ કોપીમાં લીધી નહોતી ! પ્રાણના મજબૂત રોલમાં સાઉથના મજબૂત સિનિયર શિવાજી ગણેશન હતા.

તમને આટલી યાદી જોઈને થતું હશે કે બોસ, રજનીકાંત તો રીતસર ખાઈ-પીને અમિતાભ બચ્ચનની ફિલ્મોની પાછળ પડી ગયા હતા ! તો શાંતિ રાખો, હજી લિસ્ટ અધૂરું છે.

***

- મન્નુ શેખચલ્લી

E-mail :mannu41955@gmail.com

Comments