આખરે.. સ્પેસ-શટલિયું ચંદ્ર ઉપર !

સાબરમતી રિવરફ્રન્ટ ઉપરથી 2040માં ઉપડેલું સ્પેસ-શટલિયું હવે ચંદ્ર ઉપર ઉતરવાની તૈયારીમાં છે ! પ્યોર મહેસાણી સ્ટાઇલમાં એનાઉન્સમેન્ટ થઈ રહ્યું છે :

‘હોંભરો ભઇયો અને બૂંનો ! આપડે હવ થોડી જ મિલિટોમોં ચંદ્ર ઉપર ઉતરવાની તૈયારીમોં છૈંયે ! માટે મે’રબૉની કરીને શટલિયામોં આડા-અવરી ઓંટા મારવાને બદલો પોતપોતોંની શીટો પર બેહી જોંય ! જે લોકો વચમોં સ્ટુલ પર બેઠોં છી ઈંયોને વિનંતી કે બાજુવારાની શીટનોં હેન્ડલ કચ્ચીને ઝાલી રાખજો ! ને જે લોકો ટિકીટો લઇન બેઠો છ, ઇંયોન કે’વાનું કે ફાસન યોર શીટ-બેલ્ટ !’

‘શીટ-બેલ્ટ ?’ પેલી NRI કન્યા બોલી ઉઠશે ‘યુ મિન, ધેર ઇઝ શીટ ઓન ધ બેલ્ટ ?’ 

કાકા એમને સમજાવશે ‘અલી, તું જ્યાં ને ત્યાં બોલે છે એ શીટ નહીં, આ ખુરશીમાં લટકે છે એ બેલ્ટની વાત છે !’ 

દરમ્યાનમાં આપણું શટલિયું ધણણણ… અવાજો સાથે ચંદ્રની ભ્રમણકથામાં દાખલ થાય છે… એ સાથે જ સૌના શ્વાસ અધ્ધર થઈ જાય છે… અંદરની લાઇટો લબકારા-ઝબકારા સાથે ઘડીકમાં ચાલુ તો ઘડીકમાં બંધ થઈ જાય છે…

અને છેવટે જાહેર બગીચાની ખખડી ગયેલી લસરપટ્ટી ઉપરથી કોઈ બાબલો અથડાતો-કૂટાતો, ચીસો પાડતો નીચે પછડાયા પછી તરત જ ચડ્ડી ખંખેરીને ઊભો થઈ જાય એ રીતે સ્પેસ-શટલિયું ડચકાં ખાઈને 40 ડિગ્રીના ત્રાંસા એંગલે ઊભું રહી જાય છે !

‘હેંડો લ્યા… આઈ જ્યું ! બોલો અંબે… માત કી જૈ !’ એવા એનાઉન્સમેન્ટ સાથે શટલિયાનો હેલ્પર કૂદકો મારીને નીચે ઉતરી જાય છે. 

પાયલોટ પણ ઉતરીને પોતાનો સ્પેસ-સૂટ બે પગ વચ્ચેથી સરખો કર્યા બાદ ખિસ્સામાંથી માવાની પડીકી કાઢીને હથેળીમાં મસળતો ઊભો રહે છે. પેસેન્જરો માંડ માંડ ગરદન વાંકી-ત્રાંસી કરીને દરવાજામાંથી બહાર નીકળે છે.

પણ આ શું ? અહીં તો ચારેબાજુ ટોટલ બ્લેક-આઉટ છે ! સંપૂર્ણપણે અંધકાર છે ! કોઈ પૂછે છે ‘અલ્યા, આપડે તો પૂનમ ભરવા આયા હતા ! અહીં અમાસ કેમની દેખાય છે ?’ 

ત્યારે પેલો એનાઉન્સમેન્ટવાળો હેલ્પર ખુલાસો કરશે : ‘એમોં શુ છે, આપડે ચંદ્રની અંધારી બાજુએ લેન્ડિંગ કરેલું છ.. કેમકે શુ છ, જ્યોં અગાડી મેઇન સ્પેશ-સ્ટેશન છ, ત્યોં શટલિયોંને લેન્ડ કરવાનું ભાડું ડબ્બલ થઈ જૈવું છ ! પણ તમીં ચંત્યા ના કરો. ઓંય કણ થી મુન-છકડા મલી જશીં. જોડે ગાઈડ પણ આવશીં… ફ્રીમોં !’

અમદાવાદી પેસેન્જરો ભાડાની રકઝક કરતાં કરતાં (હાસ્તો વળી ! 2020નો સ્વભાવ 2040માં થોડો જતો રહ્યો હોય ?) મુન-છકડામાં બેસતાં હશે ત્યારે પેલો પોલિટીકલ પંડીત પેસેન્જર જ્ઞાન આપતો હશે : 

‘જ્યારથી આપણા ઇન્ડિયાના પેલા મલ્ટિ-મિલિયોનેરને ચંદ્રના સ્પેસ-સ્ટેશનના મેનેજમેન્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો છે ત્યારથી એમણે બધી ચીજોના ભાવ વધારવા સિવાય કંઈ કર્યું જ નથી ! હવે તો ત્યાં ટોઇલેટ યુઝ કરવાના પણ પૈસા થાય છે !’ 

જવાબમાં કાકી બબડશે : ‘લો બોલો ! આમે ય આપડે તો સ્પેસ-રેસ્ટોરન્ટમાં પેશાબ-પાણી કરીને પૈસા બચાઈ જ લઈએ છીએ ને ?’ 

કાકા તરત જ કાકીને ચોપડાવશે. ‘પૈસા બચાઈ બચાઈને કેટલા બચાયા ? હવે આ છકડાવાળો તો પૈસા લઈ જ લેવાનો ને ?’

આ જ વાત ઉપર પેલા અનુભવી પ્રવાસી રહસ્ય ખોલી નાંખશે : ‘લો ! તમને ખબર જ ક્યાં છે ? આ બધા છકડાઓની માલિકી પણ એ ઇન્ડિયાના ફેમસ મલ્ટિ-મિલિયોનરની જ છે !’

છકડાઓ અંધારિયા ચંદ્ર તરફથી અજવાળિયા ચંદ્ર તરફ જતા હશે ત્યાં આજુબાજુના વિસ્તારમાં સિલ્વર ફોઇલનાં પતરાં વડે બનેલાં છાપરાં જોઈને કોઈ પૂછશે ‘અલ્યા, અહીંયા પણ ઝુંપડપટ્ટી ? બાંગ્લાદેશના ઘૂસણખોરો છે કે શું?’ 

જવાબમાં ગાઇડ કહેશે ‘ના !  તો આપણા દેશીઓ જ છે ! બાંગ્લાદેશીઓ પાસેથી આપણે એટલું પણ ના શીખીએ ?’

આખરે અડધો કલાકની ઉબડ-ખાબડ મુસાફરી પછી છકડો ચંદ્ર ઉપર બંધાયેલા ભવ્ય માતાજીના મંદિરના પટાંગણમાં પ્રવેશે છે… ‘અંબે માત કી જે !!’ના નારા ગુંજી ઊઠે છે ! ગાઇડ કોમેન્ટ્રી આપતાં કહેશે : 

‘જોઈ લો ! આ એ જ મંદિર છે જેનું ભૂમિપૂજન ચાર વાર થયું, શિલારોપણ છ વાર થયું, ઉદ્ઘાટન બાર વાર થયું અને એની સામેનો કેસ વર્લ્ડ સુપ્રીમ કોર્ટમાં પંદર વરસ ચાલ્યો છે...

ભાઈઓ અને બહેનો, અહીં ફૂલહાર, પ્રસાદ, આરતી, થાળ, નાળિયેર બધું ઇન્ડિયનો માટે ફ્રી છે ! બસ, એન્ટ્રી ફી ફક્ત 2000 ડોલરની છે ! અને હા, જેને કંઈ ફરાળી, નોન-ફરાળી ખાવું હોય એમના માટે અહીં ગુજરાતની તમામ ફેમસ વાનગીઓની ફેન્ચાઇઝી દુકાનો છે… એમાં બધું જ સિત્તેર ટકા લેસ છે !’ 

જાત્રાળુઓને નવાઈ લાગશે, ‘હેં ? સિત્તેર ટકા લેસ?’ 

ગાઇડ કહેશે, ‘ભાવ એ જ, પણ સિત્તેર ટકા ‘વજન’ ઓછું હશે ! કેમકે ચંદ્ર ઉપર ગુરુત્વાકર્ષણ પણ ઓછું જ હોય ને ?’

***

- મન્નુ શેખચલ્લી

E-mail. : mannu41955@gmail.com

Comments