તમે ચંદ્ર ઉપર પ્લોટ લીધો કે નહીં ? અરે બોસ, ન્યુઝ નથી જોતા ? વડોદરા, રાજકોટ, ભટીંડા, ચીંચપોકલી, રામગઢ… દેશના ખૂણે ખૂણે લોકો ચંદ્ર ઉપર પ્લોટ બુક કરાવી રહ્યા છે !
બહુ થોડા સમયમાં એવું એવું થશે કે…
***
પ્રેમીઓ પ્રેમિકાને કહેશે, કે…
આખેઆખો ચાંદ તો નહીં, પણ ડાર્લિંગ હું તારા માટે ચાંદ ઉપર દોઢસો વારનો પ્લોટ તો બુક કરાવી જ આપીશ ! બસ, એક વાર હા કહી દે…
***
આવનાર રક્ષાબંધન પર…
બહેનો જીદ કરશે કે ગિફ્ટમાં ચંદ્ર ઉપર કમ સે કમ દસ ફૂટ બાય દસ ફૂટનો પ્લોટ તો અપાય ? ભઈલુ આટલું ના કરે મારા માટે ?
***
ટુંક સમયમાં, લગ્નો પહેલાં…
યુપીએસસીમાં પાસ થયેલા અથવા ITમાં જોબ કરતા NRI છોકરાઓ ચંદ્ર ઉપર એકાદ પ્લોટ દહેજમાં માગતા જ હશે !
***
સરકારી ઓફિસોમાં…
‘પૃથ્વીની જમીન’ની ફાઈલો પાસ કરાવી આપવાના બદલામાં અધિકારીઓ ‘ચન્દ્રની જમીન’ માગતા થઈ જશે…
***
એ તો ઠીક, પણ…
અહીં જમીન કૌભાંડમાં સસ્પેન્ડ થયેલા લાંચિયા અધિકારીઓ ‘હું એલન મસ્કનો ખાસ માણસ છું’ એમ કહીને ચંદ્ર ઉપરની જમીનોના સોદા કરાવી આપતા ફરતા હશે !
***
અને ઓનલાઇન ફ્રોડમાં…
જો તમે ચંદ્ર ઉપર જમીન વેચનારી બોગસ કંપની દ્વારા છેતરાયા હો તો કાયદેસર રીતે તમને તમારા પૈસા પાછા અપાવવા માટેની હેલ્પલાઇનથી વ્યવસ્થિત ફોન આવશે… અને બીજી જ મિનિટે તમારા તમામ પૈસા સાફ થઈ જશે !
***
કંઈ નહી તો છેવટે…
કુંડળીમાં ચંદ્રદોષના નિવારણ માટે અહીંના જ્યોતિષીઓ તમને ‘NASA સર્ટિફાઇડ’ ચંદ્રની માટીનો પાવડર માદળિયામાં ભરીને આપતા તો થઈ જ ગયા હશે ! તમે જોજો…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment