કમાલ છે નહીં ? રજનીકાન્તની 'જેલર' નામની ફિલ્મ રિલીઝ થાય ત્યારે અમુક કંપનીઓ પોતાના 'કેદીઓને' (કર્મચારીઓને) રજા આપી દે છે !
અહીં બેઠાં બેઠાં તો આપણને રજની સરની પ્રચંડ લોકપ્રિયતાની માત્ર વાતો જ સાંભળવા મળતી હોય છે. (એક સંશોધન મુજબ રજનીકાન્તના ભક્તોની સંખ્યા 'સાહેબ'ના ભક્તોની સંખ્યા કરતાં વધારે થઈ ગઈ છે !)
છતાં નવાઈની વાત એ છે કે આટઆટલી પ્રચંડ લોકપ્રિયતા હોવા છતાં રિયલ લાઇફમાં રજનીકાન્તના વર્તનમાં ઘમંડનો નાનો સરખો છાંટો સુધ્ધાં જોવા મળતો નથી ! રજની સરની નમ્રતાના અમુક શાનદાર છતાં રમૂજી કિસ્સાઓ જાણવા જેવા છે...
પહેલો કિસ્સો 'સિવાજી : ધ બોસ' વખતનો છે. એ ફિલ્મ સુપરહિટ થઈ ગઈ પછી રજનીકાન્ત તામિલનાડુના કોઈ મંદિરમાં જઈને ભગવાનનો આભાર માનવા માગતા હતા. પરંતુ જો તે જાહેરમાં ત્યાં જાય તો ભક્તોની ભીડ (બન્ને ભગવાનના ભક્તોની ભીડ સંભાળવી ઇમ્પોસિબલ થઈ જાય ! એટલે એમણે નક્કી કર્યું કે બે ચાર મિત્રો સાથે તે થોડી વેશભૂષા બદલીને દર્શન કરી આવશે.
રજનીકાન્તે ગરીબ માણસનો વેશ ધારણ કરી લીધો. મિત્રો સાથે બા-કાયદા લાઈનમાં ઊભા રહ્યા, ભગવાનના દર્શન કર્યાં, પ્રસાદ લીધો અને બહાર ઓટલા ઉપર આવીને બેઠા હશે ત્યાં એક સન્નારીને લાગ્યું કે આ બિચારો કોઈ ગરીબ ભિખારી હશે ! એમ સમજીને પાસે જઈને દસ રૂપિયાની નોટ આપી !
રજનીકાન્તે એ નોટ ગરીબડું મોં રાખીને લઈ પણ લીધી ! પછી જ્યારે ત્યાંથી નીકળીને દૂર રાખેલી પોતાની કારમાં તે બેસવા જતા હતા ત્યાં પેલા સન્નારીને ખ્યાલ આવ્યો કે 'અરે ! આ તો રજનીકાન્ત!' એ ઝડપથી દોડી આવ્યાં અને સોરી સોરી... કહેવા લાગ્યાં ! રજની સરે જરાય ખોટું લગાડ્યા વિના કીધું 'એમાં સોરી શાનું ? ઉલ્ટું, તમારે લીધે હું મારી અભિનયની પરીક્ષામાં પાસ થયો !'
બીજો કિસ્સો 'રોજા'થી ફેમસ થયેલા સ્ટાર અરવિંદ સ્વામીનો છે. આ એ સમયની વાત છે જ્યારે તે ફેમસ નહોતો અને નાના-મોટા રોલ કરી લેતો હતો.
એક વાર તેને એક સ્ટુડિયોમાં સવારે 8 વાગે પહોંચવાનું હતું. પોતે સાવ નવો સવો હતો એટલે માઈલો દૂર હોવા છતાં તે આખી રાતની મુસાફરી કરીને સ્ટુડિયો પર પહોંચી ગયો. જોકે અહીં આવ્યા પછી ખબર પડી કે કોઈ ટેકનિકલ કારણસર શૂટિંગ 12 વાગ્યા પહેલાં શરૂ નહીં થાય. હવે કરવું શું ?
અરવિંદ સ્વામીને ઊંઘ ચડી હતી. તેથી તે સ્ટુડિયોની બેરેક્સ (જ્યાં રૂમો હોય છે) તરફ ગયો. અહીં એક રૂમમાં AC હતું. અરવિંદ AC ચાલુ કરીને ઊંઘી ગયો.
બે અઢી કલાક પછી એની આંખ ખુલી... જુએ છે તો એ જ રૂમમાં રજનીકાન્ત ફર્શની ચટાઈ ઉપર હાથનું ઓશિંકું બનાવીને ઊંઘી રહ્યા છે ! અરવિંદ સખત છોભીલો પડી ગયો ! ઇન ફેક્ટ, તેને છેક હવે ભાન થયું કે આ રૂમ રજની સર માટે સુરક્ષિત હતો ! તેણે રજની સરની વારંવાર માફી માંગતાં કહ્યું, 'મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ !'
રજનીકાન્તે હળવુ સ્મિત કરતાં કહ્યું, 'એમાં શું ? મેં તને જે રીતે ઘસઘસાટ ઊંઘતો જોયો ત્યારે મને લાગ્યું કે તું ખૂબ થાકેલો હોઈશ. એટલે મેં તને જગાડ્યો નહીં !'
જરા કલ્પના કરો, બોલીવૂડના કોઈ સુપરસ્ટાર સાથે આવું થાય તો પેલા નવાસવા કલાકારની શી દશા થાય ? પરંતુ જોવાની વાત એ છે કે જતે દિવસે એ જ અરવિંદ સ્વામીનો રજનીકાન્ત સાથે 'દલપતિ' ફિલ્મમાં પેરેલલ રોલ હતો !
રજનીકાન્ત પોતે પોતાની જ મજાક બહુ ખેલદિલી સાથે કરી શકે છે. તમે સૌ જાણો છો એમ, રજનીકાન્ત ઓફ-સ્ક્રીન હોય ત્યારે સાવ અલગ દેખાય છે. એ પોતાની ટાલ છૂપાવતા નથી, સફેદ દાઢી પણ રહેવા દે છે અને હંમેશાં સાદા વ્હાઈટ શર્ટ/કુર્તા અને લુંગીમાં હોય છે. ફિલ્મ 'રોબોટ'ના લોન્ચ વખતે એમણે જે જાહેરમાં કહ્યું હતું એનો વિડીયો જોવા જેવો છે.
રજનીકાન્ત ઐશ્ર્વર્યા રાય તરફ જોઈને કહે છે 'થેન્ક્યુ, ફોર વર્કીંગ એઝ માય હિરોઈન...' એમ કહીને એક રમૂજી કિસ્સો શેર કરે છે.
વાત એમ બની હતી કે રજની સર બેંગલુરુમાં એમના એક ભાઈના ઘરે ગયા હતા. પાડોશમાં રહેતા એક 60 વરસના રાજસ્થાની ભાઈને તેનો દિકરો અહીં રજની સરને જોવા માટે ખેંચી લાવ્યો હતો. એ રાજસ્થાની ભાઈએ કદી તામિલ ફિલ્મો જોયેલી જ નહીં એટલે એણે કહ્યું 'યે ક્યા હો ગયા ? સબ બાલ ચલા ગયા?'
રજની સર જરા છોભીલા પડીને ટાલ ઉપર હાથ ફેરવતાં કહે છે. 'હાં વો ચલા ગયા.'
રાજસ્થાની ભાઈ પૂછે છે 'અભી રિટાયર હો ગયા ક્યા ?' રજની સર નમ્રતાથી કહે છે. 'નહીં, અભી એક ફિલ્મ કર રહા હું... રોબોટ.'
પેલા ભાઈ પૂછે છે 'અચ્છા ? હિરોઇન કૌન ?' રજની સર કહે છે 'ઐશ્વર્યા રાય..'
હવે પેલા ભાઈ પૂછે છે 'હીરો કૌન ?'... (આ વખતે ઓડિયન્સમાં લાફ્ટર ફેલાઈ જાય છે.)
રજનીસર ભોળા હાવભાવ સાથે કહે છે 'હીરો મૈં !'
અહીં ઓડિયન્સના ખડખડાટ હાસ્ય વચ્ચે રજની સર ઐશ્વર્યા તરફ જોઈને કહે છે 'સો... થેન્ક્યુ ફોર બિકમિંગ માય હિરોઇન !'
***
- મન્નુ શેખચલ્લી
E-mail :mannu41955@gmail.com
Great.
ReplyDelete