વઘાર ઈન સમાચાર !

આજકાલ તો સમાચારો જ એટલા મસાલેદાર આવી રહ્યા છે કે એમાં એકસ્ટ્રા વઘારની જરૂર જ નથી ! છતાં…

*** 

સમાચાર
હરિયાણામાં જલાભિષેક યાત્રા વખતે ભયંકર હિંસા ફાટી નીકળી.

વઘાર
એનું કારણ ક્યાંક કોમી ‘ઝેરાભિષેક’ તો નથી ને ?

*** 

સમાચાર
પાર્લામેન્ટમાં વિડીયો પાયરસી રોકવા માટે ખરડો પસાર થયો.

વઘાર
એ તો બરાબર, પણ ‘વિડીયો વાયરલ્સી’નું શું ?

*** 

સમાચાર
ફિલ્મોના સેન્સર સર્ટિફીકેટમાં UA સાથે 7+, 13+ અને 16+ની અલગ કેટેગરીઓ હશે.

વઘાર
એ જ રીતે અભણ અને ઓછું ભણેલા નેતાઓને પણ સર્ટિફીકેટ આપો… જેમકે 3+ એટલે ત્રીજું પાસ, 9+ એટલે નવમું પાસ અને 12- એટલે બારમું ફેઇલ !

*** 

સમાચાર
ગુજરાતમાં છેલ્લા 13 વરસમાં કરોડોનો દારૂ ઘૂસાડનાર બૂટલેગરની ધરપકડ થઈ ગઈ.

વઘાર
ઓકે. તો એની જગ્યાએ બીજા કયા બૂટલેગરની ‘નિમણૂક’ થશે?... પોલીસબેડામાં ચર્ચા…

*** 

સમાચાર
ટ્રેન ઉપડવાની 10 મિનિટમાં જો કોઈ પેસેન્જર સીટ ઉપર નહીં પહોંચે તો એની ટિકીટ રદ થશે.

વઘાર
અચ્છા ? અને ટ્રેન તેના સમય કરતાં 10 મિનિટલેટ હશે… તો ? ટિકિટના પૈસા પાછા આપશો ? ફક્ત પેસેન્જરને જ સમયસર ચાલવાનું ?

*** 

સમાચાર
યુક્રેન-રશિયા યુધ્ધમાં શાંતિ સ્થાપવા માટે સાઉદી અરેબિયામાં 30 દેશો ભેગા થશે પણ એમાં રશિયાને દૂર રાખવામાં આવ્યું છે.

વઘાર
વેરી ગુડ ! તો હવે શાંતિ ક્યાં સ્થપાશે ? સાઉદી અરેબિયામાં જ ને !

***

- મન્નુ શેખચલ્લી

Comments