આપણી હિન્દી ફિલ્મોના ગીતકારોએ ચાંદ વિશે જે કંઈ ગીતો લખ્યાં છે એમાં ખગોળશાસ્ત્રની તો પથારી જ ફેરવી નાંખી છે ! દાખલા તરીકે આ ગીત સાંભળો :
'જબ તારે જમીં પર ચલતે હૈ,
આકાશ જમીં હો જાતા હૈ,
ઉસ રાત નહીં ફિર ઘર જાતા
વો ચાંદ યહીં સો જાતા હૈ !'
બોલો, તમે કયા ધોરણની ચોપડીમાં આવું ભણ્યા હતા ? તારાઓ જમીન પર ચાલવા માંડે ? જમીન આકાશ થઈ જાય..? અને કવિના કાકાનો છોકરો ચાંદ, જે અહીં ખાલી સોડા પીવા આવેલો, એ કવિના ઘરે જ સૂઈ જાય ? આના ઉપરથી ચોક્કસ ડાઉટ જાય કે કવિ કદાચ નવમું ધોરણ પાસ નથી થયા ! આવા જ બીજા એક ખગોળશાસ્ત્રના ખાંટુ શાયરે લખી માર્યું છે કે...
'ચૌદવીં કા ચાંદ હો,
યા અફતાબ હો ?
જો ભી હો તુમ ખુદા કી કસમ,
લા-જવાબ હો !'
અહીં મિ. લોર્ડ, 'લા-જવાબ' શબ્દ ઉપર ગૌર કિયા જાય ! કેમકે પાંચમાના પેપરમાં પૂછાયેલા સવાલનો જવાબ એમને આવડતો જ નહોતો !
ખરેખર તો આ ભાઈએ જ્યારે આ શાયરી લખી ત્યારે ચોક્કસ એમને મોતિયાનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ ! કેમકે કાળા ગોગલ્સમાંથી તો એમને રોડની બાજુના લાઈટના થાંભલાનું અજવાળું જ દેખાયું હશે ! એટલે જનાબ કન્ફ્યુઝ્ડ હતા કે ભઈ, આ ચૌદશનો ચાંદો છે કે બપોરનો સુરજ છે ?
તમે જ કહો, જે માણસને રાત અને બપોરના ફરકમાં સમજ ના પડતી હોય એ આવાં જ ગાયનો લખે ને ? આવા જ બીજા એક શાયરે શું લખ્યું છે, જુઓ :
'ચંદા કો ઢૂંઢને સભી તારે નિકલ પડે
ગલીયો મેં વો નસીબ કે મારે નિકલ પડે !'
અલ્યા ભઈ, એટલી સમજ નથી પડતી કે, આજે અમાસ છે એટલે ચાંદો દેખાતો નથી ! અને તારાઓ કંઈ નવરા છે તે ચાંદાને શોધવા નીકળી પડે ? અને ભઇ, તમે જરા બે દહાડા ખમી જાવ ને, બીજનો ચાંદો એની મેળે જડી જશે ! પણ ના, આ કવિને પણ એમ છે કે અમાસની રાતે તારાઓ બેટરી લઈને એમના ગામની ગલીઓમાં પાન-મસાલો, માવો, 120 વગેરે શોધવા નીકળી પડ્યા હશે !
બીજા એક શાયર પણ ખગોળશાસ્ત્રને ખાંડ ખવડાવતાં લખી ગયા કે, 'ચલો દિલદાર ચલો, ચાંદ કે પાર ચલો...!' અલ્યા ભઈ, ચાંદ આમ કંઈ રસ્તામાં પડ્યો છે કે છકડા શટલિયામાં બેસીને 10-10 રૂપિયામાં જતા રહેશો ? આપણા ચંદ્રયાનને પણ ત્યાં પહોંચતા 40 દિવસ થાય છે !
હદ તો ત્યાં થાય છે કે શાયરની પ્રેમિકા બે સેકન્ડની પણ રાહ જોયા વિના બોલી ઊઠે છે. 'હમ હૈ તૈયાર ચલોઓઓ...' ઓ બહેન, 40 દિવસનો રસ્તો છે, કમ સે કમ 40 દિવસ ચાલે એટલાં થેપલાં-ઢેબરાં વગેરે તો બનાવી લો ?
આવા જ એક કવિ શરદ પૂનમની રાતે પત્નીએ બનાવેલા દૂધપૌંવા ખાઈને એવા રાજાપાઠમાં આવી ગયા છે કે તે આપણાં ભાભીને કહે છે
'તુમ જો કહ દો તો
આજ કી રાત ચાંદ ડૂબેગા નહીં !
રાત કો રોક લો...'
હવે આ તો હદ થઈ ગઈ ને ? કવિએ કોઈ પંચાંગનું એકાદ પાનું ખોલીને જોયું હોત તો એમને ખબર હોત કે ભૈશાબ, જે વખતે બબ્બે પૂનમ, બબ્બે અગિયારસ કે બબ્બે સાતમ એવું હોય એ વખતે પણ બબ્બે રાતો બેક-ટુ-બેક નથી હોતી ! અને તમને શું લાગી છે, ભાભી દૂધપૌંવાની 'એક તપેલી ઉપર બીજી તપેલી ફ્રી' આપશે તો ચાંદ તમારા ધાબે રોકાઈ જશે ?
મૂળ આ બધા કવિઓના પ્રોબ્લેમની પાછળ એમની મમ્મીઓ હોવી જોઈએ ! કેમકે કવિઓ નાના હતા ત્યારે મમ્મીઓ એમને ઉલ્લુ બનાવવા ગાતી હતી કે
'ચંદામામા દૂર કે,
પુએ પકાએં બૂર કે,
આપ ખાએં થાલી મેં,
મુન્ને કો દે પ્યાલી મેં...'
ટુંકમાં, ત્યારથી જ આ બધા ફિલ્મી શાયરો માની બેઠા હતા કે ચંદાને તો ધારીએ ત્યારે 'મામુ' બનાવી શકાય ! કેમકે એ મામુને પુરીઓ પકાવીને થાળીમાં ખાવા સિવાય બીજું કંઈ કામકાજ તો છે નહીં ! રાઇટ ?
આ જ કારણ છે કે ફિલ્મી શાયરોએ ખગોળશાસ્ત્રનો 'ખ' પણ શીખ્યા વિના જ્યાં ફાવે ત્યાં ગપ્પાં જ ઠોકે રાખ્યાં છે. જેમકે 'ધૂપ મેં ખિલા હૈ ચાંદ, દિન મેં રાત હો ગઈ !' અથવા 'સુરજ હુઆ મધ્ધમ, ચાંદ જલને લગા !' 'આજ કી રાત નયા ચાંદ લેકર આઈ હૈ !' અલ્યા, નવો ચાંદ તું ક્યાંથી લાયો ? તો નવું ગપ્પું મારશે : 'કૈસી હસીન આજ બહારોં કી રાત હૈ, એક ચાંદ આસમાં પે હૈ, એક મેરે પાસ હૈ !' બોલો, આ માણસ તો જાણે ચાંદને ખિસ્સામાં જ લઈને ફરે છે ને ?
આમાં જો પોલીસ ચોરીની FIR લઈને એની પૂછપરછ કરવામાં આવે તો કવિ બહાનું કાઢીને છૂટી પડશે કે 'ચાંદ મેરા બાદલોં મેં ખો ગયા !' હવે તમે જ શોધી આપો !
બાકી,ખગોળશાસ્ત્રની ટોટલ પથારી ફેરવતું કોઈ અલ્ટિમેટ ગીત હોય તો આ છે :
એક બગલ મેં ચાંદ હોગા
એક બગલ મેં રોટિયાં
એક બગલ મેં નીંદ હોગી
એક બગલ મેં લોરીયાં
હમ ચાંદ પે રોટી કી ચાદર
તાન કર સો જાયેંગે
ઔર નીંદ કો કહ દેંગે
લોરી કલ સુનાને આયેંગે !
લો બોલો, આ ભાઈને પ્રપોર્શનની કોઈ સેન્સ ખરી? આવડો મોટો ચાંદો એની બગલમાં આવી ગયો ? અને બોસ, રોટી કોઈ દિવસ ચાદર જેવડી જોઈ છે તમે ? ફિલ્મી શાયરો આવી ને આવી ધૂપ્પલો ચલાવે રાખી એટલે જ આખરે ઈસરોએ ચંદ્ર ઉપર યાન મોકલીને જૂઠનો ભાંડો ફોડવા માટે કરોડો રૂપિયા ખરચવા પડે છે. તમે સમજ્યા કે નહીં ?
***
- મન્નુ શેખચલ્લી
E-mail :mannu41955@gmail.com
Vah
ReplyDelete