ભારત હવે ચંદ્ર ઉપર પહોંચી ગયું છે એટલે બહુ નજીકના ભવિષ્યમાં ત્યાં ‘આપણાવાળા’ જામી જ ગયા હશે ! આવા સમયે છાપાં ભલે ના હોય, કોઈપણ મિડીયામાં ટચૂકડી તો આવતી જ હશે ! દાખલા તરીકે…
***
દુકાન વેચવાની છે
બરોબર ‘શિવશક્તિ’ પોઇન્ટની સામે, માતાજીના મંદિરની બાજુમાં, ગુજરાતી ધર્મશાળાથી થોડેક જ દૂર, મોકાની જગ્યાએ આવેલી ગાંઠીયા, પાપડી, ભજીયાં, ગોટા અને ચંદ્રવિલાસની જલેબી માટે મશહૂર એવી ફરસાણની દુકાન ગુડવિલ સાથે વેચવાની છે. ઓફરો માત્ર ઓનલાઇન. વહેલો તે પહેલો.
***
પૃથ્વી ફેસિંગ રેસિડેન્સિયલ સ્કીમ
યુકે, યુએસ, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં દેશી ઇન્ડિયનો માટેની સફળ રેસિન્ડેન્સિયલ સ્કીમોની ઝળહળતી સફળતા પછી મૂનમેકર બિલ્ડર્સ રજૂ કરે છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર પર્સનલ બંગલાઓની ભવ્ય સ્કીમ.
દરેક બંગલો અર્થ ફેસિંગ, દરેક બંગલાના ધાબે પૃથ્વીના કોઈપણ એરિયાની સેલ્ફી લઈ શકાય એવાં હાઈફાઈ દૂરબીનો (NASA મેઈડ), દરેક બંગલામાં પૃથ્વીની માટી અને ચંદ્રના પાણીવાળાં સ્વિમીંગ પુલ અને પર્સનલ જિમ.
જલદી કરો. જુજ બંગ્લા બચ્યા છે. ચાર ફિલ્મસ્ટારો પણ બુક કરાવી ચૂક્યા છે. પેમેન્ટ ઇન્ડિયન રૂપીમાં કરો તો 5 ટકા લેસ.
***
પાંચ મિનિટમાં વજન ઘટાડો
ભારે વજનની તકલીફોથી ત્રાસેલા પૃથ્વીવાસી માટે સ્પેશીયલ ઓફર. અમારી ઝિરો ગ્રેવિટી લેબમાં હળવા પીંછાની જેમ ઉડવાનો અનુભવ કરો અને ચંદ્ર ઉપર અડધો અડધ વજનનું શરીર લઈને ઠેકડા મારો !
ખાસ નોંધ : ચાર્જીસ પૃથ્વી ઉપરના વજન મુજબ જ ગણાશે.
***
જાહેર નોટીસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે અમારા અસીલ ચંદ્રેશ ચંદ્રકાન્તભાઈ ચંદારાણાએ ચંદ્ર ઉપર આવેલો 4 મીટર વ્યાસનો પ્રખ્યાત ખાડો, જેનો પહેલો ફોટો ચંદ્રયાન-3ના વિક્રમ રોવરે મોકલ્યો હતો તે ખાડો સૂર્યકાન્ત સુરજમલ સુરજેવાલાને વેચાણથી આપેલ છે. આ બાબતમાં કોઈને વાંધો, વચકો, દાવો-દલીલ કંઈપણ હોય તો તે દિન 15માં રજુ કરે. નહિતર કોઈને આ મિલકત તબદીલ કરવામાં કોઈ વાંધો નથી તેમ માનીને વેચાણ ફાઈનલ કરવામાં આવશે.
કોર્ટનો સિક્કો, સહી અવાચ્ય.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment