‘ગદર-ટુ’ કેવુ છે ? ‘જેલર’ જોયું ? ‘OMG-2’ જોવાય કે નહીં ? આવા ભોળા સવાલોના જે જવાબો હોય છે એને સાદી ભાષામાં ‘ઓપિનીયન’ કહેવાય ! પણ એને અઘરી ભાષમાં ‘રિવ્યુ’ કહેવામાં આવે છે !
આ રીવ્યુના અલગ અલગ લેવલ હોય છે. જુઓ…
***
બેઝિક લેવલ
બિચારા મામૂલી માણસો આવા રિવ્યુ આપતા હોય છે…
(1) સારું છે.
(2) ભંગાર છે.
(3) ચાલે, ટાઇમપાસ છે.
(4) એકવાર જોવાય.
(5) દિમાગનું દહીં છે.
(6) પૈસા વસૂલ છે બોસ… અથવા
(7) અં… ઇન્ટરવલ સુધી ઠીક છે પછી… અં… ફાઇટિંગને એવું બધું છે… એટલે… અં… આમ ઓવરઓલ… અં…
***
સેમી-હાયર લેવલ
આમાં તમારે ફેસબુકમાં રિવ્યુ આપવાનો હોય છે. જેમાં આટલી વાતો ધ્યાનમાં રાખવી…
(1) લોકો તમને ફોલો કરે કે ના કરે તમે જ બેસ્ટ ક્રિટીક છો એવો ફાંકો ટકાવી રાખવાનો છે.
(2) રિવ્યુની શરૂઆતમાં જ રેટિંગ આપી દેવાનું છે જેમકે આટલા સ્ટાર, આટલાં મરચાં, આટલાં કેળાં, આટલાં તારામંડળ વગેરે… કેમકે બાકીનું લાંબું લાંબું વાંચવા કોઈ નવરું નથી.
(3) દરેક રિવ્યુની ફિક્સ ફોર્મ્યુલા રાખવાની… શોર્ટમાં સ્ટોરી લખી દેવાની… પછી એક્ટિંગ ઠીક છે, સંગીત નબળું છે, ડિરેક્શનમાં દમ નથી, પટકથા ઢીલી છે, સંવાદો ક્યાંક ક્યાંક સારા છે. વગેરે… એટલે પત્યું !
***
હાયર લેવલ
આ સૌથી અઘરું છે ! છતાં એની સાવ સહેલી ફોર્મ્યુલા છે !
(1) શરૂઆતમાં એકાદ કવિતા ઠોકી દેવાની ! કઈ ફિલ્મનો રિવ્યુ છે એનું નામ જ નહીં લેવાનું.
(2) ફિલ્મની થિમ સાથે નહાવા-નિચોવવાનો સંબંધ ના હોય એવા ટોપિક ઉપર ફિલસોફી ફાડતાં ફાડતાં દુનિયાના મહાન ફિલ્મકારોનાં નામો ભભરાવવાનાં.
(3) છેક હવે ફિલ્મનું નામ લઇને તેનું વિવેચન કરવામાં અઘરા છતાં ફીક્સ શબ્દો વાપરવાના ! જેમકે… ‘લેયર્સ, ક્રોસ રેફરન્સીસ, મેટાફર, સિમ્બોલ, કેથાર્સિસ, એક્ઝિસ્ટેન્શિયાલિઝમ’ વગેરે !
અને (4) ફિલ્મોમાં ફક્ત મને જ સમજ પડે છે, બીજાઓ તો બબૂચક છે એવો આભાસ સતત ઊભો કરવાનો છે ! ઓકે ? બેસ્ટ લક..
***
- મન્નુ શેખચલ્લી
Here are few more blogs about film review
ReplyDeletehttps://gujaratifilmreview.com/about-us/
https://gujaratifilmreview.com/how-to-write-professional-film-review/
https://gujaratifilmreview.com/how-reliable-and-valuable-are-film-reviews/