ભૂલ, મોટી ભૂલ, સૌથી મોટી ભૂલ !

માણસ જીવનમાં નાની મોટી ભૂલો તો કરતો જ હોય છે પરંતુ અમુક ભૂલો ઘણી મોટી અથવા સૌથી મોટી સાબિત થતી હોય છે ! દાખલા તરીકે…

*** 

ભૂલ
કોલેજના બોરિંગ લેક્ચરમાં બેન્ચ ઉપર માથું નાંખીને ઊંઘી જવું.
મોટી ભૂલ
ઊંઘમાં મોટેથી નસકોરાં બોલાવવાં !
સૌથી મોટી ભૂલ
અચાનક જાગીને બૂમ પાડવી : ‘અલ્યા કોઈ તો આ ચેનલને બદલો ?!’

*** 

ભૂલ
ગર્લફ્રેન્ડની બર્થ-ડે ભૂલી જવી.
મોટી ભૂલ
ત્રણ દિવસ પછી પૂછવું કે ‘આજકાલ તારી બર્થ-ડે આવવાની હતી, એનું શું થયું ?’
સૌથી મોટી ભૂલ
છ દિવસ પછી ગિફ્ટમાં મોટું કેલેન્ડર આપવું !

*** 

ભૂલ
પત્ની સાથે શોપિંગમાં જવું…
મોટી ભૂલ
શોપિંગ વખતે પત્ની કોઈ વસ્તુ માટે પૂછે તો ‘સાચો ઓપિનીયન’ આપવો !
સૌથી મોટી ભૂલ
એ જ શોપિંગમાં પત્નીએ જે ડ્રેસ ખરીદ્યો હોય તે પહેરીને પૂછે કે ‘આમાં હું કેવી લાગું છું ?’… ત્યારે પણ ‘સાચો ઓપિનિયન’ આપવો !

*** 

ભૂલ
મોલમાં કોઈ સુંદર સ્ત્રી સાથે ગફલતથી અથડાઈ જવું.
મોટી ભૂલ
પત્ની દૂરથી જોતી હોય છતાં એ સુંદર સ્ત્રીની પડી ગયેલી શોપિંગ બેગો ઉપાડીને તેના હાથમાં આપતાં આપતાં સ્માઈલ કરવું !
સૌથી મોટી ભૂલ
પત્ની પૂછે કે ‘એ કોણ હતી ?’ ત્યારે સતત ‘શી ખબર ? શી ખબર?’ એવું કહ્યા કરવું !

*** 

ભૂલ
વોટ આપવો.
મોટી ભૂલ
જીતનાર નેતા પાસે આશા રાખવી.
સૌથી મોટી ભૂલ
એ જ નેતાને ફરીથી વોટ આપવો !

***

- મન્નુ શેખચલ્લી

Comments