મનમોહન દેસાઈનો એક કિસ્સો અમિતાભ બચ્ચને થોડા સમય પહેલાં જાહેરમાં કહ્યો હતો. વાત 'અમર અકબર એન્થની'ના શૂટિંગ વખતની છે.
ફિલ્મમાં સીન એવો છે કે નિરૂપા રોયને કોઈ એક્સિડેsન્ટ થાય છે ત્યારે તેને લોહી ચડાવવાની જરૂર પડે છે. એ વખતે ફિલ્મના ત્રણે દિકરા (જેમને ખબર જ નથી કે તેઓ એકબીજાના ભાઈ છે, પણ ઓડિયન્સને ખબર છે !) નિરૂપા રોયને લોહી આપવા માટે તૈયાર છે. ફિલ્મના શૂટીંગ માટે અમિતાભ, રિશીકપૂર અને વિનોદ ખન્ના ત્યાં પહોંચ્યા ત્યારે જુએ છે કે ત્રણે જણાને ખાટલામાં લાઇનસર સૂવડાવીને એમનાં લોહીની ત્રણે નળીઓ નિરૂપા રોયના લોહીના બાટલામાં જોડવામાં આવી રહી છે !
બચ્ચન સાહેબ કહે છે 'અમે તો આ જોઈને હેબતાઈ જ ગયા ! કહેવા લાગ્યા કે યે કૈસે હો સકતા હૈ ? યે ગલત હૈ ! '
જવાબમાં મનમોહન દેસાઈએ સ્હેજ પણ દાદ આપ્યા વિના કહ્યું 'ચૂપ રહો તુમ લોગ ! તુમ્હેં માલૂમ નહીં હૈ ! પિકચર જબ રીલીઝ હોગી તો ક્યા હોનેવાલા હૈ !'
અને... યસ ! તમે સૌ જાણો છો તેમ આ દ્રશ્ય પરદા ઉપર આવતું હતું ત્યારે સિનેમાહોલ તાળીઓ અને સીટીઓથી ગુંજી ઊઠતો હતો !
આને કહેવાય 'મેથડ ઇન મેડનેસ !' મનમોહન દેસાઈની આ ક્રેઝીનેસ એમની સફળતાનું સિક્રેટ હતું. તમે જો એમ માનતા હો કે 'લોસ્ટ એન્ડ ફાઉન્ડ'ની ફોર્મ્યુલાની શરૂઆત 'અમર અકબર એન્થની'થી થઈ હતી તો તમારી ભૂલ થાય છે. તમે કહેશો કે ઓકે 'વક્ત'માં પણ એ જ સ્ટોરી હતી ને ? યસ સર, પરંતુ મનમોહન દેસાઈની પહેલી ફિલ્મ 'છલિયા' યાદ છે ?
એમાં પણ 'લોસ્ટ એન્ડ ફાઉન્ડ'ની ફોર્મ્યુલા હતી ! ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે નૂતન એના પતિ અને સસરાથી વિખૂટી પડી જાય છે. તે વખતે તે સગર્ભા હતી તેની સાસરિયાંને ખબર નથી. એ તો ઠીક, ત્યારબાદ નુતનનો પુત્ર પણ વિખૂટો પડી જાય છે ! એ પછી રેફ્યુજી કેમ્પમાં બધા એકબીજાની આસપાસ હોવા છતાં મળી શકતા નથી ! મા દિકરાને ભણાવે છે પણ ખબર નથી કે આ મારો દિકરો છે... બાપ સગા દિકરાને અનાથ સમજે છે... સસરો પૂત્રવધુને મરેલી માને છે... વગેરે વગેરે ! અને હા, પતિ રાજકપૂર નથી ! એ તો મામૂલી ચોર છે અને નુતનના પ્રેમમાં છે ! (જોયું ? હવે તમે પણ ગૂંચવાયા ને ?)
મનમોહનજીને આવી અટપટી વાર્તાઓના પેંતરા કદાચ ગળથૂથીમાં જ મળી ગયા હશે કેમકે એમના પિતાજી, યાને કે કીકૂભાઈ દેસાઇ એક જમાનામાં પેરેમાઉન્ટ સ્ટુડિયોઝના માલિક હતા અને 1931થી લઈને 1941 સુધીનાં દસ વરસમાં એમણે ત્રીસેક ફિલ્મો પ્રોડ્યુસ કરેલી જે એકશન, ચમત્કાર અને સ્ટંટબાજીથી ભરપૂર હતી.(જેને બી ગ્રેડ અથવા સી ગ્રેડ ફિલ્મો કહે છે તેવી.)
જોકે બીજા વિશ્વયુદ્ધના સમયમાં એમને ભારે ખોટ ગઈ અને એમનું મૃત્યુ થઈ ગયું. દેવું ચૂકવવા માટે મનજીનાં માતાજી કલાવતીબેને સ્ટુડિયો વેચી દેવો પડ્યો. એટલું જ નહીં, જાહોજલાલીથી ભરપૂર બંગલો છોડીને મુંબઈની ખેતીવાડીની ચાલીના ઘરમાં રહેવા આવવું પડ્યું. છતાં હિંમત હાર્યા વિના તેમણે અને મનમોહન દેસાઇના મોટાભાઈ સુભાષ દેસાઇએ ફિલ્મોના ડિસ્ટ્રીબ્યુશનનું કામ હાથ ઉપર લીધું.
મનમોહન ડિરેક્શન શીખવા માગતા હતા. એટલે મોટાભાઈની ભલામણથી તે બાબુભાઈ મિસ્ત્રીના આસિસ્ટન્ટ બન્યા. (જી હા, એ જ બાબુભાઈ મિસ્ત્રી, જે તે જમાનામાં સ્પેશીયલ ઇફેક્ટોના એકમાત્ર બાદશાહ હતા અને ચમત્કારોથી ભરપૂર ફિલ્મો પણ બનાવતા હતા.) મનમોહન દેસાઇ એમના ગુરુ પાસેથી VFXના ચમત્કારો તો નહીં, પણ સ્ટોરીના ચમત્કારો શીખી ગયા !
એમની કોઈપણ ફિલ્મ આજે યુ-ટ્યુબમાંથી ઉઠાવીને જોઈ લો... 'છલિયા' 'બ્લફ માસ્ટર' 'બદતમીઝ' 'કિસ્મત' 'સચ્ચાજુઠા' 'રામપુર કા લક્ષ્મણ' 'ભાઇ હો તો ઐસા' 'આ ગલે લગ જા' 'રોટી' 'પરવરિશ' 'ધરમવીર' 'ચાચા-ભતીજા' 'અમર અકબર એન્થની' 'સુહાગ' 'નસીબ' 'દેશપ્રેમી' 'કુલી' 'મર્દ' 'ગંગા જમુના સરસ્વતી'... આમાંથી પહેલી અને છેલ્લી ફિલ્મને બાદ કરતાં તમને ક્યાંય બગાસાં તો નહીં જ આવે !
મઝાની વાત તો એ છે કે એમની ફિલ્મોમાં જે 'સિરિયસ' ઘટનાઓ છે એ પણ એટલી 'મેડ' છે કે તમને હસવું આવી જાય ! અમિતાભ બચ્ચન તો એ વખતે ટોપ-મોસ્ટ સુપરસ્ટાર હતા. છતાં એમની પણ હિંમત નહોતી ચાલતી કે સ્ટોરીમાં 'લોજિક' બાબતે મનમોહનજી સાથે કોઈ દલીલબાજી કરે !
એમની 'મેથડ ઇન મેડનેસ'ના નમૂના તો જ્યાં શોધો ત્યાંથી મળી આવશે ! નિરુપા રોયને સાપ કરડે તો તે આંધળાં થઈ જાય ! અને રિશીકપૂર કવ્વાલી ગાય તો ચમત્કારથી આંખોની રોશની વાપસ આવી જાય ! 'ધરમવીર'માં આખેઆખી ભારતીય રાજ-રજવાડાંની સ્ટોરી હોય છતાં ધર્મેન્દ્ર રોમન સિપાહીની માફક 'ફ્રોક' જેવો ડ્રેસ પહેરીને આખી ફિલ્મમાં ફરતો હોય ! 'કુલી'માં આખું ગાયન ઊટીમાં ગવાતું હોય છતાં આખી ટ્રક ભરાય એટલાં સફરજન રસ્તા ઉપર શી ખબર ક્યાંથી વરસતાં દેખાય ! 'મર્દ'ના ગાયનમાં પહાડી વિસ્તારમાં મીઠાના ડુંગરો હોય ! એ જ ફિલ્મમાં દારાસિંહ ગોરા વિલનનું વિમાન દોરડાથી ખેંચીને તોડી પાડે છે !
આટલી બધી ઉટપટાંગ વાતો હોવા છતાં એમની ફિલ્મો કેમ હિટ જતી હતી ? વેલ, જો એ 'મેડનેસ'માં બીજાઓને સમજ પડતી હોત તો આજે બોલીવૂડની આ દશા ના હોત ને !
***
- મન્નુ શેખચલ્લી
E-mail :mannu41955@gmail.com
Comments
Post a Comment