ચંદ્ર ખરીદવો છે ?!

'હલો...'
'હલો...'
'હલો... હું ફલાણી ફલાણી બેન્કમાંથી બોલું છું. તમારે કોઈ લોનની રિક્વાયરમેન્ટ છે ?'
'હા છે ને બેન !'
'કઈ ટાઈપની લોન જોઈએ છે ? હોમ લોન, વ્હીકલ લોન, એજ્યુકેશન લોન...'
'આપડે પ્રોપર્ટી ખરીદવા માટે લોન જોઈં છીં...'
'ઓકે, શું ખરીદવાનું છે ?'
'ચંદ્ર'
'શું?'
'ચંદ્ર... ચંદ્ર ખરીદવાનો છે.'
'શું કહ્યું ? ચંદ્ર ?'
'હા, હમણાં આપડું ઇન્ડિયાનું ઓલું યાન જ્યાં જઈને ઉઈતર્યું ને, ઇ ચંદ્ર આપડે લેવો છે.'
(ગુંચવાઈ જાય છે.) 'ચંદ્ર.. એના માટે તો-'
'ખાલી પંચાવન લાખ કરોડ જોંઈ છીં.'
'પંચાવન લાખ કરોડ?'
'બાકીના તો આપડી કને છે, થોડા ઘણા.'
'પણ પંચાવન લાખ કરોડ,.. એટલી મોટી એમાઉન્ટ તો-'
'જુઓ બેન, તમારી બેન્કની કેપેસિટી નો હોય તો રેંવો દ્યો, આપડે બીજી બેન્કું હારે વાટાઘાટું હાલે જ છે.'
'એક મિનિટ, તમે હોલ્ડ કરશો ?'
'વાંધો નંઈ હોં બેન, તમે તમારા સાયેબ હાર્યે નિરાંતે પૂછાવી લ્યો, આપડે એવી કાંઈ અરજન્સી નથી.'
(થોડીવાર પછી કોઈ ભાઈ ફોન પર આવે છે.)
'હલો...'
'હા બોલો.'
'આ મેડમ કહે છે કે તમારે પંચાવન લાખ કરોડની લોન જોઈએ છે ?'
'જોઈએ તો છે, તમારે દેવી છે કે નંઈ ઈ વાત કરો ને ?'
'પણ તમે તો કહો છો કે તમારે ચંદ્ર ખરીદવો છે. આર યુ સિરીયસ?'
'આલેલે, સિરિયસ હોઈં તો જ વાત કરીં ને ?'
'ઓકે... તો પંચાવન લાખ કરોડની લોન માટે તમારી પાસે ગેરંટી તરીકે આપવા માટે કંઈ છે ?'
'છે ને ! આપડી કને મંગળ છે !'
'મંગળ ?'
'હા મંગળ ?'
'યુ મિન, મંગળ તમારો છે ?'
'હાસ્તો ! મારો જ છે ! ઇનું આધારકાર્ડ છે, પાનકાર્ડ છે... હંધુંય છે !'
'મંગળનું આધારકાર્ડ ? પાનકાર્ડ ? કેવી રીતે હોય?'
'કેમ, નો હોય ? મંગળ મારો દિકરો છે !'
(અચાનક ફોન કટ થઈ જાય છે.)
'હલોઓ? હલોઓઓ?... હલોઓ...'

***

- મન્નુ શેખચલ્લી

Comments