અમદાવાદી શટલિયા ની ચંદ્રયાત્રા -૩

તમે જુઓ, કે હોલીવૂડની ભલભલી ‘ઇન્ટરસ્ટેલર’ કે ‘એપોલો-13’ જેવી બોરિંગ ફિલ્મો કરતાં આપણા આ અમદાવાદી સ્પેસ-શટલિયાંની વારતામાં કેવી કેવી મજાઓ પડી રહી છે ! 

છેલ્લે તમે જોયું એ મુજબ શટલિયાના ડ્રાયવરે કોઈ ‘નાસા’ના ઇન્ટર-સ્પેસ પોલીસથી બચવા માટે યાનને વાંકુચૂંકુ કરીને જે જબરદસ્ત કલ્ટી મારી છે એના લીધે પેસેન્જરોનાં થેપલાં, ઢેબરાં, ઢોકળાં, ખમણ અને ખાખરાઓ યાનના શૂન્યવકાશમાં ગરબાની સ્ટાઇલમાં સૌને માથે ઘુમરી લઈ રહ્યાં છે !

એવામાં વધુ એક મહેસાણી એનાઉન્સમેન્ટ થશે : ‘અલ્યા ભૈયો અને બૂંનો ! આ હવામોં જેનોં જેનોં નાસ્તાઓ ગરબા કર છ, એ હમજી વિચારીને પાછોં પોત-પોતાનોં ડબ્બાઓંમોં મેલી દ્યો ભૈશાબ ! અન, ઝુંટાઝોંટી ના કરશો ! પૂનમ ભરવા નેંકર્યા હશીં ઇને તો પાપ લાગશીં ! અન હોંભરો… હવામોં જે લહણની ને મરચોંની તીખી ચટણીયોં ઉડ છ ઇંયોંથી આઘાં રે’જો, નકર ઓંખ કે નાકમોં જઈ તો ઓંય કણે ENTના કોઈ ડોક્ટર નહીં રાખ્યાં !’

હજી એનાઉન્સમેન્ટ પતે નાં પતે ત્યાં તો સસ્તા ભાવે ચંદ્રની યાત્રા કરવા નીકળેલા બે ફોરેનરોના આંખ અને નાકમાં તીખી ચટણીઓ ઘૂસી જ ગઈ હશે ! 

એમણે જે રાડારાડ મચાવી હશે એ સાંભળીને યાનમાં બેઠેલાં નાનાં નાનાં ટાબરિયાં પણ કાગારોળ મચાવી મુકશે ! 

એ ટેણિયાંઓને શાંત રાખવા માટે એમની મમ્મીઓ વધારે ઊંચા અવાજે ‘આલૂલૂલૂ… ઉલૂલૂલૂઉ… નંઇ લલવાનું બેટાઓ…’ કરીને ટોટલ સ્ટિરીયોફોનિક ઘોંઘાટ મચાવી દેશે !

એવામાં કોઈ સૂચન કરશે : ‘અલ્યા કોઈ પાણી છાંટો, પાણી !’

આ સાંભળીને ઝોકામાંથી હમણાં જ જાગી ગયેલાં કાકીને ફાળ પડશે ‘હાય હાય ! આગ લાગી ?’ 

કાકા એમને ચૂપ કરશે ‘અલી છાની મર ને ? આગ નથી લાગી ! એ તો પેલા ધોળિયાની આંખમાં લસણની ચટણી જતી રહી છે !’ 

કાકી કહેશે ‘સૂન્યાવકાસમાં એવું જ થાય, એક વાર મારે ય કઢી પીતાં પીતાં નાકમાં જતી રહેલી !’

માંડ માંડ બધું થાળે પડશે ત્યાં ધીમી ધરધરાટી સાથે સ્પેસ-શટલિયું અવકાશમાં જ ઊભું રહી જશે ! પેસેન્જરો ‘શું થયું… શું થયું…’ કરશે ત્યાં વધુ એક એનાઉન્સમેન્ટ થશે : 

‘હોંભળો બધા… જેને જેને પેશાબ-પોંણી કરવાં હોય, પગ છૂટો કરવો હોય તો જઈ આવે… આ પટેલ સ્પેશ-મોટેલ પાંહે શટલિયું પંદર મિલિટ ઊભું રે’શે !’

આટલી બધી ધાંધલ ધમાલથી કંટાળેલા પ્રવાસીઓ પગ છૂટો કરવા માટે અવકાશમાં તરતી પટેલ રેસ્ટોરન્ટ પાસે ધીમે ધીમે ઉતરવા માંડશે. પેલો અનુભવી પેસેન્જર સૌને સંભળાય એવા અવાજે કકળાટ કરશે : 

‘આ સાલા ડ્રાયવર કંડકટર અને મોટેલવાળાનું સેટિંગ છે ! અહીંથી ચંદ્ર હવે ખાલી પંચાવન જ મિનિટ દૂર છે તો બી અહીં બ્રેક મારી દીધી !’

નવોસવો પેસેન્જર કહેશે ‘આમેય આપડે ક્યાં ઉતાવળ છે ? અહીં મેનુમાં તો ઇડલી-ઢોંસા, ખિચડી-કઢી, ચાઇનિસ-પંજાબી બધું સસ્તામાં મળતું લાગે છે !’ 
‘એ જ તો આખું સેટિંગ છે બોસ !’ અનુભવી એને સમજાવશે ‘અહીં ટોઇલેટમાં સિન્ક એક જ છે ! લાઇનમાં જ દસ મિનિટ લાગી જાય છે ! અને તમને ક્યાં ખબર છે ? આપણા સ્પેસ-સૂટમાં મેક્સિમમ ચાર મિનિટ ચાલે એટલો જ ઓક્સિજન હોય છે ! એટલે તમારે અહીંથી ઓક્સિજનનાં પાઉચો ખરીદવાં જ પડે… સાલાઓ ખાવાનું સસ્તું આપે છે પણ 250 ml.ના અઢી હજાર ડોલર ચીરી લે છે !’

જોકે એમ કંઈ રેગ્યુલર પૂનમ ભરનારા અનુભવી ગુજુ પેસેન્જરો છેતરાતા હશે ? એ લોકો કસ્ટમથી છુપાવીને અમદાવાદથી જ હલકી ક્વોલીટીની ઓક્સિજનની કોથળીઓ (જે અમુલ શક્તિની કોથળીઓ જેવી જ દેખાતી હોય) સ્પેસ-સૂટમાં ઘૂસાડીને લાવતા હશે ! આ સસ્તા ઓક્સિજનથી બીજું કંઈ ના થાય, ખાલી નાક થોડી વાર દદડ્યા કરે એટલું જ !

છેવટે પંદર મિનિટની ‘રિસેસ’ પચ્ચીસ મિનિટ સુધી લંબાયા બાદ, માવાઓ ખાઈને સ્પેસ-ડસ્ટબિનોમાં થુંક્યા બાદ અને બેકગ્રાઉન્ડમાં મૂન પણ દેખાય, પૃથ્વી પણ દેખાય, સ્પેસ-શટલિયું પણ દેખાય, પટેલ સ્પેસ-મોટેલ રેસ્ટોરન્ટનું લાઇટિંગ પણ દેખાય અને ત્યાં વણેલા ગાંઠીયા અને લીલી ચટણી ખાતા ફોરેનરો પણ દેખાય એવી ત્રીસ-ત્રીસ સેલ્ફીઓ લીધા બાદ… અને અફ-કોર્સ દદડતાં નાક ટીશ્યુ પેપરો વડે લૂછ્યાં બાદ… પેસેન્જરો શટલિયામાં પાછા ગોઠવાશે ! (અને ટીશ્યુ પેપરો આગળવાળાની સીટ નીચે ફેંકશે !)

ત્યાર બાદ હેન્ડલ વડે શટલિયું સ્ટાર્ટ કરવાના પચ્ચીસમાં પ્રયત્ન બાદ જ્યારે તે ખરેખર ઘરઘરાટી બોલાવીને ધરખમ ધ્રુજારી અને થોડા ફટાકડા ફૂટતા હોય એવા અવાજો સાથે હજી ઉપડવાની તૈયારીમાં જ હશે ત્યાં કોઈ બહેન બૂમો પાડશે :

‘અરેએ… મારી હાહુ (સાસુ) ચોં છે ? એ તો હેઠે જ રં’ઈ જઈઈઈ…!’ 
આ નવી મુસીબતથી અકળાઈ ગયેલા પેસેન્જરોમાં ફરી ગણગણાટ ચાલુ થઈ જશે.. ડ્રાયવર, કંડકટર અને સ્પેસ-હોસ્ટેસો નીચે ઉતરશે… શોધખોળ કરશે… 

અંતે ખબર પડશે કે માજી તો ભૂલથી બીજા કોઈ શટલિયામાં બેસીને જતાં રહ્યાં છે ! અને એ શટલિયું તો પાછું રિવર-ફ્રન્ટ જ જતું હતું ! હવે ?

(ચંદ્રયાત્રાના છેલ્લા છબરડા આવતા બુધવારે)

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments