સ્કૂલમાં શું ભણ્યા ? કંકોડાં ?!

જુન મહિનાની શરૂઆતમાં 12માંના રિઝલ્ટો આવી ગયાં છતાં હજી કોલેજોમાં એડમિશનોનું થાળે પડ્યું નથી ! કોમર્સમાં હજારો સીટો ખાલી છે અને એન્જિયરીંગમાં સેંકડો ખાલી છે.
ઘણીવાર અમને વિચાર આવે છે કે અલ્યા, આ જુવાનિયાઓ સ્કુલમાં શું કંકોડા ભણ્યા ? કેમકે...

*** 

નફા-ખોટના દાખલા...
ભણ્યા તો ખરા, પણ કોઈ ટીન-એજરને એવો સવાલ થતો નથી કે અલ્યા, હવા ભરેલી કોથળીમાં માંડ 20 પોટેટો ચિપ્સ ભરીને આપે છે એના પુરા 20 રૂપિયા શી રીતે થઈ ગયા ?
(ગ્રામના હિસાબે ગણો તો 1000 રૂપિયે કિલોનો ભાવ થયો !)

*** 

ભૂગોળના નકશા...
ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, નકશાપોથી... ભારતનો નકશો, દુનિયાનો નકશો... બધું ચીતરવા છતાં આજે એમને કોઈ ઠેકાણે પહોંચવું હોય તો મોબાઇલમાં 'લોકેશન' મંગાવ્યા વિના જવાતું નથી !

*** 

ઘનફળના દાખલા...
એ શીખવા માટે તો એકસ્ટ્રા ક્લાસ ભરેલા ! છતાં આજે 1 લીટર આઇસ્ક્રીમનું ખોખું ફ્રીજમાં મુકવાનું ભૂલી જવાય તો એ ઓગળીને માત્ર અડધો લીટર શી રીતે થઈ જાય છે ? એમને નથી સમજાતું !

*** 

નાગરિક શાસ્ત્ર (સિવિક્સ)ના પાઠ...
એ પણ ભણી ગયા. ખાલી જગ્યાઓ પુરીને માર્ક્સ પણ લઈ આવ્યા. ગોખેલી ટુંકનોંધો લખઈને પાસ થઈ ગયા... અને ક્યાંક કોઈ ચૂંટણી આવે તો અભણની જેમ પૂછે છે 'આ વળી ફરી કઈ ચૂંટણી આવી ?'

*** 

કોમ્પ્યુટર એજ્યુકેશન...
આમાં તો નવી જનરેશન પોતાને ચેમ્પિયન સમજે છે. છતાં નવું લેપ-ટોપ લેવાનું હોય તો છોકરીઓ એકબીજાને પૂછે છે : 'કયું લઉં ? પિંક કલરનું ? કે રેડ કલરનું ?'

*** 

અરે, લખતાં અને વાંચતાં શીખ્યાં...
પણ છાપાં, મેગેઝિન, બુક્સ... એવું બધું કોઈ વાંચે છે ? (વાંચવાનું તો ફક્ત એક્ઝામ માટે જ હોય ને ?) બોલો, 12મું ભણીને શું કાંદા કાઢ્યા?

***

- મન્નુ શેખચલ્લી

Comments