ન્યુઝ ઉપર નુક્તેચિની !

નુક્તેચિની એટલે ટીપ્પણી, કોમેન્ટ, સળી અથવા કહો કે વઘાર ! કેમકે અમુક ન્યુઝ જ એવા હોય છે કે તમે નુક્તેચિની કર્યા વિના રહી જ ના શકો…

*** 

ન્યુઝ
ભારતમાં રશિયાની વસ્તી જેટલા શરાબી લોકો છે !

નુક્તેચિની
આમાં દારૂબંધીવાળા ગુજરાતીઓને ગણ્યા છે ? કે ઉમેરવાના રહી ગયા છે ?

*** 

ન્યુઝ
OMG-2માં સેક્સ-એજ્યુકેશનની થિમ હોવાથી તેને સેન્સર બોર્ડે ‘એડલ્ટ’ સર્ટિફીકેટ આપ્યું છે.

નુક્તેચિની
આમાં આપણે શું સમજવાનું ? જે લોકો એડલ્ટ નથી એને સેક્સ એજ્યુકેશનની જરૂર નથી ? કે જે લોકો જોવા જાય છે એમનું આ એજ્યુકેશન બાકી રહી ગયું હતું ?

*** 

ન્યુઝ
ફિલ્મસ્ટાર અક્ષયકુમારે વરસો પછી ભારતનું નાગરિકત્વ સ્વીકાર્યું.

નુક્તેચિની
લો બોલો ! અહીં ભાજપવાળા ફક્ત સોનિયાજીની પાછળ પડી ગયા હતા કે વરસો સુધી તે ઇન્ડિયન સિટિઝન કેમ નહોતાં બન્યાં !

*** 

ન્યુઝ
આણંદના કલેક્ટરને હની ટ્રેપમાં ફસાવવામાં મહિલા એડિશનલ કલેક્ટરનું નામ બહાર આવ્યું.

નુક્તેચિની
પેપર-લીક કૌભાંડ પછી આ ત્રીજો કિસ્સો છે જેમાં ફરિયાદી જ આરોપી નીકળે છે !

*** 

ન્યુઝ
મણિપુરમાં કુકી આદિવાસીઓ મૈતેઇ ગામોનાં નામો બદલી રહ્યા છે.

નુક્તેચિની
જોયું ? કુકી લોકો પણ ભાજપ પાસેથી નવું નવું શીખી રહ્યા છે !

*** 

ન્યુઝ
ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ પોલીસના જ કર્મચારીઓને દંડ થઈ રહ્યો છે.

નુક્તેચિની
આ તો સારું છે કે આવી ઝુંબેશ નશાબંધી વિભાગે શરૂ કરી નથી ! નહિતર…

***

- મન્નુ શેખચલ્લી

Comments