ચાંદ, ક્રેડિટ અને ગાયનો !

ભારતનું ચંદ્રયાન-૩ સફળતાપૂર્વક ચંદ્ર ઉપર ઉતર્યું એમાં તો ક્રેડિટ લેનારાઓ અંદરો અંદર બાખડી પડ્યા છે ! કોંગ્રેસીઓ કહે છે કે જવાહરલાલે છેક 1962માં પ્રેરણા આપી એટલે આ થયું.. અને ભક્તો કહે છે સાહેબે હિંમત વધારી એટલે જ ડંકો વાગ્યો !

આમાં અમુક તો ‘પ્રોજેક્ટમાં હું પણ હતો…’ જેવા જાનેયાઓ ફૂટી નીકળ્યા છે ! આમાં ને આમાં ફિલ્મી ગાયનોની પથારી ફરી ગઈ છે ! સાંભળો…

*** 

બધા પોતપોતાના નેતાને ‘પ્રેરણામૂર્તિ’ ગણાવવા માટે ચંદ્ર પાસે જ સિફારીશ માગી રહ્યા છે...

‘ચાંદ સિફારીશ જો કરતા હમારી, 
દેતા વો મિડીયા કો બતા ! 
શર્મો હયા ગઈ ભાડ મેં, 
મેરા નેતા હી બડા !’

*** 

આમાં બન્ને પાર્ટીવાળા ‘ફેક્ટ-ચેક’ કરવા માટે કૂદી પડ્યા છે ! એ લોકો ડાયરેક્ટ ચંદ્રનો જ હવાલો આપતાં કહે છે :

‘મૈ ને પૂછા ચાંદ સે, 
કે દેખા હૈ કહીં ? 
ઉસ સે જુઠા કોઈ કહીં ? 
ચાંદ ને કહા ટ્વિટર કી કસમ… 
નહીં ! નહીં ! નહીંઈંઈં !!’

*** 
ક્રેડિટ માટેની જે ખેંચમતાણી પૃથ્વી ઉપર ચાલી રહી છે એની બિચારા ચંદ્રને તો કશી ખબર જ ના હોય ને ? એટલે જ કોઈ કવિએ ગાયું છે કે…

ચાંદ કો ક્યા માલુમ ? 
ચાહતા હર કોઈ ઉસ કી ક્રેડિટ ! 
વો બેચારા દૂર સે દેખે, 
કરે ના કોઈ કોમેન્ટ ! હોઓઓ…’

*** 
તમામ કેમેરાએ ચંદ્ર તરફથી મોં ફેરવી લીધાં છે… બિચારું વિક્રમ રોવર ત્યાં એકલું એકલું આંટા મારી રહ્યું છે… અને કાળા ડિબાંગ આકાશમાં તારાઓ સમૂહમાં ગણગણી રહ્યા છે :

ચંદામામા સો ગયે, 
ચમચે સારે જાગે ! 
સોશિયલ મિડીયા પે ધમાધમ, 
ક્રેડિટ હરકોઈ માંગે ! 
એક કહાની ખતમ તો દૂજી, 
બના રહી હમેં મામૂ !! ઓ મા…મૂ…’

*** 

ચંદ્રયાનની ક્રેડિટ લઈને હવામાં ઊડી રહેલા નેતાઓને હવે પ્રજાએ કહેવું પડશે કે…

નેતા રે નેતા રે… 
કભી તો જમીં પર આ ! 
બૈઠેંગે… (ચાય પે) બાતેં કરેંગે !’

***

- મન્નુ શેખચલ્લી

Comments