સ્ત્રી અને પુરુષ... ખુશીનું સિક્રેટ !

પુરુષોને શામાંથી ખુશી મળે છે ? સ્ત્રીને ખુશ રાખવી હોય તો શું શું જોઈએ ? આ બધા અઘરા સવાલો છે, પણ સ્હેજ વિચારો તો જવાબો મળી શકે છે ! જુઓ…

*** 

સ્ત્રીને ખુશ થવા માટે…
8-10 નેકલેસ, બે ચાર ડઝન સોના-ચાંદીની બંગડીઓ, એકાદ ડઝન ડાયમન્ડ રીંગ્સ, 150-200 સાડીઓ, 500-700 ડ્રેસિસ, 300-400 મેચિંગ પર્સ, 60-70 મેચિંગ સેન્ડલ્સ… પ્લસ એ સૌ સાથે મેચ થાય તેવી એસેસરીઝ… અને 2-4 કાર, એક-બે બંગલા, એકાદ ફાર્મ હાઉસ, ડ્રાઈવર, નોકર, રસોઈયા, કામવાળીઓ… ગિફ્ટો, લક્ઝુરિયસ વેકેશન… હાઈ-ફાઈ રેસ્ટોરન્ટમાં ડીનર… વગેરે…

જ્યારે પુરુષને ?
1 બાટલી અને 2 દોસ્તારો મળે એટલે પત્યું !

*** 

સ્ત્રી ક્યારે ખુશીથી નાચી ઊઠે ?
જ્યારે ફેસબુકમાં ઢગલાબંધ લાઈક મળે, જ્યારે પાડોશણ એની સાડી જોઈને જલે, જ્યારે સાસુજીની બોલતી બંધ થઈ જાય, જ્યારે પાર્ટીમાં એની હેર-સ્ટાઈલનાં વખાણ થાય, અરે, જ્યારે બ્યુટિ પાર્લરવાળી એની સ્ક્રીનનાં વખાણ કરે !

અને પુરુષ ?
જ્યારે ક્રિકેટ મેચમાં ભારત પાકિસ્તાનને રસાકસીભરી મેચમાં છેક છેલ્લા બોલે હરાવે !! બસ…

*** 

સ્ત્રીને શેમાં મઝા પડે છે ?
શોપિંગ વખતે મળતા ડિસ્કાઉન્ટમાં, છાપાની કુપનથી મળતાં ઇનામમાં, શાકવાળા જોડે રકઝક કરીને લીધેલા એકસ્ટ્રા ધાણા-ફૂદીનામાં, પ્યાલા બરણીવાળી જોડે અડધો કલાક લમણાંફોડ કરીને લીધેલી એકસ્ટ્રા વાડકીમાં…

અને પુરુષને ?
તીખાં, તમતમતાં, ગર્રમાગર્રમ… 500 ગ્રામ દાળવડામાં !

*** 

સ્ત્રી ક્યારે જલસા કરે છે ?
હસબન્ડનો પગાર હાથમાં આવે ત્યારે, અને છોકરાંઓને વેકેશન હોય ત્યારે !

પુરુષોને ક્યારે જલસા હોય છે ?
સિમ્પલ. પત્ની પિયર ગઈ હોય ત્યારે !

***

- મન્નુ શેખચલ્લી

Comments