ગયા બુધવારે શરૂ કરેલી 2040ની ચંદ્રયાત્રા જ્યાં અટકી હતી ત્યાંથી ફરી આગળ શરૂ કરીએ ?
બન્યું એવું કે હજી આપણું સ્પેસ શટલિયું શૂન્યાવકાશમાં દાખલ થાય છે ત્યાં તો બગડી ગયેલી રીક્ષાની માફક ઝાટકા મારતું હાલક ડોલક થવા લાગે છે ! ત્યાં જ કર્કશ મહેસાણી લહેકામાં એનાઉન્સમેન્ટ થાય છે : ‘ભૈશાબ, કોઈને મૃત્યુંજયના જાપ કરતોં આવડ છ ?’
સ્પેસ શટલિયામાં છવાઈ ગયેલા સન્નાટાનો ભંગ કરતાં પેલી NRI ગુજરાતણ છોકરીનો અવાજ સૌને સંભળાશે : ‘ઓખ્ખેય ! નાવ વોટ ઇઝ ધીસ મિટુન્જાયા?’
આ બાજુ કાકા મોં બગાડીને કાકીના કાનમાં બળાપો કાઢશે : ‘સોનિયાજીની આત્માને કદી શાંતિ નહીં મળવાની !’
કાકી કાકાની કોમેન્ટની અવગણના કરીને ઘાંટો પાડશે : ‘સત્તર જાતનાં રિ-મિક્સ ગરબાની પેન-ડ્રાઈવો રાખો છો તો મૃત્યુંજયના જાપ સેવ કરીને રાખતાં શું ચૂંક આવતી હતી ?’
ત્યાં તો શટલિયાંનો પાઇલોટ સ્પીકરમાં ખુલાસો કરશે : ‘ડોન્ટ વરી… એ તો ફ્યુઅલમાં જરી કેરોસીનનો કચરો આઈ ગયેલો !’
સ્ટુલ પર બેઠેલા એકસ્ટ્રા પેસેન્જરો બબડાટ કરશે ‘અમદાવાદી આદતો કદી જવાની નહીં…’ રિઝર્વેશન કરાવીને બેઠેલા પેસેન્જરો બબડશે ‘ચીરીને રૂપિયા લે છે છતાં ધરાતા નથી ?’
ત્યાં તો પેલો ખમણ વેચવાવાળો ફોરેનર વચ્ચે પડશે : ‘નો ! નો ! ઇન્ડિયન સ્પેસ શટલ ચીપ હાય ! ઇસિલિયે ટો મંય અમેરિકા સે જાને કે બજાય ઇડર સે જાટા હાય !’
જાડી એર હોસ્ટેસ કાઠીયાવાડીમાં ટાપશી પુરાવશે : ‘હાચી વાત છે હોં ? આ ધોળિયાવ તો ચન્દ્ર ઉપર જલારામ ખમણની દુકાંનું ખોલીને બેઠા છે ! બોલો, હવે કાંઈ કે’વું છે ?’
આ બધી બબાલો વચ્ચે પેસેન્જરો જોશેકે બારીમાંથી કોઈ માણસ ખાખી સ્પેસ-સૂટમાં પાઇલોટના કાચ ઉપર ટકોરા મારી રહ્યો છે !
‘આ વળી શું બબાલ છે ?’ કોઈ પછશે. જવાબમાં એકાદ અનુભવી પેસેન્જર કહેશે ‘એ અમેરિકન સ્પેસ પોલીસ છે ! હવે પાઇલોટ પાસે પીયુસી માગશે… લાયસન્સ માગશે… અને પછી થોડું સેટિંગ પાડશે !’
‘કમાલ છે ? અમેરિકન સ્પેસ પોલીસ બી લાંચ લેતી થઈ ગઈ ?’
જવાબમાં કોઈ ગરવીલો ગુજરાતી કહેશે ‘બોસ, તમને ક્યાં ખબર છે? આપડા ગુજરાતીઓ છેક નાસામાં સેટિંગ પાડીને બેઠા છે !’
લેણાદેણી પત્યા પછી ફરી બે-ચાર ઝટકા પછી (હેન્ડલથી સ્ટાર્ટ કરવાને લીધી લાગે જ ને ?) શટલિયું ઉપડશે. ફરી ‘અંબે માત કી જય’ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્ !’ના પોકારો થશે.
એ પછી મુસાફરોના મનોરંજન માટે સામેના મોટા ડિજીટલ સ્ક્રીન ઉપર હિન્દી પિકચર શરૂ થશે જે હકીકતમાં તો AI વડે કોઈ હોલીવૂડની ફિલ્મમાં ત્યાંના હીરોને બદલે અક્ષયકુમારનો ફેસ ચિપકાવીને બનાવાઈ હશે. વચ્ચે વચ્ચે ‘જયસુખ ખમણ પ્લાઝા’ ‘નિર્મલ ઢોકળાં હટ’ અને ‘સુપર-ગુજ્જુ થેપલાં ફેન્ચાઈઝી’ વગેરેની જે ચંદ્ર ઉપર દુકાનો છે તેની જાહેરખબરો ચાલતી હશે.
એમાં વળી અક્ષયકુમારની પાયરેટેડ ડિજિટલ ડિસ્ક વારંવાર ચોંટવા માંડશે ! એટલે છેવટે કંટાળીને ‘પુનમની પ્યારી પ્યારી રાત’નું રિ-મિક્સ વાગવાનું (હા, બધાને માથે વાગવાનું) ચાલું થશે !
આમાં કાકાનું માથું પાકી જશે. એ કાકી ઉપર બગડશે. ‘આ તેં પાંચ પૂનમ ભરવાનું વ્રત લીધું ને, એમાં આ બધી હેરાનગતિ સહન કરવી પડે છે. બાકી, આડે દહાડે ગયા હોત તો કશો વાંધો હતો ?’
કાકી સામું ચોપડાવશે ‘બસ હોં, બસ ! આ તો પાંચ પૂનમ ભરવાનું નક્કી કર્યું એટલે તમે મને લઈને આયા. બાકી, કોઈ દહાડો ઇસરોમાંય લઈ ગયા છો. ચંદ્રના ચકડોળમાં બેસાડવા માટે ?’
'કંકોડાં બેહાડે ? એ ચકડોળ તો પેલા રિવરફ્રન્ટની ક્રુઝની બોટ માફક ક્યારનું બંધ થઈ ગયું ! કશું જાણતી ના હોય તો શું કામ બોલતી હશે ?’
આ બધી ચટર-પટરમાં વધુ એક મહેસાણી એનાઉન્સમેન્ટ થશે. ‘ભૈ હોંભળો ! આપડું શટલિયું હવ થોડી વારમોં ચંદ્રની ભ્રમણકક્ષામોં એન્ટર થશીં… એટલે હૌ પેશીંજરોને રિક્વેસ છ ક તમીં જે નાશ્તાના ડબ્બા ખોલી મેલ્યા છે, એ બંધ રાખજો ! નકર…’
હજી આ એનાઉન્સમેન્ટ પતે એ પહેલાં તો શટલિયું સ્પેસમાં અચાનક ભયંકર રીતે વાંકાચુકા ટર્ન મારવા લાગે છે ! પેસેન્જરોમાં બૂમાબૂમ મચી જશે. ‘અલ્યા આ શું થાય છે ?’
પેલો અનુભવી પેસેન્જર ખુલાસો કરશે : ‘બોસ, કંઈ નથી. આ તો વચમાં ઇન્ટર-પ્લાનેટ પોલીસ ચેકિંગ માટે ઊભેલી જોઈ હશે એટલે પાઇલોટે શોર્ટ-કટમાં ભગાવીને કલ્ટી મારી લાગે છે !’
‘તો હવે ? ચંદ્ર ઉપર પહોંચીશું કે નહીં ? ’
‘શી ખબર ?’
‘અલ્યા, કોઈની ઇન્ટર-પ્લાનેટમાં ઓળખાણ ખરીઈઈ?’
આ બધી અફરા-તફરીની વચ્ચે પેસેન્જરોના ખુલ્લા રહી ગયેલા નાસ્તાના ડબ્બામાંથી બહાર ઉછળી આવેલાં થેપલાં, ખાખરા, પાતરાં અને 120ના મસાલાનાં પાઉચો શટલિયાનાં શૂ્ન્યાવકાશને લીધે સૌને માથે ગરબાની સ્ટાઈલમાં ઘુમરી લઈ રહ્યાં છે… (એનો વિડીયો તમને 2040માં જ જોવા મળશે ! બોલો અંબે…)
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Hilarious.
ReplyDelete