15મી ઓગસ્ટે દેશનો 76મો જન્મદિવસ હતો પણ બોલો, કોઈએ બર્થ-ડે વિશ કરતાં એવું કહ્યું ખરું કે ‘દૂધો નહાઓ, પૂતોં ફૂલો… ?’
ખરેખર તો આપણે શુભેચ્છાઓ અને બહેતર શુભેચ્છાઓ કરવી જોઈએ ! જેમકે…
***
શુભેચ્છા કે…
દેશમાં આ વરસે રમખાણો ના થાય.
બહેતર શુભેચ્છા કે…
રમખાણો થાય તો ભલે થાય પણ એમાં ઇન્ટરનેટ બંધ ના થઈ જાય !
***
શુભેચ્છા કે…
રૂપિયો ડોલર સામે ગગડી ના જાય.
બહેતર શુભેચ્છા કે…
રૂપિયો ગગડે તો ભલે ગગડે પણ આપણે જે શેર લીધા છે તેના ભાવ શેરબજારમાં ના ગગડી જાય !
***
શુભેચ્છા કે…
ઇન્ડિયાની ટીમ વર્લ્ડ-કપ જીતી જાય.
બહેતર શુભેચ્છા કે…
ઇન્ડિયન ટીમ વર્લ્ડ-કપ જીતે કે ના જીતે, પણ બોસ જે ગેમિંગ એપ્સ રોજના બબ્બે કરોડનાં ઇનામો આપે છે એની ઉપર લાગેલો 28 ટકા GST હટી જાય ! (તમે સમજો, કેટલી બધી ‘રાષ્ટ્રીય બચત’ થાય ?)
***
શુભેચ્છા કે…
ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ના ફાટી નીકળે.
બહેતર શુભેચ્છા કે…
યુદ્ધ ભલે ફાટી નીકળે (સોશિયલ મિડીયામાં તો દેશભક્તિ પ્રગટ કરવાની મજા પડી જશે) પણ એના કારણે જે સસ્તી ચાઇનિઝ વસ્તુઓ મળે છે એ ક્યાંક બંધ ના થઈ જાય !
***
શુભેચ્છા કે…
ભારત વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જાય.
બહેતર શુભેચ્છા કે…
એ બધી આંકડાબાજીઓ છોડો, આપણે એવું રાખો કે સૌના પગાર ડબલ થઈ જાય.. અને કામ અડધું થઈ જાય ! બોલો, ખોટી વિશ છે ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment