નવા જન્મસિદ્ધ અધિકારો !

'સ્વરાજ્ય મારો જન્મસિધ્ધ અધિકાર છે' એવું બાળગંગાધર તિલક કહી ગયેલા. પરંતુ સ્વરાજ્યના 75 વરસ પછી આપણી પાસે અમુક નવા અને મજેદાર જન્મસિધ્ધ અધિકારો છે ! જુઓ...

*** 

દસ પાણીપુરી ખાધા પછી અગિયારમી કોરી પાણીપુરી ફ્રીમાં ખાવી એ તમામ બહેનોનો જન્મસિધ્ધ અધિકાર છે.

*** 

ફક્ત 250 ગ્રામ શાક કેમ ના લીધું હોય ? એની ઉપર 50 ગ્રામ ધાણા-ફૂદીનો માગવો એ પણ બહેનોનો જન્મસિધ્ધ અધિકાર છે !

*** 

માવો ખાધા પછી ગમે ત્યાં થૂંકવો ઇ કાઠીયાવાડીનો જન્મસિધ્ધ અધિકાર છે. (ગમે ત્યાં જ થૂંકાય ને ! નો ગમે ત્યાં કોણ થૂંકે ?)

*** 

નવરાત્રિ વખતે BMW કે જેગુઆર લઇને ફરતા હો તો પણ ગરબા માટે ફ્રી પાસ માગવા એ દરેક ગુજરાતીનો જન્મસિધ્ધ અધિકાર છે.

*** 

મેરેજ રિસેપ્શનમાં સહકુટુંબ 1200 રૂપિયાની ચાર પ્લેટ ઝાપટી જવા છતાં માત્ર 501નો ચાંલ્લો કરવો એ... બોલો, છે જ ને !

*** 

અજાણ્યા સાથે ઝગડો થાય ત્યારે પોતાની ઓળખાણ આપ્યા વિના જ 'હજી તું મને ઓળખતો નથઈઈઈ...' એવું વારંવાર કીધે રાખવું એ પણ... જન્મસિધ્ધ અધિકાર છે. બોસ !

*** 

અને ટ્રાફિક પોલીસ પકડે ત્યારે 500 રૂપિયાનો મામૂલી દંડ ભરી દેવાને બદલે 75000ના આઈ-ફોનમાં નંબર લગાડીને 'આપડી ઓળખાણ છે' એવો દેખાવ કરવાનો પણ જન્મસિધ્ધ અધિકાર છે !

*** 

બાકી, સોશિયલ મિડીયામાં ગમે તે વ્યક્તિને ભૂંડી ગાળો દેવાનો આપણો જન્મસિધ્ધ અધિકાર છે, તેની તો આ સ્માર્ટ ફોન આવ્યા પછી જ આપણને ખબર પડી ! (બંધારણમાં એને જ 'વાણી-સ્વાતંત્ર્ય' કીધું છે !)

બોલો, આઝાદી ઝિન્દાબાદ.

***

- મન્નુ શેખચલ્લી

Comments