પત્રિકા-યુધ્ધના બોધપાઠ !

ગુજરાત ભાજપમાં ખાનગી ધોરણે ચાલેલા પત્રિકા-યુદ્ધ પછી મોટાં માથાંઓનો ભોગ લેવાઈ ચૂક્યો છે. પરંતુ આના પછી સૌએ બોધપાઠ શું લેવા જેવો છે ? સાંભળો અમારું જ્ઞાન…!

*** 

બોધપાઠ (1)
આ દેશમાં જાહેર પત્રકારત્વ ઉપર કોઈ જાતની સેન્સરશીપ નથી એમ માનવા છતાં ખાનગી પત્રિકાનું પત્રકારત્વ કરવાની શી જરૂર  હતી ?

*** 

બોધપાઠ (2)
તમે પેપરલીક કરશો તો કદાચ પકડાઈ જશો પરંતુ કૌભાંડની માહિતી મિડીયામાં લીક કરશો તો પકડાઈ જવાના ચાન્સ હજી પણ ઓછા છે.

*** 

બોધપાઠ (3)
પત્રિકા કોણે વહેંચી ? પેન-ડ્રાઇવ ક્યાંથી ખરીદાઈ ? કવરો ક્યાંથી ટપાલમાં નંખાયા ? આખું કાવતરું કોણે ઘડ્યું ?... આવા સવાલો પૂછાતા રહેશે પણ નાણાંનું કૌભાંડ શું હતું ? એવા સવાલો હજી નથી પૂછાતા ! કદાચ પૂછાશે પણ નહીં !

*** 

બોધપાઠ (4)
પત્રિકા યુદ્ધ શરૂ કરતાં પહેલાં આજકાલનું પત્રકારત્વ શીખી લેવું જરૂરી છે. થોડું ગોદી-મિડીયા પાસેથી શીખો, થોડું એન્ટિ-મિડીયા પાસેથી શીખી લેવું.

*** 

બોધપાઠ (5)
પોલીસની સ્પેશીયલ ટીમે જે રીતે કામગીરી બજાવી તેના ઉપરથી બોધપાઠ લેવાનો કે પક્ષવિરોધી પ્રવૃત્તિ હવે આતંકવાદી પ્રવૃત્તિ જેટલી જ ખતરનાક ગણાય છે.

*** 

બોધપાઠ (6)
કર્મણ્યે વાધિકારસ્તુ, મહાફલેષુ કદાચિનઃ 
અર્થાત હે કાર્યકર, તારો અધિકાર માત્ર પાર્ટી ફંડ ભેગું કરવા ઉપર જ છે. જે લોકો ઘરભેગું કરે છે તેની ઉપર નહીં !

*** 

બોધપાઠ (7)
હજી સમજો… જીવતો નર ભદ્રા પામે ! પાર્ટીમાં ટકી રહેશો તો તક જરૂર મળશે. (ફંડ ફેરવવાની ! તમે શું સમજ્યા, લોકોની સેવા કરવાની?)

***

- મન્નુ શેખચલ્લી

Comments