અમુક સમાચારો એવા હોય છે એમાંથી આપણે માત્ર સાર જ લેવાનો હોય છે ! જેમકે…
***
સમાચાર
રાહુલ ગાંધીએ સંસદમાં મહિલાઓ સામે ‘ફ્લાઇંગ કિસ’ કરી એવો આરોપ મુકતાં સ્મૃતિજી ગુસ્સાથી ધણધણી ઉઠ્યાં.
સાર
આ તો થવાનું જ હતું કેમકે એક તરફ મહોબ્બતની દુકાન છે, તો બીજી તરફ નફરતની દુકાન છે !
***
સમાચાર
ગુજરાત બીજેપીમાં પત્રિકા કાંડ બહાર આવ્યા પછી મહામંત્રીશ્રીનું રાજીનામું લઈ લેવામાં આવ્યું.
સાર
પેપર લીક કાંડનું અહીં પુનરાવર્તન થયું. જે ફરિયાદી હોય તેને જ આરોપી બનાવી દેવામાં આવે તેવી આ નવી પોલીસી આવી છે !
***
સમાચાર
તથ્યનું ડ્રાઇવિંગ લાયસન્સ હંમેશા માટે રદ થયું.
સાર
એનો અર્થ એ નથી કે તથ્ય ડ્રાઈવીંગ નહીં કરી શકે, કેમકે લાયસન્સ વિના વાહન ચલાવવાનો દંડ માત્ર 3000 રૂપિયા છે !
***
સમાચાર
મહિલા સાથે દુર્વ્યવહાર કરતા અધિકારીનો વિડીયો બહાર આવતાં તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરાયા.
સાર
આના કરતાં લાખોની લાંચ લેવી વધારે સેફ છે. પૂછી જોજો કોઈપણ સરકારી કર્મચારીને !
***
સમાચાર
નવરાત્રિને કારણે વર્લ્ડ-કપની ભારત-પાક મેચની તારીખ બદલાયા પછી પાકિસ્તાનને કોઈ વાંધો નથી.
સાર
તમે સમજો. પાકિસ્તાનની ટીમને એટલો જ ડર હતો કે આ લોકો અમને મોટેરાના મેદાનમાં ક્યાંક ગરબા ના રમાડી નાંખે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment