કોર્પોરેટ ઓફિસમાં કામચોરીની ટ્રિક્સ !

સરકારી નોકરીમાં તો ફક્ત ‘હાજરી’ ભરવાનો પગાર મળે છે ! ‘કામ કરવાના તો અલગથી રૂપિયા મળતા હોય છે !’
પરંતુ કોર્પોરેટ નોકરીઓમાં એવું નથી, એ લોકો તમારો કસ કાઢી નાંખે છે. તો એમાંથી બચવું શી રીતે ? વાંચી લો ટ્રિક્સ…

*** 

ટ્રિક (1)
કામ કરવું જરૂરી નથી, કામમાં બિઝી હોવાનો દેખાવ કરવો વધારે જરૂરી છે ! સતત ટેન્શનમાં, ઉતાવળમાં અને કામના ભારણમાં હોવાનો દેખાવ કરતો રહો.

*** 

ટ્રિક (2)
ફરિયાદ કરો ! રોજ કંઈ ને કંઈ ફરિયાદો કરતા જ રહો… પાર્કિંગનાં ઠેકાણાં નથી… એસી બરાબર નથી ચાલતું… વોટરકુલર બગડેલું છે… ચા-કોફી બહુ ભંગાર આવે છે… પટાવાળા આળસુ છે… જુનિયર સ્ટાફ કામ નથી કરતો… અને સૌથી બેસ્ટ ફરિયાદ, કોમ્પ્યુટરમાં ખરાબી છે.

*** 

ટ્રિક (3)
બોસ જ્યારે પણ કંઈ કામ સોંપે ત્યારે ઉપરની ફરિયાદો ચાલુ જ રાખો ! એમાંથી અડધી ફરિયાદો સોલ્વ કરવાની જવાબદારી બોસની જ હોય છે એટલે મોટે ભાગે અરજન્ટ કામ તો એ બીજા કોઈને જ સોંપશે ! તમને ના-છૂટકે અને લેસ અરજન્ટ કામ જ સોંપશે !

*** 

ટ્રિક (4)
કંઈપણ કામ સોંપાય ત્યારે સત્તર જાતના સવાલો કરો ! જે વાતની તમને ખબર હોય તેની પણ ‘ક્લેરિટી’ માટે સવાલો કરો ! અને જેની ના ખબર હોય એના વિશે જાતજાતની શંકાઓ ઊભી કરો ! તમારી કચકચથી કંટાળીને બોસ તમને ડાયરેક્ટ કેબિનમાં બોલાવીને કામ આપવાનું બંધ કરી દેશે !

*** 

ટ્રિક (5)
કારણો નહીં, બકરાઓ તૈયાર રાખો ! ‘આમ થયું એટલે બરાબર ના થયું’ એવું નહીં… બલ્કે, ‘ફલાણાએ આમ ના કર્યું એટલે જ આમ થયું !’ એ જ સાચી ‘ખો’ સિસ્ટમ છે !

*** 

ટ્રિક (6)
આવું બધું કરવાથી તમને હંમેશાં ઓછું અરજન્ટ, ઓછી જવાબદારીવાળું અને ઓછા કોમ્પ્લીકેશનવાળું કામ જ મળશે ! હવે આ કામ શી રીતે કરવાનું છે ? વાંચો ટ્રિક નંબર (1) !

***

-મન્નુ શેખચલ્લી

Comments