રજનીકાંતની સફળતાનું સિક્રેટ... 169માંથી 50 રિ-મેક !

સાઉથના સુપરસ્ટાર રજનીકાંત આજે 72 વરસની ઉંમરે પણ યુવાન હીરોના જ રોલ કરે છે ! છતાં એ જ્યારે જ્યારે જાહેરમાં દેખાય છે ત્યારે એમની ચામડીનો કલર 100 ટકા ગેરંટીથી ગમે એટલી વાર ધોવા છતાં નહીં જાય એવો પાક્કો દેખાય છે ! એટલું જ નહીં, માથા ઉપરની તમામ ખેતી સાફ થઈ ગઈ છે ! છતાં મેકપ સાથે પરદા ઉપર આવે છે ત્યારે કોઈ એમ નથી કહેતું કે બુઢ્ઢા હોગા તેરા બાપ !

સાલું, એવું તે શું સિક્રેટ છે આ સુપરસ્ટારની સફળતાનું ? તો બોસ, ગયા સોમવારે તો અમે થોડું પેપર ફોડી જ નાંખ્યું હતું કે રજનીકાન્તે બચ્ચન સાહેબની જ 11 ફિલ્મો રિ-મેક માટે ઉઠાવી લીધેલી હતી ! રજની સરની સકસેસનું બીજું સિક્રેટ એ છે કે એમની 169 ફિલ્મોમાંથી 50 જેટલી ફિલ્મો તો બીજી ભાષામાંથી ઉઠાવીને બનેલી રિ-મેક છે ! બોલો. હવે બચ્ચન-સિરીઝ જુઓ...

(8) ખૂન પસીના બન્યું 'સિવા'

અમિતાભ બચ્ચન, રેખા, વિનોદ ખન્નાવાળી આ ફિલ્મનો પેલો સીન યાદ છે ?  જ્યારે વિલન પૂછે છે 'કૌન હૈ શિવા ?' ત્યારે મજદૂરોના ટોળામાં ઉભેલા એકસ્ટ્રા કલાકારો વારાફરતી બોલવા લાગે છે : 'મૈ હું શિવા... મૈં હું શિવા...' છેલ્લે આપણા બોસ બચ્ચન સાહેબ ઘેઘુર અવાજે બોલે છે : 'મૈં હું શિવા !' (તાલિયાં... તાલિયાં...) 

રજની સરે આ જ સીન ઉપરથી ફિલ્મનું નામ રખાવ્યું હશે 'સિવા' ! હવે એમ નહીં પૂછવાનું કે 'શિવા'નું 'સિવા' 'સી' રીતે, આઈ મિન 'શી' રીતે થઈ ગયું ? બોસ, એટલું સમજી લો કે સાઉથવાળા 'શ'નું 'સ' કરી નાંખે છે અને 'ત'નો 'થ' કરી નાંખે છે ! (જેમકે 'જયલલિ...થા !')

આ ફિલ્મમાં અમિતાભે વાઘની સાથે ફાઇટ કરતી વખતે જે બ્રાઉન કલરનું ચામડાનું જાકિટ પહેરેલું એવું જ જાકિટ... તમે સમજી ગયા ને ?

(9) લાવારિસ બન્યું 'પનક્કારન'

આમાં સૌથી પહેલો સવાલ તો એ જ થાય કે યાર, 'મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ'વાળા ગાયનમાં રજની સર જુદી જુદી ટાઈપની 'બીવી' બન્યા હશે તો કેવા લાગતા હશે ? પણ અહીં રજની સર ટોપી ફેરવી ગયા ! જાડી, લાંબી, ઠીંગણી એવી વિવિધ સાઇઝ અને શેપની પત્નીઓ બનવાને બદલે એકાદ વાર જાડિયો અને એકાદ વાર લંબૂ બનીને ગાયનનો વીંટો વાળી દીધો છે ! તમે જ કહો, આ તો ના ચાલે ને ? 
બાય ધ વે, ખૂન પસીના અને લાવારિસ બન્ને ફિલ્મો ઓરીજીનલ પ્રકાશ મહેરાની ! અને હા, બન્ને કાદર ખાને લખેલી ! ટુંકમાં કાદર ખાનની સ્ટોરીની આ ચોથી ચોરી ! (ગણતા જ જાવ, તમે !)

(10) અમર અકબર એન્થની બન્યા 'રામ રોબર્ટ રહીમ'

કાદર ખાનની આ પાંચમી સ્ટોરીની ઉઠાંતરી ! અને મનમોહન દેસાઈની બીજી ! (તમે જુઓ, રજનીકાંતની નજર હંમેશાં કેવી 'લગડી' આઇટમો ઉપર જ પડતી હતી !) 

આ ફિલ્મનાં ગાયનો તમે યુ-ટ્યુબમાં ખોલીને જોવા બેસશો તો બોસ, ચોંકી જ જશો ! કેમકે 'માય નેમ ઇઝ એન્થની'ને બદલે 'રોબર્ટ ગોન્સાલ્વિઝ' તો કર્યું જ છે પણ એ જ મોટું લાકડાનું ઈંડું, એ જ આફ્રિકન બોંગો વગાડતું ચિત્ર, એ જ પરવીન બાબી અને બચ્ચનનું સામસામે સ્લો-મોશનમાં દોડવું અને... ઊભા રહો, હિન્દીમાં જે પરવીન બાબીનો મંગેતર બનેલો એ એકટર પણ એ જ કપડામાં રાખ્યો છે ! 

એવી જ રીતે 'પરદા હૈ પરદા' ગાયન જુઓ તો બોસ, શોટ બાય શોટ કોપી છે ! પણ હા... મોટામાં મોટો ફરક શું છે, ખબર છે ? રજની સર અમરનો રોલ કરે છે ! (એન્થનીનો નહીં) 

એટલે સ્વાભાવિક છે કે અમર અને એન્થનીની ફાઇટમાં અમર જ બહુ માર ખાય અને પછી અરીસામાં જોઈને દવા લગાડવાનો કોમેડી સીન પણ રજની સર જ કરે ને ? આને કહેવાય નકલમાં અક્કલ !

(11) ત્રિશુલ બને છે 'મિ. ભારથ'

હવે તો તમે સમજી જ ગયા હશો કે 'ભારથ' એટલે ભારત ! રાઇટ ? પણ અગેઇન, સલીમ- જાવેદની ચોથી સ્ક્રીપ્ટની ઉઠાંતરી ! (મિત્રો, હવે તો માનો છો ને કે  '70 અને '80ના દાયકામાં કોઈને પણ ચોરી કરવાનું મન થઈ જાય એટલે 'સારી' હિન્દી ફિલ્મો બનતી હતી ! ) 

તમને યાદ હશે કે અમિતાભ સંજીવકુમારની જમીન ગુન્ડાઓના કબજામાંથી ખાલી કરાવવા માટે એમ્બ્યુલન્સ લઈને જાય છે એ સીન આખી ફિલ્મ બની ગયા પછી પાછળથી ઉમેરવામાં આવ્યો હતો. પણ રજની સરને તો રેડી-મેઇડ મસાલો મળી ગયો ને ?

છતાં, સંજીવકુમારની એપોઇન્ટમેન્ટ લેવા માટે પોતે CBI ઓફિસર છે એવું ગપ્પું મારીને કેબિનમાં ઘૂસ મારે છે, એવો 'નજીવો' ફેરફાર રજની સરે કરાવ્યો હતો ! (જે ત્યાર બાદ 'ત્રિશુલ'ની મલયાલમ નકલ બની ત્યારે પણ 'નકલની અક્કલ' જેમની તેમ રાખવામાં આવી હતી.) અને હા, એ હિસાબે ગણો તો સલીમ-જાવેદની સ્ટોરીની વધુ એક 'ચોરીની પણ ચોરી' !

જોયું ? રિ- મેક પણ બનાવતાં આવડવી જોઈએ ! આજે બોલીવુડ સાઉથની રિ-મેક કરવા તો જાય છે પણ ઊંધે માથે પછડાટ ખાય છે. જોકે રજનીકાંત માત્ર રિ-મેકના જોરે સુપરસ્ટાર નથી બન્યા...

હવે રજની સરનો આંકડાનો હિસાબ પણ સમજી લો. એમની 169 ફિલ્મોમાંથી માત્ર 49 ફિલ્મો ફ્લોપ થઈ છે ! જેમાંથી 7 તો હિન્દીમાં બની હતી ! જેમકે ત્યાગી, આતંક હી આતંક, ગંગવા, ભગવાનદાદા, મેરી અદાલત વગેરે... હવે તમે જ કહો, 'ઇન્સાફ કૌન કરેગા'? સાઉથનું ઓડિયન્સ કે હિન્દી ફિલ્મનું પબ્લિક ?

***

- મન્નુ શેખચલ્લી

E-mail :mannu41955@gmail.com

Comments