એક સમાચાર, એક મમરો !

કેટલાક સમાચાર એવા હોય છે કે એની ઉપર મમરો મુક્યા વિના ચેન નથી પડતું ! દાખલા તરીકે…

*** 

સમાચાર
ફ્રાન્સની પરેડમાં ‘સારે જહાં સે અચ્છા’ વગાડવામાં આવ્યું.

મમરો
લોચો માર્યો ને ? હવે ત્યાંના શરણાર્થીઓ ભારતમાં ઘૂસવાનો વિચાર કરવા લાગશે તો ?

*** 

સમાચાર
અજીત પવારને આખરે નાણાં ખાતું સોંપવામાં આવ્યું.

મમરો
એ તો એમ જ હોય ને ! બાકી ‘અજીત પવારને નાણાં આપ્યાં’ એવું કહે તો કેવું લાગે ?

*** 

સમાચાર
ભારતનું ચંદ્રયાન ચંદ્રની ધરતીનાં રહસ્યો ખોલશે.

મમરો
એકાદ યાન એવું પણ બનાવો જેનાથી વારંવાર ધોવાઈ જતા રોડ અને ગમે ત્યારે તૂટી પડતા પૂલોનું રહસ્ય પણ ખુલી શકે !

*** 

સમાચાર
દિલ્હીના લગભગ તમામ વિસ્તારોમાં પુરના પાણી ફરી વળ્યાં છે.

મમરો
જુઓને, ‘ગુજરાતમાં’ ‘નલ સે જલ’ યોજના ફ્લોપ થઈ ગઈ અને દિલ્હીમાં ‘જમુના સે જલ’ યોજના હિટ થઈ ગઈ !

*** 

સમાચાર
OTT ઉપરથી અશ્ર્લીલ કન્ટેન્ટ હટાવી લેવા માટે નોટિસ પાઠવવામાં આવી છે.

મમરો
જલ્દી કરો ! જોવાલાયક લાગે તે હમણાં જ જોઈ લો… પછી કહેતા નહીં કે કીધું નહોતું !

*** 

સમાચાર
હોલીવૂડમાં છેલ્લા બે મહિનાથી લેખકો હડતાલ ઉપર છે.

મમરો
બોલીવૂડમાં તો છેલ્લા ચાર વરસથી લેખકો હડતાલ પર હોય એવું લાગે છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments