નવો ટામેટાં મુશાયરો !

કવિ અને ટામેટાંનો શું સંબંધ છે ? સૌ જાણે છે કે સડેલી કવિતાને બહુ ઝડપથી સડેલાં ટામેટાં આકર્ષી લેતાં હોય છે !
પરંતુ આજે જ્યારે ટામેટાંનો ભાવ 100 રૂપિયાની વિક્રમી ટોચે પહોંચ્યો છે ત્યારે કવિને શું કહેવું છે ?

*** 

એક રોમેન્ટિક મિજાજના કવિએ તાજી જ રચના કરી છે :

ચમકતો રંગ, નાજુક મિજાજ
આજે શું ભાવ માગે છે !
આ ટામેટાં છે કે પ્રિયતમા ?
સરકારી તપાસ માગે છે !

*** 

બીજા એક કવિ ખાલી ખિસ્સે આવ્યા છે છતાં એમનો ફાંકો તો જુઓ ?...

વૈભવ હજી સલામત છે
આ મોંઘવારીમાં…
મારા ઘરના ફ્રીજમાં
હજી બે ટામેટાં છે !

*** 

જોકે આ કવિને હાલની સ્થિતિ બહુ નિરાશાજનક લાગે છે ! સાંભળો…

ધોરણ નથી રહ્યું
મુશાયરામાં દાદનું…
પહેલાં હતાં ડઝનભર
આજે બે ટામેટાં ય નથી !

*** 

જોકે હવે પછી જે કવિ આવી રહ્યા છે એમણે આ સમસ્યાનો તોડ જાતે જ શોધી રાખ્યો છે ! સાંભળજો…

તમારી દાદની પરવા નથી
ખુમારી તેજ રાખું છું,
જો ટામેટાં પણ ખૂટી પડે
તો ખિસ્સામાં સોસ રાખું છું !

અને…

શ્વાસમાં ભરું છું ઓક્સિજન
પંક્તિ લાલચોળ નીકળશે !
લોહી ચકાસી જોઈ લો
ટામેટાંનો સોસ નીકળશે !

*** 

છેલ્લે આવનાર કવિની વ્યથા પણ સાંભળી લેજો…

એકના વિરહમાં
બીજું ઝૂરે છે તાપમાં
ટામેટાંના અભાવે
આજે સેવ ગણાય છે શાકમાં !

***

- મન્નુ શેખચલ્લી

Comments