કોમન સિવિલ કોડ બાબતે દેશમાં જ્યારે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે અમુક લોકો આખી વાતને સિરિયસલી લેવા જ નથી માગતા ! જુઓ…
***
ગુજરાતના અમુક સોમ-રસ પીનારાઓની માગણી છે કે દારૂના મામલે પણ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને બીજાં રાજ્યોનો જ કાનૂન રાખો ને !
- એક દેશ, એક કાનૂન…
***
ભારતમાં જે ‘લગ્ને લગ્ને કુંવારા’ ટાઈપના પુરુષો છે એમની વળી અલગ જ ડિમાન્ડ છે. એમનું કહેવું છે કે ચાર-ચાર પત્નીઓ કરવાનો હક બધાને આપો !
- એક દેશ, એક કાનૂન…
***
દહેજ-પ્રતાડના બાબતે તો કાનૂન છે જ, જે મહિલાને રક્ષણ આપે છે. પણ પત્ની દ્વારા પ્રતાડિત પતિઓનું શું ? એમની પણ માગણી છે કે…
- એક દેશ, એક કાનૂન…
***
વારસાઇ હક્ક અને મિલકતમાં ઘરની પૂત્રવધુને સમાન હક્ક મળવો જોઈએ એની ના જ નથી, પણ સાસરિયામાં ‘ઘરજમાઈ’ બનીને રહેતા પુરુષનો પણ એટલો જ હક્ક ખરો કે નહીં ?
- એક દેશ, એક કાનૂન…
***
છૂટાછેડા પછી ભરણપોષણની રકમ પતિ જ આપે એવું થોડું હોય ? કામધંધા વિનાના બિચારા પતિને પત્નીએ પણ ભરણપોષણ (ભલે બાટલી મટે) આપવું જોઈએ ને !
- એક દેશ, એક કાનૂન…
***
જો ટ્રાફિક નિયમનો ભંગ કરો તો ઈ-મેમો છેક ઘરે આવી જાય છે. પણ બોસ, જ્યારે આખેઆખો પૂલ તૂટી પડે ત્યારે કોન્ટ્રાક્ટરને ‘બેસણાં’ માટે તો બોલાવો ?
- એક દેશ, એક કાનૂન…
***
અને જો કાર્ટુન ‘દોરો’ તો દેશદ્રોહની સજા, પણ જે ખુદ ‘કાર્ટુન’ હોય એને કંઈ નહીં ?
- એક દેશ, એક કાનૂન…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment