‘એક દેશ, એક કાનૂન’ ચાલ્યું છે ત્યારથી ગુજરાતીઓ દારૂ બાબતે પણ એક જ કાનૂનની માગ કરી રહ્યા છે.
પણ એ છોડો, નવી અર્બન ગુજરાતી ફિલ્મો અને જુની દેશી ગુજરાતી ફિલ્મોમાં દારૂના સીનોમાં શું ફરક હોય છે ? જાણવા જેવું છે, બોસ…
***
જુની ગુજરાતી ફિલ્મોમાં…
હિરોઇન દગો કરી જાય, હિરોનું દિલ તૂટી જાય ત્યારે તે દારૂ પીએ છે અને ટ્રેજેડી સોંગ ગાય છે.
નવી ગુજરાતી ફિલ્મોમાં…
હિરોનું બ્રેક-અપ થઈ જાય તો એના ભાઇબંધો એને દારૂ પીવડાવે છે ! અને ઉપરથી જોક્સ મારે છે !
***
જુની ગુજરાતી ફિલ્મોમાં…
વિલન શાનદાર બંગલામાં દારૂ પીને હા… હા… હા… એવા અવાજો કરીને અટ્ટહાસ્યો કરે છે.
નવી ગુજરાતી ફિલ્મોમાં…
હિરો સાથે એના દોસ્તો ઘરના ધાબા ઉપર જ મહેફિલ જમાવે છે ! અને હીહીહી… કરીને ફાલતુ જોક્સ પર હસે છે !
***
જુની ગુજરાતી ફિલ્મોમાં…
જો બાપ દારૂડિયો હોય તો દારૂ પીને પત્ની અને બાળકોને મારે છે.
નવી ગુજરાતી ફિલ્મોમાં…
બાપ પોતે દિકરાને ‘સારામાંનો દારૂ’ પીવાની સલાહ આપે છે !
***
જુની ગુજરાતી ફિલ્મોમાં…
હીરોની દારૂની લત છોડાવવા માટે હિરોઇન ભરસક પ્રયત્નો કરે છે.
નવી ગુજરાતી ફિલ્મોમાં…
હિરોઇન હીરોને ચોંકાવી દેવા માટે પોતે બે-ત્રણ પેગ મારી જાય છે !
***
જુની ગુજરાતી ફિલ્મોમાં…
એક ફિલ્મ હતી ‘મહેંદી રંગ લાગ્યો’… જેમાં દારૂ કેટલો ખરાબ છે તેવું બતાડ્યું હતું.
નવી ગુજરાતી ફિલ્મોમાં…
‘રોંગ સાઇડ રાજુ’ નામની ફિલ્મમાં હીરો પોતે જ એક મામૂલી બૂટલેગર છે ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment