મણિપુરના એક વિડીઓએ દેશમાં જબરદસ્ત રાજકીય ભૂકંપ લાવી દીધો છે ! હજી પણ એના હળવા આફ્ટર-શોક ચાલુ જ છે ! જુઓ…
***
મણિપુરની ઘટનાને 80 દિવસ થઈ જવા છતાં વડાપ્રધાનશ્રીએ કેમ મૌન ધારણ કરી રાખ્યું છે ?
- એ જરૂર બોલ્યા હશે, પણ ‘મન કી બાત’ સાંભળી શકાય એવા કાન કંઈ બધા પાસે થોડા હોય ?
***
મણિપુરમાં ફરીથી ઈન્ટરનેટ ઉપર પ્રતિબંધ મુકી દેવાયો.
- સીધી વાત છે. મણિપુરમાં નવા તોફાનો ફાટી નીકળે એ ચાલશે પણ લોકસભામાં નવું તોફાન ના થવું જોઈએ !
***
મણિપુરમાં બનેલી ઘટનાના લગભગ બે મહિના પછી પોલીસ ત્યારે જ હરકતમાં આવી, જ્યારે તેનો વિડીયો વાયરલ થયો.
- આ તો હજી શરૂઆત છે. ભવિષ્યમાં પણ એવું થશે કે તમે પોલીસમાં ફરિયાદ કરવા જશો કે એકશન કેમ નથી લેવાયું ? તો જવાબ મળશે કે હજી એનો વિડીયો ક્યાં વાયરલ થયો છે ?
***
મણિપુરમાં ચોરાઈ ગયેલાં સરકારી હથિયારોમાંથી 90% પાછાં નથી આવ્યાં.
- લો બોલો ! અહીં પણ બેન્કો જેવું જ છે !
***
સરકારે જાહેર કર્યું છે કે વાયરલ થયેલા વિડીયોની ઘટનામાં જે કોઈ સંડોવાયેલા હશે તેમને કડકમાં કડક સજા કરવામાં આવશે.
- ખાસ કરીને એ લોકો, જેણે વિડીયો ઉતાર્યો અને એ લોકો, જેણે ફોરવર્ડ કર્યો !
***
મણિપુરમાં ફરી આવી ઘટના ના બને એ માટે સરકાર લાંબા ગાળાનાં પગલાં લેશે.
- જરૂર લેવાં જોઈએ. BSNLને કહો કે આખા રાજ્યમાં લેન્ડલાઈન, STD, PCOનું જડબેસલાક નેટવર્ક ઊભું કરે, જેથી મોબાઈલની જરૂર જ ના રહે ! ના રહેગા બાંસ, ના બજેગી બાંસુરી.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment