હોલિવૂડની હડતાલના તાલ !

હોલીવૂડના લેખકોની બે મહિનાથી ચાલતી હડતાલમાં હવે ત્યાંના કલાકારો પણ જોડાયા છે. અમારું માનવું છે કે આ હડતાલ વહેલી તકે બંધ થવી જોઈએ ! કેમકે…

*** 

જો હડતાલ ચાલુ રહેશે તો અમેરિકાના માસૂમ ટીન-એજરોને ખબર પડી જશે કે વોશિંગ્ટન ડીસી ઉપર હૂમલો કરનારાઓ આતંકવાદીઓ, પરગ્રહવાસીઓ કે દુનિયાને ખતમ કરી નાંખવા માગતા વિચિત્ર વિલનો નહીં…

બલ્કે ડોનાલ્ડ ટ્રમ્પના જ અમેરિકન સમર્થકો હતા !

*** 

ભોળી અમેરિકન પ્રજાને એ વાતની પણ ખબર પડી જશે કે અમેરિકાના શહેરોમાં જે સનસનાટીભર્યા શૂટ-આઉટ થતા હોય છે તે ગેંગસ્ટરો અને પોલીસો વચ્ચે નહીં…

… પણ દિમાગના ફરેલા ઘરનચક્કરો જ દેશના માસૂમ બાળકો અને નિર્દોષ નાગરિકોને મારી નાંખવા માટે હજી પણ કરી રહ્યા છે !

*** 

અરે, હોલીવૂડના પરાક્રમી ઇન્ટરનેશનલ બહાદૂરોની ફિલ્મો બનતી બંધ થશે તો... 

આખી દુનિયાને ખબર પડી જશે કે અફઘાનિસ્તાનમાં વીસ વરસ લગી અબજો ડોલરનાં નાણાં, હથિયારો, અને હજારો સૈનિકોનો ભોગ આપ્યા છતાં અમેરિકન લશ્કરે પોતાનું નાક કપાવીને ત્યાંથી ઉચાળા ભરવા પડ્યા હતા !

*** 

પરગ્રહવાસીઓ, ઝોમ્બિઓ અને વિચિત્ર મહાકાય પ્રાણીઓથી માનવજાતને બચાવવા માટે માત્ર અમેરિકનો જ લડે છે એવી ફિલ્મો બનતી બંધ થશે તો…

… બિચારી માનવજાત જાણી જશે કે કોરોના નામની એક જ બિમારી વડે આખા અમેરિકામાં પોણા છ લાખ માનવીઓ ટપોટપ મરી ગયા હતા ! ( જે વર્લ્ડ રેકોર્ડ છે ! )

*** 

અને હા, હોલીવૂડના રાઈટર્સ એસોસિએશનને પણ ભાન થયું જ હશે કે AI સામે લડવા માટે ‘મિશન ઇમ્પોસિબલ’નો ટોમ ક્રુઝ નહીં ચાલે…

- એના માટે તો હડતાલો જ પાડવી પડશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments