ડાયમંડ-ટામેટાંના શો-રૂમમાં !


જે રીતે ટામેટાંના ભાવ વધતા જાય છે એ જોતાં લાગે છે કે એક સમયે શહેરના પોશ એરિયામાં જેમ સોના-ચાંદીનાં ઘરેણાંના શો-રૂમ હોય છે એમ ટામેટાનાં શો-રૂમ હશે !
આવો, જરા એ શો-રૂમની મુલાકાત લઈએ…

*** 

‘વેલકમ સર ! વેલકમ મેડમ !’ તમે દાખલ થશો કે તરત એક સૂટ-બૂટવાળો સેલ્સમેન તમારું સ્વાગત કરતાં પૂછશે :
‘બોલો, શેમાં બતાડું ? હિમાચલમાં, હરિયાણામાં, મહારાષ્ટ્રમાં કે કેરળમાં બતાડું ?’ 

તમે કહેશો કે ‘ભાઈ, અહીં ગુજરાતમાં જ બતાડો ને ?’ 

તો એ કહશે ‘સર, ગુજરાતનાં ટામેટામાં તમને જોઈએ એવી શાઇનિંગ નહીં મળે. પ્રાઇસમાં પણ જરાક -’ 

તરત તમને સમજાઈ જશે. એટલે તમે કહેશો કે ‘ના ના, બેસ્ટ ક્વોલિટીમાં જ બતાડો.’ 

એટલે એ તમને અંદરની તરફ દોરી જતાં પૂછશે : ‘સર, તમને કઈ પ્રાઇસ રેન્જમાં ઇન્ટ્રેસ્ટ છે ? ઇન્વેસ્ટ માટે વિચારો છે કે જ્વેલરી પરપઝ માટે છે ?’

તમે પૂછશો કે ‘બેમાં ફરક શું છે ?’ 

તો કહેશે ‘સર, તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ડીપ ફ્રીઝરમાં અમારી પાસે ત્રણ લાખથી પાંચ લાખની રેન્જમાં છે. જેનું વેલ્યુએશન આવનારી બે સિઝનમાં છથી આઠ લાખ થઈ જશે.’ 

‘એવું ?’ તમને થશે કે સાલું, લોકો હવે ટનબંધ ટામેટાં ડીપ ફ્રીઝરમાં રાખવા લાગ્યા ?

ત્યાં તો સેલ્સમેન કહશે ‘જો તમારે જ્વેલરી માટે જોઈતાં હોય તો સર, રેડીમેઇડ ડિઝાઇનમાં જોઈએ કે છૂટકમાં ?’ 

‘એટલે ?’

‘ડિઝાઈનમાં તમને નેકલેસ, એરિંગ્સ, મુગટ વગેરેમાં રેડી-મેઇડ મળશે. બાકી છૂટકમાં લઈને તમારે એનું જે કરાવવું હોય તે -’

હજી તમે વિચારમાં હશો કે શું જવાબ આપવો, ત્યાં તમારી પત્ની વટાણા વેરી નાંખતા બોલી ઊઠશે :
‘છૂટકમાં જ આપો ને ! અમારે તો સેવ-ટમેટાંની સબ્જી જ બનાવવી છે !’ 

- આ સાંભળતાં જ સેલ્સમેનનો મિજાજ ફરી જશે. એ બૂમ પાડશે : ‘સિક્યોરીટીઈ…. આ ભિખારીઓને બહાર કાઢો !!’

***

- મન્નુ શેખચલ્લી

Comments