રાજશ્રી પ્રોડક્શનના સ્થાપક તારાચંદ બડજાત્યા આજના પ્રોડ્યુસરોની માફક શોર્ટ-કટમાં નહોતા માનતા. આજે તો બોલીવૂડ પાસે ફિલ્મો ચલાવવા માટેના બે જ શોર્ટ-કટ બચ્યા છે. કાં તો ફિલ્મના બે ચાર ડાયલોગ, એકાદ ગાયન કે ફિલ્મના નામે બહુ મોટો વિવાદ ઊભો કરવો, જ્યાં ને ત્યાં તોડફોડ કરાવો, મિડિયામાં હાહાકાર મચાવો… એટલે પબ્લિક કૂતૂહલની મારી ફિલ્મ જોવા દોડી આવશે !
અથવા ચીલાચાલુ રીતે સોશિયલ મિડીયામાં ટ્રેલર, ગાયનો અને પ્રોમો લોન્ચ કરો, મિડીયા રાઇટ્સ મ્યુઝિક રાઇટ્સ વગેરે પહેલેથી જ વેચી મારો અને સામટાં 500-700 સ્ક્રીન ઉપર ફિલ્મ રિલીઝ કરીને શુક્ર, શનિ, રવિમાં જે રોકડી થાય એ લઈને ઘરભેગા થઈ જાવ !
બાકી, માઉથ પબ્લિસીટી? એ વળી શું ? ફિલ્મની ગુણવત્તા ? શી જરૂર છે ? આખું ફેમિલી સાથે બેસીને જોઈ શકે એવી સ્વચ્છ ફિલ્મો ? ના ભઈ ના ! એવા ‘સંસ્કારી’ થવાની શી જરૂર છે ?
આજકાલ તો માર્કેટિંગ ગિમિક્સના નામે સ્ટંટબાજી જ ચાલે છે પણ તારાચંદ બડજાત્યા પાસે હંમેશાં અનોખી સ્ટ્રેટેજીઓ હતી. જે રીતે એમણે ‘જીવનમૃત્યુ’ને છ મહિના સુધી એક જ થિયેટરમાં રોજના એક જ શો માટે ચલાવી હતી એવું જ કંઈક ‘ગીત ગાતા ચલ’માં કર્યું.
આ વખતે એમના સુપુ્ત્ર રાજ બડજાત્યાએ બાગડોર સંભાળી હતી. આજે જેને આપણે સચિનના નામે ઓળખીએ છીએ તે મરાઠી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે આવતો હતો. તેને માત્ર 19 વરસની ઉંમરે હિરો તરીકે લઈને આ બિલકુલ લો-બજેટની ફિલ્મ બની. 1975માં બનેલી આ ફિલ્મ સાચા અર્થમાં 100 ટકા ‘સંસ્કારી’ હતી. એ હતી તો એક લવ સ્ટોરી પણ એમાં ‘મંગલ ભવન અમંગલ હારી’ જેવાં ‘ભજન’ હતાં ! ‘શ્યામ તેરી બંસી..’ જેવું ‘સંસ્કારી પ્રેમગીત’ હતું ! અને રવિન્દ્ર જૈન નામના સાવ નવા સવા ગીતકાર-કમ-સંગીતકાર હતા.
બડજાત્યા પરિવારનો આગ્રહ હતો કે ફિલ્મને મુંબઈના 1300 જેટલી સીટોવાળા વિશાળ ‘મેટ્રો’ સિનેમામાં, (અને માત્ર ત્યાં જ) રિલીઝ કરવામાં આવે ! મેટ્રોના માલિકનું માનવું હતું કે ‘આ તો પોતાના પગ ઉપર કુહાડો મારવા જેવી વાત છે ! ફિલ્મ એક જ વીકમાં ડબ્બો થઈ જશે !’ છતાં રાજશ્રી સાથેના જુના સંબંધોને કારણે તે માત્ર એક અઠવાડિયા મટે ‘મેટ્રો’ સિનેમા આપવા તૈયાર થયા.
હવે જે થયું તે કદાચ આ પહેલા કદી નહોતું થયું. શુક્રવારે માત્ર પાંચ-દસ ટકા ટિકીટો ખપી, શનિવારે થોડી વધારે, વીસ ટકા… અને રવિવારે માંડ પચ્ચીસ ટકા વેચાણ ! પરંતુ એ પછી ‘માઉથ પબ્લિસીટી’એ સોમવારે ચમત્કાર કર્યો ! બાર વાગ્યાનો પહેલો શો હાઉસફૂલ હતો ! ત્રણ વાગે લાંબી લાંબી લાઈનો હતી ! અને છેલ્લા શોમાં તો પ્રેક્ષકોને નીચે બેસાડવા છતાં અડધો અડધ લોકોને પાછા જવું પડ્યું !
બસ, આ વાત આખી ઇન્ડસ્ટ્રીમાં ફેલાઈ ગઈ ! બરાબર બે મહિના પછી ‘ગીત ગાતા ચલ’ ભારતભરમાં રિલીઝ થઈ… ટુંકમાં, માંડ 8 - 10 લાખમાં બનેલી આ ફિલ્મે તેના રોકાણ સામે ચાર ગણી કમાણી કરી !
જોકે તારાચંદજીની ‘નાની મૂડીમાં મોટો બિઝનેસ’ થિયરીમાં માત્ર ‘નાની મૂડી’ નહોતી ! અત્યાર સુધીમાં ‘આરતી’ ‘દોસ્તી’ અને ‘સુરજ’ જેવી માત્ર ત્રણ જ ફિલ્મો બનાવનારા સેઠજીએ ’70ના દાયકામાં આખી ગેમ જ બદલી નાંખી.
એમની પારખી નજરે જોયું કે ભારતના મધ્યમવર્ગનો પ્રેક્ષક ‘ઘરેલુ’ ફિલ્મને માણવા માટે તૈયાર છે. યાદ રહે, આ જ સિત્તેરના દશકની ફિલ્મોમાં હિંસા અને સેક્સનું વાવાઝોડું ફૂંકાયું હતું. એક તરફી ‘એન્ગ્રી યંગ મેન’નો જમાનો હતો તો બીજી તરફ બીઆર ઈશારા જેવા ફિલ્મકારો ‘ચેતના’ ‘દોરાહા’ ‘વાસના’ જેવી છિછરી ફિલ્મો બજારમાં ફટકારી રહ્યા હતા. એ જ સામા પ્રવાહમાં બડજાત્યાજીને શુધ્ધ સામાજિક ફિલ્મોનું એક સ્ટ્રોંગ વહેણ દેખાઈ રહ્યું હતું !
બડજાત્યાજીએ તે વખતે સામટું મોટું મૂડીરોકાણ કરીને એક પછી એક લગભગ ડઝન જેટલી ફિલ્મોનું નિર્માણ હાથ ધર્યું ! કહેવાય છે કે એમણે જુની સ્ટુડિયો સ્ટાઇલ અપનાવીને સ્પોટબોયથી લઈને છેક સિનેમેટોગ્રાફર અને સાઉન્ડ રેકોર્ડિસ્ટ જેવા લોકોને ‘પગાર’ પર રાખી લીધેલા ! વાત તો એવી પણ સાંભળી છે કે હીરો પારખવાની નજર ધરાવતા સેઠજીએ પ્રજ્ઞાચક્ષુ ગીતકાર અને સંગીતકાર રવિન્દ્ર જૈનને પણ માતબર સેલેરીએ રાખી લીધા હતા !
આ તમામ ફિલ્મો એમણે બનાવી નાંખી ઝડપથી, પણ રિલીઝ ધીમે ધીમે કરી… યાદ કરો… ‘જીવનમૃત્યુ’ ‘ઉપહાર’ ‘પિયા કા ઘર’ ‘સૌદાગર’ ‘હનીમૂન’ ‘ગીત ગાતા ચલ’ ‘તપસ્યા’ ‘ચિત્તચોર’ ‘દુલ્હન વહી જો પિયા મન ભાયે’ ‘અખિયોં કે ઝરોકોં સે’ ‘સુનયના’ ‘સાવન કો આને દો’ ‘તરાના’ ‘નદિયા કે પાર’.. આટ-આટલી હિટ ફિલ્મો માત્ર એક જ દાયકામાં અને એક જ પ્રોડક્શન હાઉસ પાસેથી ! છતાં તમામ ફિલ્મો સ્વચ્છ, પારિવારીક અને સમાજને સુંદર સંદેશા આપનારી…
શું યશરાજ કે ધર્મા પ્રોડ્કશન આવું વિચારી શકે ?
(આવતા સોમવારે ‘સેઠજી’ની માર્કેટિંગ સ્ટ્રેટેજીના ‘સુપર-સ્ટ્રોક’ વિશે.)
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment