ઇસ્કોન બ્રિજના 'તથ્ય' અને 'વિસ્મય' !

અમદાવાદના ઇસ્કોન બ્રિજની ભયાનક દુર્ઘટના પછી પોલીસ અચાનક એકશનમાં આવી ગઈ છે !

પરંતુ આની પાછળનાં ‘તથ્ય’ શું છે ? અને ‘વિસ્મય’ કઈ બાબતોમાં છે ? જરા સમજો…

*** 

તથ્ય (1)
ગુજરાતમાં વરસે લગભગ 2500 માર્ગ અકસ્માત થાય છે જેમાં 1400 જેટલાં મોત થાય છે. પરંતુ પોલીસ માટે આ ‘નોર્મલ’ તથ્ય છે.

*** 

તથ્ય (2)
જ્યારે કોઈ હાઈ-પ્રોફાઇલ કેસ મિડીયામાં ચગે છે ત્યારે જ પોલીસ ઓવરસ્પીડીંગ, ડ્રંક ડ્રાઇવિંગ, સ્ટંટબાજી વગેરે સામે ડ્રાઇવ ચલાવે છે. આને ‘બેલેન્સિંગ તથ્ય’ કહે છે.

*** 

તથ્ય (3)
માત્ર હાઈ-પ્રોફાઇલ કેસમાં જ દુર્ઘટનાનું રિ-ક્રિએશન, FSLનાં રિપોર્ટ, વાહનનું જડબેસલાક એનાલિસીસ, કાર-કંપનીના ખુલાસા તથા તાજના સાક્ષીઓને પ્રોટેક્શન જેવી જોરદાર કાર્યવાહી થાય છે. આને ‘ફેસ સેવિંગ તથ્ય’ તહે છે.

*** 

વિસ્મય (1)
સોશિયલ મિડીયામાં ખળભળાટ મચાવી દેનારા વિડીયો પછી પોલીસ કોઈને દંડા મારી રહી છે એવા વિડીયો પોલીસ જ કેમ વાયરલ કરાવે છે ?

*** 

વિસ્મય (2)
જે વાહનચાલકે નવ જાણાને ઉડાડી માર્યા તેને કાન પકડાવવા અને જેણે બાંકડામાં કાર ઠોકી દીધી એને ડંડાવાળી ! એવું કેમ ?

*** 

વિસ્મય (3)
સરકારને લવ-જિહાદ વિરોધી કાયદો પસાર કરવામાં જેટલો ઉત્સાહ હોય છે એમાંનો બે ટકા જેટલો ઉત્સાહ ‘રેશ-ડ્રાઇવિંગ વિરોધી’ કાયદો પસાર કરવામાં કેમ નથી હોતો ?

*** 

વિસ્મય (4)
જ્યારે જ્યારે મોરબી બ્રિજ, ઇસ્કોન બ્રિજ કે હાટકેશ્વર બ્રિજના કાંડ બહાર આવે છે ત્યારે જ એનાં મુખ્ય ખલનાયકો અને સત્તાવાળાઓ વચ્ચે કોઈ ‘પુલ’ હોવાનું કેમ બહાર આવે છે ?

***

- મન્નુ શેખચલ્લી

Comments