મણિપુર, સત્ય અને સુવાક્યો !

આજકાલ સત્ય માટે કપરો સમય ચાલી રહ્યો છે.

ગૃહમંત્રીશ્રી અમિત શાહ કહે છે કે હું સત્ય માટે ચર્ચા કરવા તૈયાર છું. જોકે પ્રોબ્લેમ એ છે કે સરકાર નિયમ નંબર 176 મુજબ ચર્ચા ઇચ્છે છે જ્યારે વિપક્ષનો આગ્રહ છે કે નિયમ નંબર 276 મુજબ ચર્ચા થવી જોઈએ.

- તમે જુઓ, સત્યને પણ અલગ અલગ નિયમો પાળવા પડે છે !
આવા સમયમાં સત્ય વિશેનાં કેટલાંક સુવાક્યો સમજવા જેવાં છે…

*** 

પોલિટીકલ સત્ય હંમેશાં થ્રી-ડિમેનશનલ હોય છે.

એક ડિમેન્શન સરકારનું હોય છે…
બીજું ડિમેન્શન વિપક્ષનું હોય છે.
અને ત્રીજું ડિમેન્શન મિડીયાનું હોય છે !

*** 

સત્યને કાપી શકાતું નથી. બાળી શકાતું નથી. ઓગાળી શકાતું નથી… આ તો જુની વાત થઈ.

આજે સત્યને બ્લોક કરી શકાય છે. ડિલીટ કરી શકાય છે, ટ્વિસ્ટ કરી શકાય છે અને વાયરલ થતું અટકાવવા માટે ઇન્ટરનેટને બંધ પણ કરી શકાય છે.

*** 

હિટલરના પ્રચારમંત્રી ગોબેલ્સે તેની ડાયરીમાં લખ્યું હતું કે જુઠને લાખો વાર ફોરવર્ડ કરવાથી સત્યને પણ અસત્ય સાબિત કરી શકાશે !

*** 

રાજકારણનું આખું બેલેન્સ આ ફોર્મ્યુલા ઉપર ટકેલું છે :

‘જો તમે મારા વિશે જુઠું બોલવાનું બંધ નહીં કરો તો હું તમારા વિશે સાચું બોલવાનું ચાલુ કરી દઈશ !’

*** 

આજકાલ સત્યની ચર્ચા બે જ રીતે થઈ શકે છે :

(1) તમે કહો છો કે સામેવાળા જુઠ્ઠા છે.
(2) સામેવાળા કહે છે કે તમે જુઠ્ઠા છો !

*** 

આજે સૌથી ખતરનાક એ લોકો છે, જે સતત જુઠ્ઠું બોલતાં બોલતાં માનવા લાગ્યા છે કે પોતે જ સાચા છે !

*** 

લોકશાહીનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે ગૃહમાં મતદાન કરાવીને સત્યની વિરુદ્ધ ઠરાવ પાસ કરાવી શકો છો.

***

- મન્નુ શેખચલ્લી

Comments