ભારત ચંદ્ર ઉપર ચંદ્રયાન મોકલીને સંશોધન કરે, કે જતે દહાડે ચંદ્ર ઉપર ભારતવાસીઓની આખી કોલોની ઊભી કરે… આપણા ફિલ્મી શાયરો તો ચાંદ જાણે એમના બાપાની મિલકત હોય એમ જ શાયરીઓ લખતા રહેવાના !
પણ ફિલ્મી શાયરોની ગુસ્તાખી ઉપર આવતાં પહેલાં જમનાલાલ બજાજની વાત સાંભળી લો ! તમે કહેશો કે યાર, આખી વાતમાં જમનાલાલ બજાજ ક્યાંથી આવ્યા ?
તો બિન-આધારભૂત સૂત્રોના કહેવા મુજબ, જ્યારે જમનાલાલ બજાજે થોમસ આલ્વા એડિસને શોધેલા વીજળીના ગોળાને પહેલીવાર જોયો ત્યારે જ એમણે કવિતા કરી નાંખી હતી કે,
‘તુઝે સુરજ કહું યા ચંદા ?
તુઝે દીપ કહું યા તારા ?
નામ કરેગા રૌશન,
જગ મેં મેરા રાજદુલારા..’
અને આજે જુઓ, ઠેર ઠેર ‘બજાજ બલ્બ’ છે કે નહીં ? બસ ત્યારે ! કહેવાનો મતલબ એટલો જ કે બધી વાતમાં ફિલ્મી શાયરો ચાંદ ઉપર દાવો કરીને પોતાના બાપની પ્રોપર્ટી હોય એવું કરે તે ના ચાલે !
છતાં, તમે જુઓ કે ફિલ્મી શાયરોએ ચંદ્ર યાને કે ચાંદને કેવો ‘નોકર’ની જેમ ટ્રીટ કર્યો છે ! દાખલા તરીકે એક શાયરે ચંદ્રને એની સ્પીડ લિમીટમાં રહેવાની ચેતવણી આપતાં કહ્યું છે કે
‘ધીરે ધીરે ચલ,
ચાંદ ગગન મેં,
કહીં ઢલ ના જાયે રાત,
ટૂટ ના જાયે સપને…’
બોલો, કવિરાજ એવા ફાંકામાં છે કે પોતાનાં સપનાં તૂટી ના જાય અને રાત વહેલી પુરી ના થઈ જાય એટલે ચાંદ જાણે એના પિતાશ્રીનો નોકર હોય એમ સ્લો-મોશનમાં ચાલશે !
બીજા એક કવિરાજ તો ચાંદ જાણે ગુજરાતની એસટી બસ હોય અને ‘હાથ ઊંચો કરો, બેસી જાવ…’નું સૂત્ર ચાંદને પણ લાગું પડતું હોય એમ કહે છે :
‘રૂક જા રાત ઠહર જારે ચંદા,
બીતે ન મિલન કી બેલા’
અલ્યા, આકાશમાં કંઈ એસટીનાં બસ-સ્ટોપ બાંધ્યા છે કે ચાંદ આમ તારા કીધે રોકાઈ જાય ?
બીજા કવિશ્રી તો એમ જ સમજે છે કે ચાંદ સાવ નવરોધૂપ છે અને અડધી ચા માટે ગમે ત્યાં પહોંચી જશે ! આ ભાઈ કહે છે કે
‘ચંદા રે ચંદા રે,
કભી તો જમીં પર આ..
બૈઠેંગે બાતેં કરેંગે !’
બોલો, ચાંદો એમ કંઈ ભૂરાની કીટલી ઉપર ચા પીવા આવી જતો હશે ? એને કંઈ બીજાં કામ હોય કે નહીં ? અને ભઈ, જરા સાયન્સના એંગલથી તો વિચારો ? ચાંદ આમ ભપ્પ કરતો જમીન ઉપર આવી પડશે તો પ્રશાંત મહાસાગર જેવડો મોટો ખાડો ના પડી જાય ? જરીક તો પ્રેક્ટિકલ વિચારો ?
છતાં, હજી એક શાયર ચાંદને પટાવાળો જ સમજે છે ! કહે છે કે
‘એ ચાંદ જહાં વો જાયે,
તુ ભી સાથ ચલે જાના,
કૈસે હૈ કહાં હૈ વો,
હર રાત ખબર લાના !’
મતલબ કે ચાંદે તમારા ‘ખબરી’નું કામ કરવાનું છે ? તારી પ્રિયતમા કે પ્રેમી, જે હોય એની ઉપર તને ડાઉટ હોય તો જાતે જ પાછળ પાછળ જા ને ? પાછો કહે છે રોજ રાતના મને ‘રીપોર્ટ’ મળવો જોઈએ ! હર રાત ખબર લાના ્્
અમુક શાયરો તો એમ જ સમજતા હશે કે ચાંદ જોડે એમને ‘ડાયરેક્ટ ડાયલિંગ’ના સંબંધો છે ! જુઓ આ ગીતમાં કવિએ શું કહ્યું છે..
‘મૈં ને પૂછા ચાંદ સે,
દેખા હૈ કહીં,
મેરે યાર સા હંસી?’
આમા ચાંદે તો ભગવાન જાણે ખોવાયેલી વ્યક્તિઓ બાબતે પોલીસ સ્ટેશનમાં શું જવાબ લખાવ્યો હોય, પણ શાયર પોતે જ મનમાં ને મનમાં જવાબ ધારી લે છે કે
‘ચાંદને કહા,
ચાંદની કી કસમ,
નહીં… નહીં… નહીં…’
હવે આમાં તારી ગુમશૂદા પ્રેમિકા ક્યાંથી મળવાની હતી ? એના કરતાં કોઈ મેરેજ વિડીયોવાળાનો ડ્રોન કેમેરા ભાડે કર્યો હોત તોય ક્યાંક તારી પ્રેમિકા કોઈક બાલ્કનીમાં બેઠી બેઠી લસણ ફોલતી દેખાઈ જાત !
આમાં મૂળ પ્રોબ્લેમ શું છે કે શાયરો એમ સમજી બેઠા છે કે ચાંદ તો એમને પૂછ્યા વિના પાણીયે નથી પીતો ! એટલે શાયરો અંબાલાલ પટેલને પણ ત્રાસ થઈ જાય એવી આગાહીઓ કરતા ફરે છે ! જેમકે
‘ચાંદ આહેં ભરેગા,
ફૂલ દિલ થામ લેંગે,
હુશ્ન કી બાત ચલી તો,
સબ તેરા નામ લેંગે…’
જાણે તારે કીધે જ ચાંદને અસ્થમા થઈ જવાનો હોય ! અને શું, તારી પ્રેમિકાને પંચાયતની ચૂંટણીમાં નામાંકન પત્ર ભરવાનું છે ? કે ચાંદ અને ફૂલ વગેરે આવીને તારાવાળીનું નામ લઈને ‘ઝિન્દાબાદ’ના નારા લગાડશે ?
એક કવિ તો રીતસર ચાંદની લાગવગ લઈને ફરે છે :
‘ચાંદ સિફારિશ જો કરતા હમારી,
દેતા વો તુમ કો બતા !’
ભઈલા, શું કહી દેત ? કે તું અને ચાંદ નાના હતા ત્યારે ધાબા ઉપર સૂતાં સૂતાં પબજી રમતા હતા ? એક કેસમાં ચાંદે ખરેખર સિફારિશ કરી હતી એમાં તો ઊંધુ વેતરાઈ ગયું હતું ! સાંભળો શું થયું હતું ?
‘ચાંદ ને કુછ કહા,
રાતને કુછ સુના,
તૂ ભી સુન બે-ખબર,
પ્યાર કર… હોઓઓ પ્યાર કર…’
આમાં ચાંદે આ ભઈલુને કીધેલું કે એક્ઝામ આવે છે; તો રાતે વાંચવાનું રાખજે ! ચાંદે કીધું કુછ, ને રાતે સાંભળ્યું કુછ ! એમાં ભઈ સમજ્યા કે ‘પ્યાર કર… પ્યાર કર…!’
આજે એના સામેના ધાબાવાળી કોઈ કલેકટરને પરણી ગઈ છે અને ભઈ હજી તલાટીની એક્ઝામો આપતો ફરે છે. બોલો.
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
અરે...બોલો ક્યા કવિએ વધારે પીધો લાગે ? આધા હૈ ચન્દ્રમાં રાત આધિ...( ભરત વ્યાસ )..એક રાતમે દો દો ચાંદ ખીલે ( રાજિન્દર કૃષ્ણ )...એક તો પાછી ચાંદના બ્યુટી પાર્લર મુલાકાતનું સિક્રેટ જાહેર કરે છે..આજ કી રાત નયા ચાંદ લેકે આઇ હૈ...( અમારી કોઈ શાખા નથી...નકલી માલથી ચેતો. )..
ReplyDeleteD. R. Diary.♀■♂◆
હા હા હા હા.. nice observation !! તમારી શાખામાં તો અસલી માલ છે !!
ReplyDelete