અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર જે ગોઝારી ઘટના બની ગઈ તેમાંથી સરકાર કે ન્યાયતંત્ર કંઈ બોધપાઠ લેશે એવી આશા તો ‘અમર’ જ રહેવાની છે !
પરંતુ પ્રજાએ આમાંથી શું બોધપાઠ લેવાના છે ? આ સમજી લેવું જરૂરી છે…
***
(1) માત્ર અકસ્માત નહીં, કોઈપણ ગંભીર ગુનામાં ન્યાયતંત્ર ‘ઝડપથી’ ન્યાય આપે એ આશા જ ઠગારી છે. માટે ‘જૈસે કર્મ કરેગા વૈસે ફલ દેગા ભગવાન…’ એવું ગાયન ગાતા રહેવાથી જ શાંતિનો આભાસ થશે.
***
(2) જ્યારે રસ્તામાં કોઈને અકસ્માત થાય ત્યારે મદદ કરવા, શું થયું છે તે જોવા, અથવા વિડીયો ઉતારવા માટે ટોળે વળવું નહીં. કેમકે આમ કરવાથી ઝડપી વાહનોને ટ્રાફિકમાં અવરોધ થાય છે.
***
(3) જ્યારે રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટો ના હોય ત્યારે ઝડપથી ધસી આવતાં વાહનોને બધું ચોખ્ખું દેખાય એટલા માટે લોકોએ પોતાના મોબાઈલો વડે અજવાળાં પાથરતાં રહેવું પડશે.
***
(4) ‘અમને 4 લાખ નથી જોઈતા, બલ્કે અમે તમને 50 લાખ આપીએ… પણ ગુનેગારોને બરોબર સજા થવી જોઈએ.’
- આવી કોઈ બારગેઈન સ્કીમ સરકારમાં કે ન્યાયતંત્રમાં ચાલતી નથી તેની નોંધ લેવી.
***
(5) પ્રજાએ એ પણ યાદ રાખવું જોઈએ કે લાખો રૂપિયાની SUV કારની લાઈટો કદી પર્યાપ્ત નથી હોતી ! ડ્રાયવર તથ્ય પટેલે તેના બયાનમાં કહ્યું જ છે કે ‘એટલું બધું અંધારું હતું કે કંઈ દેખાયું જ નહીં !’
***
(6) અને છેલ્લે પ્રજાએ જીવનનો આ એક મંત્ર હંમેશા યાદ રાખવો રહ્યો કે હાઈસ્પીડ વાહનો વડે અકસ્માત થાય એમાં કદી ‘વિસ્મય’ ન થવું જોઈએ કેમકે જીવનનું આ ‘તથ્ય’ જ સત્ય છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment