ચા, શાયરી અને ભજિયાં !

અમને કોઈ અપેક્ષા નથી કે આ સંશોધન લેખ વાંચ્યા પછી કોઈ યુનિવર્સિટી અમને PhDની ડીગ્રી આપી દેશે. અમને વાહ-વાહ કે દુબારા-દુબારાની પણ આશા નથી કેમકે અમે જન્મજાત ભજિયાંપ્રેમી છીએ. 

અમારા ભજિયાંપ્રેમથી પ્રેરાઈને જ અમે ઠેર ઠેર તરછોડાયેલી એ પસ્તીનાં કાગળો કે જેમાં ગુજરાતના શાયરોએ ગરમાગરમ ચ્હા સાથે ભજિયાં ખાતાં ખાતાં જ શાયરીઓ લખી હતી, એ અમારી અગડમ બગડમ રિસર્ચ પધ્ધતિથી શોધી લાવ્યા છીએ… સાંભળો !

કવિશ્રી ચીનુ મોદી ક્યારેક અમદાવાદનાં રમખાણોની વચ્ચે ભજિયાંની લિજ્જત લેતાં લખી ગયા હતા કે 
જાત ભજિયાંની છતાં કેવી ખુમારી હોય છે… 
રમખાણની હેડલાઈન પર એની સવારી હોય છે !’

એ જ રીતે શાયર બરકત વીરાણીએ પોતાને ગરમાગરમ ભજિયાંનો તાજો ઘાણ ન મળ્યાની મનોવ્યથા આ રીતે વ્યક્ત કરી હતી : 
મસાલો તીખો, પણ વાસી પડેલાં ભજિયાં જેવો છું… 
મને ના ચાખ, હું ગઇકાલના અખબાર જેવો છું !’

જોકે અમારું એક સંશોધન એવું છે કે જાણીતા શાયર હરજી લવજી દામાણી ઉર્ફે ‘શયદા’ પોતે એક ખાસ માનીતી ભજિયાંની લારીએ જતા હતા. એ લારીવાળો જ્યારે ઘાસલેટ ખૂટી પડે ત્યારે છાપાંની પસ્તી બાળીને પણ ઘરાકને ગરમાગરમ ભજિયાં તળી આપતા હતા ! એટલે જ કવિ એ કુશળ કારીગર માટે લખી ગયા કે 
વાસી ખબરો બાળી બાળી, અંગાર જલાવી જાણું છું…
જઠરાગ્નિને તાણી લાવે એવાં ભજિયાં બનાવી જાણું છું !’

તમે નહીં માનો, પણ એ જ શાયર ‘શયદા’ની એક જમાનાના રેડિયો ઉપર જિંગલ આવતી હતી ! જેમાં કવિએ ગાયું હતું :
વિશ્વાસ રાખ ‘શયદા’ તું એક જ લારી પર… 
પત્ની પાસે જઈને શું કામ કરગરે છે ?’

શાયર શેખાદમ આબુવાલા વાલા તો ઝનૂનપૂર્વક ખુદને ભજિયાંનો અવતાર માનતા હતા ! એટલે જ એ ભરી મહેફિલમાં લલકાર કરતા હતા કે 
અમને નાંખી દો તવાની આગમાં, 
તેલને પણ ફેરવીશું બાગમાં… 
સર કરીશું આખરે સૌ મરચાંને, 
ડુંગળીને પણ આવવા દો લાગમાં !’

એની સામે કવિ અમૃત ‘ઘાયલ’ પણ કંઈ કમ નહોતા ! એમણે પણ જાહેરમાં ભજિયાં તરફથી તમામ વાનગીઓ સામે પડકાર ફેંક્યો હતો : 
‘આ મારી ચટણી તો સંજીવની છે દોસ્ત… 
ભજીયું છું, મરેલાને બેઠા કરી શકું છું !’

જોકે અમૃત ‘ઘાયલ’ પોતાની જ પ્રિય લારીનાં ભજિયાં માટે એક ખાનગી કબૂલાત પણ કરી ગયા છે : 
‘છે આબરુનો પ્રશ્ન, ખબરદાર મરચાંઓ… 
જાણી ન જાય કોઈ, કે જીભ ચચરી હતી !’

શાયર ‘ખલીલ’ ધનતેજવી તો એટલી હદે ભજિયાંના પ્રેમમાં ગળાડૂબ હતા કે એના કારણે એમને એમની પ્રેમિકા સાથે ‘બ્રેક-અપ’ થઈ ગયેલું ! જુઓ, આ શેર એ વાતનો પુરાવો છે : 
ભજિયાં તો વારસાગત ટેવ છે મારી… 
ચટણી છોડીને તને મળવા નહીં આવું !’

એ તો ઠીક, ‘શૂન્ય’ પાલનનપુરી નામના શાયરે તો ભજિયાંની તુલના છેક ગંગાજળ સાથે કરતાં લખી નાંખ્યું હતું કે 
શૂન્ય મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું… 
મૃત્યુ ટાણે પણ મળે જો ભજિયાં મરચાં તણાં !’

બીજી તરફ, ‘જલન’ માતરી નામના કવિને જ્યારે જ્યારે ગરમાગરમ ભજિયાં નહોતાં મળતાં ત્યારે તે ડિપ્રેશનમાં સરી જતા હતા ! આવા જ એક હતાશાના દૌરમાં તેમણે લખ્યું હતું કે 
જગતના તત્વજ્ઞાનીઓમાં મારું નામ લેવાશે… 
વાસી ભજિયાંને હું જ્યારે ચૂંથતો થઈ જઈશ !’

કવિ ચીનુ મોદીએ પણ સારી ક્વોલીટીના ભજિયાંના વિરહમાં લખ્યું હતું : 
સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ? 
જીવવા માટે કયું બહાનું જોઈએ ? 
એક ભજિયું સારું મળે તો બહુ થયું, 
ઘાણ ક્યાં આખા તવાનો જોઈએ ?’

જો કે મશહુર શાયર ‘ગની’ દહીંવાલા ભજિયાંના તાપમાન બાબતે જરાય બાંધછોડ કરવામાં માનતા નહોતા ! જુઓ, એમણે ગરમ લ્હાય જેવાં ભજિયા ખાવા માટે કેવાં કેવાં ‘રિસ્ક’ લીધાં હતાં ! 
‘જો કહું વિનમ્રભાવે, આતંક સુધી ગયો છું હું… 
કે તવાનો તાપ જોવા, જીભ બાળી ગયો છું હું !’

આખરે, કવિશ્રી ‘જલન’ માતરીના આ જબરદસ્ત શેરથી આ ભજિયાં-મુશાયરાનું સમાપન કરીએ… 
કયામતની રાહ એટલે જ જોઉં છું… 
કે ત્યાં એક ભજિયાંની લારી તો હશે !’

(ખાસ નોંધ: ગુજરાતના નામી શાયરોની કૃતિઓ હંમેશા આપણા ગર્વ અને આદરને પાત્ર છે પરંતુ અહીં એમની શાયરીઓ વડે આપણાં સૌનાં પ્રિય ભજીયાંની મોજનો જ નિર્દોષ હાસ્ય- હેતુ છે. માટે કોઈએ ખોટું લગાડવું નહીં.)

***

- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment