બિપરજોય વર્સિસ ટીટોડી એન્ડ ટહૂકા !

તમે માર્ક કર્યું ? ચોમાસું તો બેસી ગયું, પણ આ વખતે આપણા ફેસબુકિયા કવિઓ અને ફોરવર્ડિયા વોટ્સેપિયનોની આખી મઝા જ બગડી ગઈ ! શી રીતે ? જુઓ…
*** 
દૂર ક્યાંક વરસાદ પડે અને ‘ભીની માટીની ખુશ્બુ’ ઉપર કવિતા લખી નાંખવાનો ટાઈમ હતો…

એ જ વખતે ‘બિપરજોય વાવાઝોડું 300 કિ.મી. દૂર છે… અને 15 કિ.મી.ની ઝડપે ધસી રહ્યું છે…’ એવું સાંભળીને કવિઓ 300 ÷ 15ના દાખલા ગણવામાં બિઝી થઈ ગયા હતા… બિચ્ચારા !

*** 

અરે, ‘ટીટોડીએ ક્યાંક માળામાં ઇંડા મુક્યાં હોય તો એનો ફોટો સેન્ડ કરજો…’ એવી રિક્વેસ્ટો મોકલીને રાહ જોનારાઓ…

ટેન્શનમાં ને ટેન્શનમાં ટીટોડીને બદલે અંબાલાલની આગાહીમાં અટવાઈ રહ્યા હતા !

*** 

જે કવિઓ ‘મોરલાના ટહૂકા’ ઉપર કવિતા લખીને તૈયાર બેઠા હતા કે ક્યારે પહેલું ઝાપટું વરસે…

… એ જ કવિઓ ધાબા ઉપર સૂકવવા નાંખેલી લુંગી, પાયજામા અને ઝભ્ભા ઊડીને ક્યાંક પંદરમા ધાબે ના પહોંચી જાય એના ટેન્શનમાં ‘મોરલાના ટહૂકા’ને બદલે ‘પવનના સૂસવાટા’ સાંભળવામાં બિઝી હતા !

*** 

અરે છાપું વાંચીને આગાહીઓ કરનારા વડીલો પણ ‘કેરળમાં ચોમાસું’ પહોંચવાની તારીખને બદલે…

‘ગુજરાતમાં બિપરજોય’ની તારીખોમાં ગૂંચવાઈ ગયા હતા !

*** 

એ બધું તો ઠીક, પણ દર ચોમાસામાં પહેલાં છત્રી રેઈનકોટ વગેરે માળિયેથી ઉતારવાની ‘અગમચેતી’ રાખનારા ચીવટીયાઓ પણ –

… ‘જીવનરક્ષક દવાઓ…’ ‘પુર-રાહતનો ટોલ-ફ્રી નંબર…’ ‘સ્થળાંતર પહેલાંની તકેદારીઓ…’ અને ‘કેટલા નંબરનું સિગ્નલ છે ?’નાં મેસેજોમાં પડ્યા હતા !

*** 

આમાં તમે જ કહો. કવિ ટીંટોડીનાં ઇંડા ઉપર કવિતા લખે ? કે પ્લાસ્ટિકની ટાંકી ઉપર પોતાનો ફોન નંબર લખે ?

***

- મન્નુ શેખચલ્લી

Comments